કોરોનાથી ડરાવતા રાજકારણીઓ જ લોકોને “બેવકૂફ” બનાવી રહ્યા છે!!!

સામાન્ય જનતા માસ્ક ન પહેરે તો દંડ રાજકારણીઓ ન પહેરે તો તંત્ર મુક બધિર?

ધાર્મિક કાર્યક્રમો યોજવા અંગે પણ નિયમો બનાવાયાં તો રાજકારણીઓની જાહેરસભા માટે નિયમોની જરૂરિયાત નહીં?

રાજકોટ હોય કે દિલ્હી કે ભોપાલ રાજકારણીઓ ક્યાંય નિયમોનું પાલન કરતા નજરે પડતા નથી !!!

એક તરફ નેતાઓ અનેકવિધ માધ્યમોના મારફતથી ’માસ્ક પહેરો, સોશ્યલ ડિસ્ટન્સ જાળવો’ સહિતની સાવચેતીઓ રાખવા લોકોને અપીલ કરતા હોય છે અને બીજી બાજુ એ જ રાજકારણીઓ આવી કોઈ પણ સાવચેતીનું પાલન કરતા નથી. રાજકોટ હોય કે દિલ્લી કે પછી ભોપાલ રાજકારણીઓને જાણે કોરોના થઈ જ ન શકે તે રીતે રાજકારણીઓ માસ્ક પહેર્યા વિના અને સોશ્યલ ડિસ્ટન્સના અભાવે જાહેરસભાઓ અને રેલીઓ બેફામ કરી રહ્યા છે. ત્યારે શું રાજકારણીઓને જાણે બધી છૂટ હોય અને રાજકારણીઓ માટે ’નો કોરોના’ ની પરિસ્થિતિ હોય તેવું લાગી આવે છે. શું રાજકારણીઓને કોરોના ન આવે તેવો સવાલ પણ ચોક્કસ ઉદભવે છે.

રાજકારણીઓ સૂફીયાણી શિખામણ આપતા હોય તેવા કિસ્સા દેશના તમામ નાગરિકોને એક અથવા બીજી રીતે યાદ જ હશે. પરંતુ જ્યારે એ જ રાજકારણીઓની સભા અને રેલીનો આપણે ભાગ બનીએ ત્યારે કોઈ જ કાળે સાવચેતીઓનું પાલન થતું હોય તેવું ક્યાંય જોવા મળે નહીં. હજારોની મેદની એકઠી કરીને જાહેરસભાઓ કરીને રાજકારણીઓ સાવચેતીઓનું પાલન કરવાની શિખામણો દેતા હોય છે ત્યારે ચોક્કસ સવાલ થાય કે શું નેતાઓને બધી છૂટ આપવામાં આવતી હશે ? શું નેતાઓને કોરોના થઈ શકે નહીં?

તમામ ઉદ્યોગ ધંધા તો ઠીક મંદિર – મસ્જિદ જેવા ધાર્મિક સ્થળો માટે પણ ચોક્કસ નિયમો બનવવામાં આવ્યા છે. ત્યાં સુધી કે હિન્દૂ ધર્મના પવિત્ર માસ અને પવિત્ર દિવસો સમાન નવરાત્રીમાં માતાજીની આરાધના માટે પણ ચોક્કસ નિયમો બનાવવામાં આવ્યા છે. તો નેતાઓની રેલીઓ અને જાહેરસભાઓ માટે નિયમ બનાવવાની જરૂરિયાત નથી કે કેમ ? તે અંગે પણ ચોક્કસ નિયમ બનાવવાની તાતી જરૂરિયાત છે.

સામાન્ય માનવી ખાલી જાહેરમાં માસ્ક ઉતારે તો તરત જ આકરો દંડ ફરકારી દેવામાં આવે છે અને નેતાઓ માસ્ક પહેર્યા વિના મેદનીને સંબોધન કરે તો તંત્ર મૂક – બધિર બની જાય છે. કોઈ સામાન્ય માનવીના ઘરે કોઈ પ્રસંગ હોય તો તંત્રની મંજૂરી લેવાની, નિયમોનું પાલન કરવાનું, નિયમનો ઉલ્લંઘન થાય તો દંડ ભોગવવાનો તો શુ જાહેર કાર્યક્રમો કરવા, મેદની એકઠી કરવી, સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરવો આ તમામ બાબતે રાજકારણીઓને દંડ કરવો જરૂરી નથી તે સવાલ પણ ખૂબ મહત્વનો છે. રાજકારણીઓ કોરા ધાકડ છે તેવું લાગે ત્યારે ચોક્કસ હવે પ્રજાએ રાજકારણીઓને ઠમઠોરવાની જરૂરિયાત છે.

મધ્યપ્રદેશના ખાંડવા જિલ્લામાં રવિવારે રાજ્યસભાના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ એક સભાનું સંબોધન કર્યું હતું. જે દરમિયાન એક ખેડૂતનું હાર્ટ એટેકને કારણે મોત નીપજ્યું હતું. હૃદયરોગનો હુમલો આવતા ખેડૂત ખુરસી પર પડી ગયો હતો જેથી તાત્કાલિક ખેડૂતને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ખેડૂતને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ મુદ્દે કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, ખેડૂતનું મોત નીપજ્યું હોવા છતાં જ્યોતિરાદિત્ય દ્વારા સંબોધન યથાવત રાખવામાં આવ્યું હતું જે સૂચવે છે કે, ભાજપ જનતા પ્રત્યે કેટલી સહાનુભૂતિ ધરાવે છે. જ્યારે ભાજપ દ્વારા આ બાબતને રદિયો આપતા નિવેદન આપવામાં આવ્યું છે કે, ખેડૂતને હુમલો આવતા ત્વરિત ધોરણે તેમને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કરાતાં ચાલુ સભાએ સૌ કોઈએ મૌન ધારણ કરીને તેમની આત્માની શાંતિ માટે ઈશ્વરની પ્રાર્થના કરી હતી. હાલ આ મુદ્દે ચોક્કસ રાજકારણ ગરમાયુ છે. શાસક – વિપક્ષ દ્વારા આક્ષેપ – પ્રતિઆક્ષેપ કરાઈ રહ્યા છે પરંતુ મુખ્ય બાબત એ છે કે, જે રીતે રાજકારણીઓ કોરોનાથી સૌ કોઈને ડરાવી રહ્યા છે અને પોતે કોઈ પણ જાતની સાવચેતી રાખતા નથી ત્યારે શું નેતાઓને કોરોનાએ ક્લીન ચિટ આપી છે તે સવાલ પણ ઉદભવે છે.

ચૂંટણી પંચે જ્યારે બિહાર વિધાનસભા અને ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીઓની જાહેરાત કરી છે ત્યારે હવે આ બને રાજ્યોમાં પણ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ચૂંટણી પંચે તમામ જાહેર સભાઓ વર્ચ્યુલી કરવી તેવું સ્પષ્ટ નોંધ્યું છે પણ વર્ચ્યુલી સભા થશે કે ફિઝિકલી એ તો આગામી સમય જ બતાવશે. રાજકારણીઓ નિયમોનું પાલન કરશે કે કેમ તે હવે જોવું રહ્યું પણ મધ્યપ્રદેશમાં યોજાયેલી જાહેર સભામાં તો કોઈ જાતની સાવચેતીનું પાલન થયું હોય તેવું જરા પણ લાગતું નથી. ખુદ જ્યોતિરાદિત્ય સિંધિયા જે કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને હતા તેમણે પણ સંબોધન દરમિયાન માસ્ક પહેર્યું ન હતું તો શું સિંધિયાને દંડ ફટકારાશે તે પણ એક મહત્વનો સવાલ છે.

Loading...