લોકડાઉનમાં ડુંગળીએ ખેડુતોને રડાવ્યા; કિલોના ઉપજયા આટલા રૂપિયા

હોટેલો, રેસ્ટોરન્ટ તેમજ નિકાસ બંધ હોવાથી ઓછા ભાવ મળી રહ્યા છે

સમગ્ર દેશ લોકડાઉનને પગલે કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. ટ્રાન્સપોર્ટેશન બંધ હોય માલની સપ્લાય થતી ન હોય ત્યારે ખેડૂતોની જણસીની પણ નિકાસ થતી નથી જેને લીધે ખેડુતો પોતાના માલનો પૂરતો ભાવ મેળવી શકતા નથી. આજરોજ રાજકોટના જૂના યાર્ડમાં ડુંગળી વેચવા આવેલા ખેડૂતોને મફતના ભાવે ડુંગળી વહેચવાનો વારો આવ્યો છે.

ખેતરમાં ઠંડી ગરમી સહનકરી તનતોડ મહેનત કરી જગતનો તાત લોકોને અનાજ પૂરૂ પાડે છે. ત્યારે જો તેની ખેત પેદાશના પડતર ભાવ પણ ન ઉપજે ત્યારે તેને રોવાનો વારો આવે છે. આજે જૂના યાર્ડમાં ડુંગળીના ભાવ મણે માત્ર રૂા.૧૦૦ બોલાતા ખેડૂતોએ અવાજ ઉઠાવ્યો હતો. ૨ થી ૪ રૂ. કિલોએ મળતા ડુંગળીએ ખેડૂતોની આંખોમાં આંસુ લાવી દીધા હતા.એક બાજૂ લોકડાઉનને પગલે હોટેલ, રેસ્ટોરન્ટ બંધ છે. તેમજ ટ્રાન્સપોર્ટેશન બંધ હાય માલની નિકાસ થતી નથી બીજી બાજુ ઉત્પાદન પણ વધુ છે.ત્યારે ખેડુતોના હિતમાં ભારતીય કિસાન સંઘે સરકારને ડુંગળીની ટેકાના ભાવે ખરીદી કરવા માંગ ઉઠાવી છે. ડુંગળીના ભાવ માત્ર ૨ થી ૪ રૂપીયા ઉપજતા ખેડુતોની વ્હારે કિસાન સંઘ આવ્યું હતુ. અને તમામ ખેડુતો વતી ટેકાના ભાવે ડુંગળી ખરીદવા સરકાર સમક્ષ માંગ ઉઠાવી હતી.વધુમાં એમ પણ જાણવા મળ્યું છે કે ડુંગળીની સીઝનમાં ખેડૂતોને સારા ભાવ મળ્યા હતા. મણે ૨૨૦૦ રૂપીયા સુધીના ભાવ ઉપજયા હતા. ત્યારે હાલ હોટેલ, રેસ્ટોરન્ટો અને નિકાસ જ બંધ છે. અને ડિમાન્ડ પણ નથી તેથી ડુંગળીના ભાવમાં મંદી આવી હોવાનું સુત્રોમાથી જાણવા મળ્યું છે.

Loading...