Abtak Media Google News

જામનગરના એક યુવાનને ઓનલાઈન શોપીંગમાં રૃા.બારેક લાખની મોટર ઈનામમાં લાગી હોવાની મધલાળ બતાવી જુદા જુદા ત્રણ મોબાઈલ નંબર પરથી કરવામાં આવેલા કોલના કારણે આ શખ્સોની માયાજાળમાં ફસાઈ ગયેલા યુવાને રૃા.એક લાખ ઉપરાંતની રોકડ ગૂમાવી છે.

જામનગરના કાલાવડ નાકા બહાર આવેલી રંગમતી સોસાયટીમાં અંસારી મંઝીલ નામના મકાનમાં રહેતા અહેમદ મહંમદઈકબાલભાઈ અંસારી નામના યુવાનને ગયા બુધવારે ૯૮૦૧ર ૬૮૬૦૪ નંબરના મોબાઈલ પરથી અજાણ્યા વ્યક્તિનો કોલ આવ્યો હતો.

આ કોલમાં સામા છેડે રહેલા હિન્દુ ભાષી શખ્સે પોતે સ્નેપડીલ ઓનલાઈન કંપનીમાંથી બોલતા હોવાનું જણાવી તમે અમારી સાઈટ પરથી કરેલા શોપીંગ પછી અમારી કંપની દ્વારા યોજવામાં આવેલા લક્કી ડ્રોમાં તમને સફારી મોટર ઈનામમાં લાગી હોવાની મધલાળ બતાવતી વાત કરી હતી. અચાનક જ રૃા.બારેક લાખની કિંમતની આ મોટર પોતાને ઈનામમાં લાગી હોવાનું જાણી ઉત્સાહિત બનેલા અંસાર મહંમદને ત્યાર પછી જુદા જુદા બે અન્ય મોબાઈલમાંથી પણ કોલ કરવામાં આવ્યા હતા જેમાં વાત કરતા શખ્સોએ તમારે ઈનામમાં મળેલી મોટરનો કબજો લેતા પહેલા વેરીફિકેશન ચાર્જ ભરતો પડશે તેમ કહી પોતાની વાતોની જાળ બિછાવી હતી જેમાં આ યુવાન સહેલાઈથી સપડાઈ ગયો હતો. આ યુવાને ઉપરોક્ત મોબાઈલ નંબર પરથી વાત કરતા શખ્સોના કહેવા મુજબ બુધવારથી શુક્રવારની સાંજ સુધીમાં વેરીફિકેશનના ચાર્જના નામે માગવામાં આવેલી રૃા.૧ લાખ ૭ હજારની રકમ જણાવવામાં આવેલા બેંક એકાઉન્ટમાં ભરપાઈ કરી આપી હતી ત્યાર પછી કોલ આવવાનંુ બંધ થયું હતું અને મહંમદને છેતરાઈ ગયો હોવાનો અહેસાસ થયો હતો.

આ બાબતની ગઈકાલે સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઈપીસી ૪૦૬, ૪૧૯ તથા આઈટી એક્ટની કલમ ૬૬ (ડી) હેઠળ ગુન્હો નોંધ્યો છે. આ કેસની તપાસ એસઓજીના ઈન્ચાર્જ પીઆઈ એચ.બી. ગોહિલને સોંપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.