ન્યાયમંદિરોના કપાટ ‘વર્ચ્યુલી’ નહીં ‘ફિઝીકલી’ ખોલો !!

મહામારીને કારણે મહાનગરોમાં બંધ થયેલા ન્યાયમંદિરોના દરવાજા ખોલવા બાર કાઉન્સિલની ચીફ જસ્ટિસને રજુઆત

કોરોના મહામારીને પગલે સમગ્ર દેશમાં લોકડાઉન અમલી બન્યું હતું હતું. લોકડાઉનને પરિણામે તમામ ઉદ્યોગ ધંધાની સાથોસાથ સરકારી કચેરીઓમાં પણ લોક લાગ્યા હતા. સમય જતા અનલોક સ્વરૂપે તબક્કાવાર છૂટછાટ પણ આપવામાં આવી હતી પરિણામે ઉદ્યોગ ધંધા અને સરકારી કચેરીઓમાં લાગેલા તાળા ઉતર્યા હતા પરંતુ હજુ સુધી રાજ્યના ૪ મહાનગરોના ન્યાયમંદિરોમાં તાળા જ છે તેવું કહી શકાય. હજુ સુધી રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના ન્યાયમંદિરોમાં મહત્વની સુનાવણીઓ ફક્ત ફિઝીકલી ચલાવાઈ રહી છે ત્યારે અમદાવાદ બાર કાઉન્સિલના પ્રમુખ પરેશ જાનીએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશને લેખિત રજુઆત કરતા મહાનગરોમાં ન્યાયમંદિરો ખોલવા માંગણી કરી છે.

અગાઉ લોકડાઉન સમયે ’અબતક’દ્વારા વકીલોની લોકડાઉનમાં પરિસ્થિતિ અંગે સરવૈયું રજૂ કરાયો હતો. જેમાં મોટાભાગના જુનિયર વકીલોની આર્થિક પરિસ્થિતિ નબળી બની હોય તેવી માહિતી સામે આવી હતી. ઉપરાંત વર્ચ્યુલ હિયરિંગ માટેના સંસાધનો અને સમજણના અભાવે જુનિયર વકીલો કોઈ પણ કેસ લડી શકવા સક્ષમ નહીં હોવાથી આર્થિક પરિસ્થિતિ નબળી બનતા પરિણામે વ્હાઇટ કોલર વ્યવસાય કરતા વકીલો વ્યવસાય બદલવા મજબૂર બન્યા હતા. ’અબતક’નો અહેવાલ પ્રસિદ્ધ થતા બાર કાઉન્સિલે વકીલોને અન્ય વ્યવસાય કરવાની છૂટ આપવા પણ રજુઆત કરી હતી.

પરેશ જાનીએ રજુઆત કરતા કહ્યું છે કે, છેલ્લા વર્ષમાં કોરોના મહામારીએ વકીલાતના વ્યવસાયને કોરોના રૂપી ગ્રહણ લગાવ્યું છે. વકીલોની આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી બની છે ત્યારે રાજ્યના મહાનગરોમાં ન્યાયમંદિરો ફિઝીકલી શરૂ કરી દેવામાં આવે જેથી વકીલો પણ પેટિયું રળીને સ્વમાનભેર જીવન વિતાવી શકે.

ઉલ્લેખનીય બાબત છે કે, દિવાળી સમયે હાઇકોર્ટ દ્વારા સમગ્ર રાજ્યની નીચલી અદાલતોને ફિઝીકલી કાર્યાન્વિત કરવા મંજૂરી આપી હતી પરંતુ મહામારીને ધ્યાને રાખીને અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટની કોર્ટને મંજૂરી અપાઈ ન હતી પરિણામે હાલ સુધી કોર્ટો ફિઝીકલી શરૂ થઈ શકી નથી. પરેશ જાનીએ, તેમના પત્રમાં કહ્યું હતું કે, બને તેટલી વધુ ઝડપે કોર્ટો ફિઝીકલી શરૂ લરી દેવા મંજૂરી આપવામાં આવે જેથી વકીલોને પડી રહેલી હાલાકી અને અરજદારોની મૂંઝવણો દૂર કરી શકાય. તેમણે વધુમાં ઉમેર્યું છે કે, ન્યાયમંદિરોમાં ફિઝિકલ હિયરિંગ અને વર્ચ્યુલ હિયરિંગ બંને વિકલ્પ રાખવામાં આવે જેથી વકીલો તેમને સરળ રહે તે વિકલ્પ પસંદ કરીને સુનાવણી કરી શકે.

Loading...