Abtak Media Google News

રવિ અને જાનવી ખૂબ સારા મિત્રો હતા. બંને એકબીજાને ત્રણ વર્ષથી ઓળખતા અને સાથે જોબ પણ કરતા. રવિની ફેમિલી સુરત રહેતી હતી અને જાનવીની ફેમિલી અમદાવાદ રહેતી હતી. રવિ અને જાનવી રાજકોટમાં એક જ એપાર્ટમેન્ટમાં રહેતા. રવિ બીજા માળે રહેતો અને જાનવી ચોથા માળે રહેતી. બંને આમ અલગ અલગ ફ્લેટમાં રહેતા પણ ઓફિસના સમય સિવાય બન્ને એકબીજાના ફ્લેટ પર જ હોય. રવિને ઘણી બધી વાનગીઓ બનાવતાં આવડતી. રવિ કોઈ નવી વાનગી બનાવે ત્યારે જાનવી તેના ફ્લેટ પર જાય. બંને શનિવારે રાત્રે હોરર મૂવી જોતા અને રવિવારે બહાર ફરવા નીકળી પડે. બંને ખૂબ જ ખુશ હતા.

બંને એક જ કંપનીમાં જોબ કરતા હોવાથી બંને સવારે સાથે જ જાય અને સાંજે સાથે જ ઘરે આવે. આ બંનેને જોઈને કોઈને એમ લાગે જ નહિ કે બંને માત્ર મિત્ર છે. બંનેના પરિવાર રાજકોટ આવે ત્યારે રવિના ફ્લેટ પર બંનેની ફેમિલી સાથે મળી સમય પસાર કરે. બંનેના મમ્મી પપ્પા એકબીજાને સારી રીતે ઓળખતા.

એકવાર તેમની ઓફિસેથી મનાલી ટ્રીપ પર જવાનું થયું. જાનવીને મજા નહોતી. રવિને મનાલી જવાની ખૂબ ઈચ્છા હતી પણ જાનવીને મજા ન હોવાથી તેણે પણ પોતાનો પ્લાન કેન્સલ કર્યો. જાનવીને આ વાતની ખબર પડી તો તેણે રવિને કહ્યું કે તું જા મને તો મજા નથી એટલે મારાથી નહિ અવાય પણ તારું સપનું છે અને તને ફરવાનો શોખ છે. તું મારા કારણે તારો પ્લાન કેન્સલ ના કર. પણ રવિને જાનવીની ચિંતા હતી તેથી રવિ પણ મનાલી ગયો નહીં.

સાત દિવસ રવિએ જાનવીનું ધ્યાન રાખ્યું. તેની તબિયત જલ્દીથી સારી થઈ જાય તે માટે રવિ તેને સમયસર દવા અને સાદુ જમવાનું આપતો અને તેની ખૂબ સેવા કરી. થોડા સમય માટે પણ તેનાથી દૂર ના ગયો અને તેનું ખૂબ જ ધ્યાન રાખ્યું.

થોડા દિવસો બાદ જાનવી સાજી થઈ ગઈ અને રેગ્યુલર ઓફિસ પણ જવા લાગી. તેમની ઓફિસમાં એક ફંકશન હતું તેમાં રવિ અને જાનવીએ ડાન્સ કર્યો. ઓફિસની એક છોકરી રવિ પાસે આવી અને તેની સાથે વાતો કરવા લાગી. જાનવી આ જોઈ ન શકી અને બહાર વહી ગઈ. રવી પણ બહાર ગયો અને જાનવી પાસે જઈને બંનેએ વાત કરી પછી બંને ત્યાંથી ચલ્યા ગયા.

Maxresdefault 2

બંનેને ભૂખ લાગી હતી એટલે બંને શહેરની એક ખૂબ સારી જગ્યાએ જમવા ગયા પછી આઈસ્ક્રીમ લઈને ઘરે ગયા. બંનેએ પંજાબી મુવી કિસ્મત જોતા જોતા આઈસ્ક્રીમ ની મજા માણી. મુવી જોઈને બંને રડી પડ્યા. રવિએ જાનવીને કહ્યું કે હું પણ એક છોકરીને પ્રેમ કરું છું પણ આજ સુધી ક્યારેય તેને કહી શક્યો નથી. જાનવીએ કહ્યું કે હું પણ એક છોકરાને પ્રેમ કરું છું. બંનેએ નક્કી કર્યું કે તેઓ જેને પ્રેમ કરે છે તેને બીજા દિવસે પ્રપોઝ કરશે.

રવિ બીજે દિવસે સવારે થોડો વહેલો ઊઠીને જઈ રહ્યો હતો ત્યાં જાનવી પણ તૈયાર થઈને નીચે આવી. તેણે કહ્યું કે મને ક્રિસ્ટલ મોલ લઈ જઈશ?
રવિએ કહ્યું કે મારે પણ ત્યાં જ જવાનું છે. બંને ક્રિસ્ટલ મોલ ગયા. રવિ જે છોકરીને પ્રેમ કરતો હતો તેના માટે કપડા ખરીદવા હતા. જાનવીને પણ જે છોકરાને પ્રેમ કરતી હતી તેના માટે શુંઝ, ચશ્માં, વોલેટ, કપડા, ઘડિયાળ આ બધું ખરીદવું હતું.
જ્યાં કલર અને વેરાયટીની વાત આવે ત્યારે રવિ જાનવી ને મદદ કરતો એ જ રીતે જાનવીએ પણ રવિને પેલી છોકરી ના કપડા ખરીદવા કલરની બાબત માં મદદ કરી. બંને ફૂલો ખરીદી ઓફિસ ગયા.

સાંજે છૂટીને રવિ તેની પ્રેમિકાને મળવા નીકળ્યો અને જાનવી પણ તેના પ્રેમીને મળવા નીકળી. એક કલાક પછી બંને પોતાના ફ્લેટ પર આવ્યા. થોડીવાર પછી રવિ જાનવીના ફલેટે ગયો. બંનેએ સાથે ડિનર કર્યું. રવિ પોતાના ફ્લેટ પર ગયો. કલાક પછી જાનવી રવિ પાસે આવી. રાતના એક વાગ્યા હતા. જાનવીએ અંદર જઈને જોયું તો રવિ રડી રહ્યો હતો. જાનવીએ રવિને પૂછ્યું કેમ રડી રહ્યો છે?
શું થયું તું તારી પ્રેમિકાને પ્રપોઝ કરવા ગયો હતો કંઈ વાત બની કે નઈ?

રવિએ કહ્યું હું એને ખૂબ પ્રેમ કરું છું પણ તેને કહી શકતો નથી.

જાનવી એ કહ્યું કે કેટલું જુઠ્ઠું બોલીશ?
ક્યારે કહીશ કે તું મને પ્રેમ કરે છે?
ક્યાં સુધી ખુદને છે છેતરીશ?
ક્યાં સુધી મને તડપાવીશ?
કેમ ક્યારેય કહ્યું જ નહીં કે તું મને
પ્રેમ કરે છે?

Stickers Loving Couple Beach Sunset.jpg

રવિ બોલ્યો શું તે મને ક્યારેય કહ્યું છે કે તું પણ મને પ્રેમ કરે છે ?
તે ગઈકાલે કહ્યું કે તું એક છોકરાને પ્રેમ કરે છે ત્યારે મને ખૂબ દુઃખ થયું.

જાનવીએ કહ્યું કે તું પહેલા બોલ્યો હતો કે તું એક છોકરીને પ્રેમ કરે છે એટલે મને ગુસ્સો આવ્યો એટલે મેં પણ કહી દીધું બાકી હું તારા સિવાય બીજા કોઈને પ્રેમ કરતી નથી.

રવિ બોલ્યો કે પાગલ હું તારી જ વાત કરી રહ્યો હતો. તને લાગે છે કે તારા સિવાય હું કોઈને પ્રેમ કરી શકું?
તારા સિવાય છે કોઈ મારું ?
તું મને સમજી શકે છે અને તુંજ મને બહુ ગમે છે કેમકે તું મારું ધ્યાન રાખે છે. મારે તારા સિવાય કોઈ જોતું જ નથી બસ હું તને જ પ્રેમ કરું છું અને તારું ધ્યાન રાખવું છે.
બન્ને રડી પડ્યા અને એકબીજાને પ્રપોઝ કરીને ગળે ભેટી પડ્યા.

મિત્રો ઘણીવાર જીવનમાં બોલવાની શરૂઆત આપણે કરવી પડે છે. સામેવાળાને ખબર નથી હોતી કે તમે શું વિચારો છો. બોલશો તો જ સામેવાળી વ્યક્તિને ખબર પડશે કે તમારે શું જોઈએ છે અને તમે શું ચાહો છો. મનની વાત ક્યારેય મનમાં ન રાખવી જે કંઈ પણ હોય એ બોલી દેવું જેથી સામેવાળા વ્યક્તિને સમજાય કે તમે શું વિચારો છો અને તમારે શું જોઈએ છે. ઘણીવાર આપણે મનમાં ને મનમાં મુંજાય કરીએ છીએ પણ બોલી દેવાથી મૂંઝવણ નો અંત આવી જાય છે.

– આર. કે. ચોટલીયા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.