Abtak Media Google News

ચૂંટણી આવે એ પહેલા જ રાજકીય તડજોડ અને ખેંચાખેંચી આગળ વધી રહી છે. સિક્કા પાલિકામાં ભાજપે ઓપરેશન હાથ ધરી પૂર્વ પ્રમુખ સહિત ૩૧ કોંગી આગેવાનોને કેસરીયા ધારણ કરાવ્યા હતા. જામનગર શહેર અને જિલ્લામાં ચૂંટણી પહેલાં જ મોટા પ્રમાણમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. શહેરના બે પૂર્વ કોર્પોરેટરો ના ભાજપ અને કોંગ્રેસમાં પ્રવેશ પછી હવે જામનગર તાલુકાના સિક્કામાં ભાજપ દ્વારા મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને સિક્કા કોંગ્રેસના અગ્રણી એવા સિક્કા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સહિતના ૩૧ હોદ્દેદારોએ ભાજપમાં પ્રવેશ કરી લીધો છે. જેથી સિક્કાના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. સિક્કા પાલિકાના પૂર્વ પ્રમુખ જુમાભાઈ જાકૂબભાઈ હુંદડા, કે જેઓ હાલ નગરપાલિકાના સભ્ય પણ છે ઉપરાંત ૭૭ વિધાનસભા વિસ્તારના કોંગ્રેસના પ્રમુખ આદમ જુમાભાઈ હુંદડા, સિક્કા ના કોંગ્રેસના કોર્પોરેટર અનવર જાકૂબ હુંદડા ઉપરાંત ૭૭- ગ્રામ્ય વિધાનસભા વિસ્તારના કોંગ્રેસના મંત્રી અબ્બાસ નૂરમામદ સંઘાર સહિત ૩૧ કોંગી અગ્રણીઓએ કોંગ્રેસનો સાથ છોડીને ભાજપમાં પ્રવેશ કરી લીધો છે.  જામનગરના જિલ્લા ભાજપના મધ્યસ્થ કાર્યાલય માં તમામ ૩૧ કાર્યકરોને પ્રવેશ આપવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જિલ્લા ભાજપના પ્રમુખ  રમેશભાઈ મૂંગરા, તેમજ ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, ઉપરાંત જાડા પૂર્વ ચેરમેન દિલિપસિંહ ચુડાસમા સહિતના ભાજપના અગ્રણીઓની હાજરીમાં તમામ ૩૧ કાર્યકરોને કેસરીયો ખેસ પહેરાવી ને ભાજપમાં પ્રવેશ કરાવાયો હતો. જેને લઈને સિક્કાના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. જોકે હાલ વર્તમાન બોડી ભાજપની જ છે. જેની હવે તાકાત વધુ મજબૂત બની છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.