Abtak Media Google News

કાજલી માર્કેટીંગ યાર્ડ ખાતે ખેડૂત શિબીર યોજાઈ: ગૌસેવા સંવર્ધન સમારોહનું સમાપન

વેરાવળના કાજલી માર્કેટીંગ યાર્ડ કૃષિગ્રામ વિકાસ ટ્રાન્સપોર્ટ મંત્રી આર.સી.ફળદુના અધ્યક્ષસ્થાને અને કેન્દ્રીય શિપિંગ મંત્રી મનસુખભાઈ માંડવીયાની પ્રેરક ઉપસ્થિતિમાં ખેડૂતોની વિશાળ સંખ્યામાં મહા ખેડૂત શિબીર યોજાઈ હતી. જેમાં મહાનુભાવોએે ખેડૂતોને ખેતીક્ષેત્રે પરિવર્તન લાવવા માટે માર્ગદર્શન આપ્યું હતું.

કૃષિ મંત્રી આર.સી.ફળદુએ ખેડૂતોને આવકારી જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોને નવી  ઉંચાઇ પર લઈ જવા માટે તેમની આવક ૨૦૨૨ સુધીમાં બમણી કરવા સંકલ્પ કરી વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. ખેડૂતોએ ઓછા ખર્ચે પ્રમાણ મુજબ ખાતરનો ઉપયોગ કરી ગુણવત્તાયુક્ત  ખેત પેદાશો મેળવવા આજના સમયની માંગ છે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, સમગ્ર દેશમાં ખેડૂતનો દિકરો જુદા જુદા પાકોનું ઉત્પાદન કરી તેમનું અને સમગ્ર ભારતીયોનું સાથે અન્ય દેશના લોકોનું પેટ ભરે છે. જેથી ખેડૂત પરિવાર તેમનો જીવનનિર્વાહ કરે છે. વિશ્વ વ્યાપાર સંસ્થામાં ૧૫૯ દેશો સહભાગી થયા છે. જેના પરિણામે અન્ય દેશોમાં ખેત પેદાશોની આયાત નિકાસ કરવા એક મહત્વનું પ્લેટફોર્મ મળી રહ્યું છે આરોગ્યલક્ષી પાકોનું ઉત્પાદન કરવા મંત્રીએ ખેડૂતોને ખાસ અનુરોધ કર્યો હતો.

કેન્દ્રીય શીપીંગ( સ્વતંત્ર હવાલો) અને કેમિકલ્સ ફર્ટિલાઈઝર રાજ્ય  મંત્રી મનસુખભાઈ માંડવીયાએ સરદાર વલ્લભભાઈ પટેલની વાતોને આવરી લઇ જણાવ્યું હતું કે, જય જવાન જય કિસાનના નારાએ દેશની પ્રજા માટે એક મહત્વનો સંદેશ આપ્યો છે. જવાન દેશની રક્ષા કરે છે. જ્યારે કિશન લોકોના પેટનો ખાડો પૂરે છે. કિશાનોની સમૃદ્ધિ પર દેશની સમૃધ્ધિ છે. ખેડૂતોની આવક ૨૦૨૨માં બમણી કરવા ભારત સરકાર કટિબધ્ધ છે. ખેડૂતો માટે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકી ખેડૂતોને લાભ આપવામાં આવે છે. ખેડૂતો માટે ખાતરથી લઇ વિવિધ સાધન સહાયની ખરીદીમાં સરકાર દ્વારા મોટી રકમની સબસિડી આપવામાં આવી રહી છે.

સ્વાગત પ્રવચન પૂર્વે ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારે અને સંચાલન રામસિંહભાઈ પરમારે તેમજ આભારવિધિ જેઠવાભાઈએ કરી હતી. આ પ્રસંગે પ્રવાસન નિગમના ડીરેકટર ઝવેરીભાઈ ઠકરાર, બીજ નિગમના ચેરમેન રાજશીભાઈ જોટવા, પૂર્વ ધારાસભ્ય જેઠાભાઇ સોલંકી, જિલ્લા પંચાયતના પ્રમુખ રૈયાબેન જાલોંધરા, નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેન સુયાણી, કનુભાઇ ભાલાળા, એલ .ટી રાજાણી,જૂનાગઢના જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ, દિનેશભાઈ, લક્ષ્મણભાઈ, ભરતભાઈ ગાજીપરા, બેન્કના ડિરેકટરો તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.