Abtak Media Google News

‘ઘરના ઘંટી ચાટે ને પડોશીને આટો’

૨૫ હજાર મેટ્રીક ટન ડુંગળીનો જથ્થો બાંગ્લાદેશ મોકલવાની તૈયારી પૂર્ણ કરી લેવાઈ

ભારતની પડોશી દેશની પહેલી નીતિની ભાવનાને ટકાવી રાખવા માટે બાંગ્લાદેશ અને કેટલાક અન્ય પાડોશી દેશોને અવિરતપણે ડુંગળીની સપ્લાય કરવાની વ્યવસ્થા પર ભારત કામ કરી રહ્યું છે.

સરકારે હજી સુધી કોઈ નિર્ણય જાહેર કર્યો નથી પરંતુ ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણય બાદ બાંગ્લાદેશમાં કટોકટીની સ્થિતિમાં સર્જાય હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે બાંગ્લાદેશ સહિતના પાડોશી દેશમાં ડુંગળીની નિકાસ અંગે પ્રારંભિક વાટાઘાટો થઈ હોવાનું લોકોએ જણાવ્યું હતું.

ડુંગળી બાંગ્લાદેશનો મુખ્ય ભાગ છે. બાંગ્લાદેશમાં મુખ્ય ખોરાકના દ્રવ્ય તરીકે ડુંગળીને લેવામાં આવે છે પરંતુ ભારતમાંથી નિકાસ અટકવાના પરિણામે બાંગ્લાદેશમાં તમામ વ્યવસ્થા ખોરવાઈ છે. ઉલ્લેખનીય છે કે, એશિયા ખંડમાં ભારત ડુંગળીનો સૌથી મોટો આયાત કરનાર છે.

ભારત અને બાંગ્લાદેશના વિદેશ પ્રધાનો આ મહિનાની અંત સુધીમાં બેઠક યોજી વિવિધ મુદ્દે સમીક્ષા કરનાર છે.જેમાં બન્ને દેશોની સંયુક્ત ભાગીદારીથી માંડી મુજીબુર રહેમાનની જન્મ શતાબ્દી અને એનર્જી પાઇપલાઇન સંરક્ષણ ભાગીદારી સુધીની સંયુક્ત ઉજવણી સહિતના મુદ્દે ભાગીદારી અંગે મહત્વપૂર્ણ ચર્ચાઓ થનાર છે. ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકવાના સરકારના આદેશ બાદ બાંગ્લાદેશ માટે ડુંગળીનો મોટો માલ પશ્ચિમ બંગાળમાં અટવાયો હતો અને તે માત્ર બાહ્ય બાબતોના મંત્રાલયની દખલ બાદ જ સાફ કરવામાં આવ્યો હતો તેવું જાણવા મળી રહ્યું છે.

બંગલાદેશ જતા સમયે ડુંગળીથી ભરેલી મોટી સંખ્યામાં ટ્રકો પશ્ચિમ બંગાળમાં અચાનક રોકાવી પડી હતી જ્યારે સંબંધિત વિભાગે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય જાહેર કર્યો હતો.ભારતમાં ભારે વરસાદને પગલે ઠેર-ઠેર ડુંગળીના પાકને નુકશાની સર્જાય હોવાથી ઘર આંગણે જે મોટી ખોટ પડી હોય તેવી રીતે ડુંગળીના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો હતો. આ ઉછાળાને નિયંત્રણમાં લાવવા ફોરેન ટ્રેડના ડિરેકટરેટ જનરલ દ્વારા ડુંગળીની તમામ પ્રકારની નિકાસને પ્રતિબંધીત કરવામાં આવી હતી જેના પરિણામે તમામ નિકાસો થંભી ગઈ હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર ૨૫૦૦૦ મેટ્રીક ટન ડુંગળીનો જથ્થો ભારત-બાંગ્લાદેશ સરહદે નિકાસ માટે તૈયાર હતો તેવા સંજોગોમાં નિકાસ પર પ્રતિબંધ મુકવામાં આવતા બાંગ્લાદેશ ડુંગળી માટે ભારે હાલાકી ભોગવી રહ્યું હોય તેના પરિણામે ફરીવાર આ જથ્થો બાંગ્લાદેશ સુધી પહોંચાડવા માટેની તૈયારીઓ કરી લેવામાં આવી છે તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યાં છે.

અચાનક લેવાયેલા નિર્ણયથી હાલની દ્વિપક્ષીય ભાગીદારીની સ્થિતિનો વિરોધાભાસ થતાં બાંગ્લાદેશે ભારત  વિરુધ્ધ અનૌપચારિક વિરોધ નોંધાવ્યો હતો.  બાંગ્લાદેશના વિદેશ પ્રધાન એ કે અબ્દુલ મોમેને ગત સપ્તાહે ગુરુવારે કહ્યું હતું કે, અચાનક જ ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા કોઈ પણ જાતની નોટિસ વીના ડુંગળીની નિકાસ અટકાવી દેવામાં આવી તે ખુબજ દુ:ખદ બાબત છે.

શનિવારે મોમેને વિદેશી બાબતોના પ્રધાનની માતાના અવસાન અંગે શોક વ્યક્ત કરતાં એક પત્ર લખ્યો હતો.  એક વર્ષ કરતા ઓછા સમયમાં આ બીજી વખત છે જ્યારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધની અસર બાંગ્લાદેશ પર પડી છે.  વડા પ્રધાન શેખ હસીનાએ ગત ઓક્ટોબરની ભારતની મુલાકાત દરમિયાન પ્રતિબંધનો મુદ્દો અનૌપચારિક રીતે ઉઠાવ્યો હતો અને હળવા શબ્દોમાં એક જાહેર સભામાં કહ્યું હતું કે તેમણે ડુંગળી વગર પોતાનું ભોજન તૈયાર કરવું પડશે.   તેમણે ઉમેર્યું હતું કે, ભારતે આ પ્રકારના નિર્ણય લેતા પૂર્વે અગાઉથી સૂચના આપવી જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.