Abtak Media Google News

વોર્ડ નં.૧, ૨, ૮, ૯ અને ૧૦માં ૨૪ કલાક પાણી આપવા માટે રૂ.૩૨૮.૭૮ કરોડનો પ્રોજેકટ: એડીબી પાસેથી લોન લેવા હવે ડીપીઆર કેન્દ્ર સરકાર સમક્ષ મંજુરી અર્થે મુકાશે

ન્યુ રાજકોટનાં પાંચ વોર્ડમાં ૨૪ કલાક પાણી વિતરણ કરવાના મહત્વકાંક્ષી પ્રોજેકટને રાજય સરકારનાં શહેરી વિકાસ વિભાગ દ્વારા સૈઘ્ધાંતિક મંજુરી આપી દેવામાં આવી છે. રૂ.૩૨૮.૭૮ કરોડનાં આ પ્રોજેકટ માટે એડીબી પાસેથી લોન લેવા ડીપીઆર કેન્દ્ર સરકાર સમક્ષ મંજુરી અર્થે રજુ કરવામાં આવશે. સેન્ટ્રલ અને ઈસ્ટ ઝોનમાં ૨૪ કલાક પાણી વિતરણનાં પ્રોજેકટ માટે ડીપીઆર બનાવવાની ગતિવિધિ શરૂ કરવામાં આવશે તેમ આજે પત્રકારોને માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું.

તેઓએ ઉમેર્યું હતું કે, શહેરનાં વેસ્ટ ઝોનમાં રૈયાધાર પમ્પીંગ સ્ટેશન આધારિત વોર્ડ નં.૧, ૨ (પાર્ટ), ૮ (પાર્ટ), ૯ અને ૧૦ (પાર્ટ)માં ડીઆઈ પાઈપલાઈનનું નેટવર્ક બિછાવી ૨૪ કલાક પાણી વિતરણ કરવા માટે રૂ.૩૨૮.૭૮ કરોડનાં પ્રોજેકટનો ડીપીઆર તૈયાર કરવામાં આવ્યો હતો. આ પ્રોજેકટમાં ૧૫ ટકા રકમ રાજય સરકાર અને ૧૫ ટકા રકમ કોર્પોરેશનની રહેશે. જયારે ૭૦ ટકા રકમ એટલે કે રૂ.૨૨૮ કરોડની લોન કેન્દ્ર સરકારનાં એકસર્ટનલ એડેડ પ્રોજેકટ અંતર્ગત લેવામાં આવશે. આ પ્રોજેકટને રાજય સરકાર દ્વારા સૈઘ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે. ટેન્ડર પ્રસિઘ્ધ કર્યા બાદ વર્ક ઓર્ડર આપ્યા પછી ૩ વર્ષમાં સંપૂર્ણ પ્રોજેકટ સાકાર થશે. આ પ્રોજેકટથી લાઈન લોસ ઘટશે, પાણી ચોરીનું દુષણ અટકશે. દુષિત પાણીની સમસ્યા હલ થશે અને મેઈન્ટેનન્સનું ભારણ પણ ઘટશે. કાલાવડ રોડ દક્ષિણ વિસ્તારમાં ૩.૨૦ લાખ લોકોને ૨૪ કલાક પાણી વિતરણ પ્રોજેકટનો લાભ મળશે અને ૩૦ વર્ષનાં લાંબાગાળાનાં આયોજન સાથે ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. પ્રોજેકટ અંતર્ગત વોર્ડ નં.૯ અને ૧૦ માટે યુનિવર્સિટી રોડ પર ૧૦,૦૦૦ ચો.મી. જગ્યામાં નવો ઈએસઆર, જીએસઆર બનાવવાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, શહેરનાં બાકી રહેતા અન્ય વોર્ડમાં પણ ૨૪ કલાક પાણી વિતરણ માટેનાં પ્રોજેકટનો ડીપીઆર તૈયાર કરવા સુચના આપી દેવામાં આવી છે. આગામી ૧૦ વર્ષમાં શહેરમાં ૨૪ કલાક પાણી મળે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.