Abtak Media Google News

માંગરોળની શારદાગ્રામ સંસ્થા સંચાલિત CBSEશાળામાં ફી વધારાના મુદ્દે વાલીગણે આક્રમણ વલણ અપનાવ્યું છે. શનિવારે પરિણામના દિવસે માર્કશીટ નહીં લીધા બાદ વાલીઓએ આજે બાળકોને શાળાએ ન મોકલી શિક્ષણનો બહિષ્કાર કરતાં શાળામાં શિક્ષણકાર્ય ઠપ્પ રહ્યું હતું.

શાળાએ F.R.C.મુજબ ફી વધારો કરતા ૮ થી ૧૩ હજાર સુધીનું વધારાનું ભારણ આવતા છેલ્લા અઢી , ત્રણ માસથી મેનેજમેન્ટ અને વાલીઓ વચ્ચે ખટરાગ પ્રવર્તી રહ્યો છે. વાલીઓના જણાવ્યા મુજબ  નવા સત્રને બદલે ચાલુ વર્ષના અંતિમ સત્રમાં લાગુ કરાયેલો આ ફી વધારો ગેરવાજબી છે. બીજી તરફ આ અંગે ટ્રસ્ટીઓ નિર્ણય લેશે તેવા મેનેજમેન્ટના અપાતા દિલાસાઓ વચ્ચે કોઈ નિરાકરણ આવ્યું ન હતું. શનિવારે ધો. ૧ થી ૯ના રીઝલ્ટના દિવસે પણ નવી ફી ભર્યા બાદ જ માર્કશીટની મેનેજમેન્ટની નીતિથી વાલીઓ અકળાયા હતા. ભારે વિરોધ દશાઁવ્યા બાદ મોટાભાગના વાલીઓ માર્કશીટ લીધા વિના જ પરત ફર્યા હતા.

ત્યારબાદ સોમવારથી શિક્ષણનો બહિષ્કાર કરવાના નિર્ણય અંતર્ગત આજે માંગરોળ ઉપરાંત માધવપુર, ચોરવાડ, ગડુ, કેશોદ સહિતના ગામોમાંથી વાલીઓએ બાળકોને શાળાએ જ મોકલ્યા ન હતા. શિક્ષકોને બાદ કરતાં દરેક સ્કુલબસો ખાલીખમ પરત ફરી હતી. આજે CBSEની ફરીયાદ શાખામાં વાલીઓ રજૂઆત કરશે. ગુંચવાયેલા આ પ્રશ્ને આગળની રણનીતિ માટે વાલીઓની મંગળવારે મિટીંગ પણ મળનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.