Abtak Media Google News

કૃષિ, જેએનયુ અને વાયુ પ્રદુષણ મુદ્દે ધમાલ: લોકસભામાં વેલમાં ઘૂસી વિપક્ષના સુત્રોચ્ચાર

શિયાળુ સત્રના બીજા દિવસે મંગળવારે સંસદમાં ખેડૂતોની આવક, કાશ્મીરમાં નેતાઓની ધરપકડ અને જેએનયુના મુદ્દે હોબાળો થયો હતો. ત્યારબાદ રાજ્યસભાની કાર્યવાહી બપોરે ૨ વાગ્યા સુધી સ્થગિત કરી દેવાઈ હતી. વિપક્ષે ખેડૂતોની આવક અંગે લોકસભામાં તાનાશાહી બંધ કરોના નારા લગાવ્યા હતા. ત્યારબાદ ગાંધી પરિવારની સુરક્ષા ઘટાડવા મુદ્દે કોંગ્રેસ અને ડીએમકેએ લોકસભા માંથી વોક આઉટ કરી દીધું હતું. તો બીજી બાજુ સભ્યોએ બન્ને ગૃહમાં વાયુ પ્રદુષણ અને જળવાયુ પરિવર્તન પર ચર્ચા માટે નોટિસ આપી હતી.

લોકસભા અધ્યક્ષે એક વખત વિપક્ષને શાંત કરવાનો પ્રયાસ કર્યો. વિપક્ષ નેતા વેલમાં આવીને હોબાળો કરી રહ્યા હતા. લોકસભામાં કૃષિ અને ખેડૂતો સાથે જોડાયેલા પ્રશ્નો પર ચર્ચા કરતી વખતે વિપક્ષ સતત નારાબાજી કરતો હતો. કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પુરુષોત્તમ રૂપાલા તેમનો જવાબ આપી રહ્યા હતા. જેએનયુ મામલે ચર્ચા કરવા માટે સીપીઆઈ સિવાય આરએસપી, મુસ્લિમ લીગ, ટીએમસીએ પણ લોકસભામાં સ્થગન પ્રસ્તાવ આપ્યો છે. કોંગ્રેસે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પાસેથી એસપીજી સુરક્ષા કવર પરત લેવા અંગે લોકસભામાં સ્થગન પ્રસ્તાવની નોટિસ આપી છે.

રાજ્યસભામાં જલિયાંવાલા બાગ રાષ્ટ્રીય સ્મારક બિલ પર ચર્ચા કરતા ભાજપ સાંસદ પ્રહ્લાદ સિંહ પટેલે કહ્યું કે, તેને રાષ્ટ્રીય સ્વરૂપ મળે એટલા માટે ગૃહને અપીલ કરી છે કે ગૃહ બિલને પાસ કરે. પંજાબથી કોંગ્રેસ સાંસદ પ્રતાપ સિંહ બાજવાએ કહ્યું કે, હું પહેલા તમને ઈતિહાસમાં લઈ જઈશ. રોલેટ એક્ટ વિરુદ્ધ જ્યારે વૈશાખી સમયે લોકો પ્રદર્શન કરવા માટે ભેગા થયા હતા તો અંગ્રેજ અધિકારીઓએ પાઠ ભણાવવાનું વિચાર્યુ અને શેરીઓમાં તેમના માણસોને ઊભા કરી દીધા હતા, ત્યાં મિલેટ્રી રૂલ લગાવી દીધો હતો. ૧૭૦૦ રાઉન્ડ ફાયર કરાયો હતો. અંગ્રેજ સરકાર કહેતી હતી કે ૩૮૦ લોકો માર્યા ગયા હતા.

લોકસભામાં જે એન યુ નો મુદ્દો પણ ઉછલયો હતો. પશ્વિમ બંગાળના દમદમથી ટીએમસી સાંસદ સૌગત રોયે લોકસભામાં જેએનયુનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, ગરીબ ઘરના બાળકો અહીં ભણવા આવે છે. હવે તેમની ફી વધારી દેવાઈ છે. લોકસભા અધ્યક્ષે સાસંદને ટોકતા કહ્યું કે, ફી વધારાના આંકડાઓ પણ જણાવો, સાંસદે વધુમાં કહ્યું કે, એ લોકો ગઈકાલે જ્યારે જુલુસ કાઢ્યું તેમાં પોલીસે લાઠી ચાર્જ કર્યો જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. જેની હું નિંદા કરું છું. લોકસભા અધ્યક્ષે વિપક્ષે લોકોને સમજાવવા માટે ફરી એક પ્રયાસ કર્યો અને કહ્યું કે, ખેડૂતો સંબંધિત પ્રશ્ન ચાલી રહ્યો છે ચર્ચા ચાલવા જો. પણ તેમ છતા પણ વિપક્ષે નારાબાજી બંધ ન કરી તો, લોકસભા અધ્યક્ષે વિપક્ષને ચેતવણી આપતા કહ્યું કે, પહેલા પરંપરા હશે વેલમાં આવીને આસન સાથે વાત કરવાની પણ હવે નથી. આગળથી આવુ ન કરતા નહીં તો મારે કાર્યવાહી કરવી પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.