Abtak Media Google News

જિલ્લા કલેકટર રેમ્યા મોહનનો મહત્વપૂર્ણ નિર્ણય, જિલ્લો છોડશે તેને પરત આવવા નહીં મળે: અરજી ડિજીટલ ગુજરાતને બદલે હવે ફરજિયાત www.covid19. rajkot.com માં કરવાની રહેશે: ડિજીટલ ગુજરાતમાં ૧૫૦૦૦ જેટલી અરજીઓનો થયો ભરાવો

રાજકોટથી હવે અન્ય જિલ્લામાં જવા માટે વન-વે પાસ જ કાઢી આપવાનો જિલ્લા કલેકટર રેમ્યા મોહને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેથી હવે જે લોકો જિલ્લો છોડશે તેને રાજકોટ જિલ્લામાં પરત આવવા નહીં મળે. જો કે, હવેથી પ્રક્રિયામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. હવેથી જિલ્લો ફેરવવા માંગતા દરેક અરજદારોએ પોતાની અરજી www.covid19. rajkot.com માં કરવાની રહેશે.

રાજકોટ જિલ્લાની અરજીઓનો ડિજીટલ ગુજરાતમાં સતત ભરાવો થઈ રહ્યો છે. આ અરજીઓનો આંકડો ૧૫૦૦૦ને પાર પહોંચ્યો હોવાનું કલેકટર તંત્રમાંથી જાણવા મળ્યું છે.  જો કે દરેક લોકોને પોતાના વતન જવા દેવાની સરકારે છુટ આપી હોય પરંતુ એક સાથે આટલી મોટી સંખ્યામાં અરજીનો ખડકલો થતાં તંત્ર પણ મુંઝવણમાં મુકાઈ ગયું છે. હાલ તંત્ર દ્વારા ધીમી ગતિએ દરેક અરજીઓને મંજુરી આપવાની કામગીરી ચાલી જ રહી છે. ઉપરાંત બીજા જિલ્લામાંથી આવતા લોકો કોરોના વાયરસ ફેલાવે તેવું જોખમ પણ પ્રબળ હોય માટે જિલ્લા કલેકટર રેમ્યા મોહને આજે વન-વે મંજૂરી આપવાનો નિર્ણય જાહેર કર્યો છે. જેમાં રાજકોટ જિલ્લામાંથી જે લોકો બીજા જિલ્લામાં જવા ઈચ્છતા હશે તેઓને માત્ર વન-વેની જ પરમીશન આપવામાં આવનાર છે. તેઓને પરત રાજકોટ જિલ્લામાં આવવાની છુટ આપવામાં આવશે નહીં.

રાજકોટમાં ડીજીટલ ગુજરાત એપ હેઠળ અત્યાર સુધીમાં ૧પ૦૦૦ અરજીઓનો ઢગલો થઇ ગયો છે. હવે કોઇપણ આસામીએ અમદાવાદ સિવાયના જિલ્લામાં જવાનું હશે તો www.covid19. rajkot.com પર ઓનલાઇન અરજી કરવાની રહેશે અને ગુણદોષના આધારે મંજુર કરવામાં આવશે.

જિલ્લા કલેકટર દ્વારા આ સિસ્ટમ અમલી કરવામાં આવી છે અને આ મુજબ જ પાસ કાઢી આપવાની તમામ સક્ષમ ઓથોરીટીને જાણ કરી દેવામાં આવી છે. ડિજીટલ ગુજરાત પોર્ટલ ૧૫૦૦૦ અરજીના ભરાવાથી હાલમાં તેના ઉપર કોઇપણ અરજી સ્વીકારવામાં નહી આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

સાથોસાથ અગાઉ જે અરજીઓ આવેલી છે તે વિચારાધીન કરવામાં આવી હોવાનું જણાવ્યું છે.

દરમ્યાન રાજકોટ શહેર અને જિલ્લામાં હાઇવે પર ર૭થી વધારે ચેકપોસ્ટ રાઉન્ડ ધ કલોક કાર્યરત કરવામાં આવી છે. અન્ય જિલ્લામાંથી આવતા લોકોને ચેકપોસ્ટ પર અટકાવીને તેની આરોગ્ય તપાસ કરવામાં આવી છે.

આવી તમામ વ્યકિતઓને આરોગ્ય તપાસ કરવામાં આવ્યા બાદ ૧૪ દિવસ હોમ કવોરન્ટાઇન કરવામાં આવશે. આ માટે આરોગ્ય ખાતાની ૭૦થી વધારે કર્મચારીઓની ટુકડીઓને રાઉન્ડ ધ કલોક ફરજ સોંપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.