Abtak Media Google News

ગેટ…સેટ…ગો….

એશિયાની સૌથી મોટી મેરેથોન પૈકી એક અને દેશ વિદેશમાં ખુબ ઝડપથી ખ્યાતિ પ્રાપ્ત કરી ચૂકેલી રાજકોટ મેરેથોન તૈયાર છે નવો ઇતિહાસ સર્જવા…

આખું રાજકોટ તૈયાર છે…સ્પર્ધકોનો ઉત્સાહ વધારવા….

કુલ ૬૪,૧૬૦ દોડવીરોના રજીસ્ટ્રેશન સાથે “રાજકોટ મેરેથોન” ઇવેન્ટએ ગત સાલની મેરેથોન-૨૦૧૭ના રજીસ્ટ્રેશનનો રેકોર્ડ તોડી એક નવો રેકોર્ડ સ્થાપ્યો છે. ગત સાલ ૬૩,૫૯૪ સ્પર્ધકોના રજીસ્ટ્રેશન સાથે રાજકોટ મેરેથોને રાજકોટ શહેરના માર્ગો પર જનસૈલાબ સર્જી દીધો હતો.આ વર્ષે પણ રાજકોટ મેરેથોનને અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો છે તે બદલ સૌ દોડવીરો, સપોર્ટર, સ્પોન્સર્સ, પાર્ટનર્સ અને કોઈ ને કોઈ રીતે સહાયભૂત બની રહેલા સૌ કોઈ પ્રત્યે આભારની લાગણી પ્રદર્શિત કરી માન. મેયર શ્રી ડો. જૈમનભાઈ ઉપાધ્યાય, શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંઘ ગેહલોત અને મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ આવતી કાલે તા.૧૮-૨-૨૦૧૮ ના રોજ યોજાનાર રાજકોટ મેરેથોનને વધુ એક વખત યાદગાર અને કલ્પનાતીત સફળતા અપાવવા સૌને અપીલ સાથે આહવાન કર્યું છે. ગુજરાત રાજ્યના માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી મેરેથોનને વહેલી સવારે ૫.૦૦ વાગ્યે ફ્લેગઓફ કરશે. મેરેથોન પ્રસ્થાન થતા જ આ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ વધુ એક નવું સીમાચિહ્ન પ્રાપ્ત કરશે.  આ અવસરે મેરેથોનના બ્રાન્ડ એમ્બેસેડર ક્રિકેટર શ્રી ચેતેશ્વર પુજારા ખાસ ઉપસ્થિત રહેશે.

Img 0750માન. મેયરશ્રી અને મ્યુનિ. કમિશનરશ્રીએ આજે અહી યોજાયેલ પત્રકાર પરિષદને સંબોધન કરતા એમ કહ્યું હતું કે, કુલ ૬૪,૧૬૦ દોડવીરોનું રજીસ્ટ્રેશન થયું એ જ બતાવે છે કે, આ ઇવેન્ટમાં ભાગ લેવા સ્પર્ધકોમાં કેવો જોરદાર ઉત્સાહ છે તે દર્શાવે છે. મેરેથોનમાં કુલ ૧૪૦૪ દિવ્યાંગ ભાઈ-બહેનો પણ ભાગ લેશે. આ ઉપરાંત વિદેશના ૧૯ દોડવીરો જેમાં કેન્યાના ૩ બહેનો અને ૬ ભાઈઓ તથા ઈથિયોપિયાના ૫ બહેનો અને ૧૦ ભાઈઓનો સમાવેશ થાય છે. સાથોસાથ ભારતમાંથી ગુજરાત બહારના રાજ્યોના ૮૫ અને રાજકોટ સિવાયના અન્ય શહેરોના ૭૧૬ દોડવીરો ભાગ લેશે.

Img 0754રાજકોટવાસીઓ ગત સાલની જેમ જ વહેલી સવારે ૪.૦૦ વાગ્યાથી જ રેસકોર્સ મેદાન અને મેરેથોનના વિવિધ કેટેગરીના પાંચ રૂટ પર ઉમટી પડશે.   ૬૪,૧૬૦ સ્પર્ધકોનો ઉત્સાહ વધારવા માર્ગો પર વહેલી સવારે અંધારાના સમયમાં પણ જાણ્યે કે નવો સૂર્ય ઉગશે.

Img 0755મેરેથોનના દોડવીરોના રજીસ્ટ્રેશન વિશે માહિતી આપતા તેઓએ એમ જણાવ્યું હતું કે, ૪૨ કિ.મી.ની ફૂલ મેરેથોનમાં કુલ ૧૫૪ દોડવીરો, ૨૧ કિ.મી.ની હાફ મેરેથોનમાં ૨,૨૨૩ સ્પર્ધકો, ૧૦ કિ.મી. ની ડ્રીમ રનમાં ૪,૩૫૯ દોડવીરો, ૫ કિ.મી.ની રંગીલા રાજકોટ રનમાં ૫૬,૦૨૦ અને ૧ કિ.મી.ની દોડમાં ૧૪૦૪ દિવ્યાંગ ભાઈ બહેનો ભાગ લેશે. આ તમામ પાંચ કેટેગરીની દોડમાં કુલ ૨૩,૯૨૫ મહિલા સ્પર્ધકોનો સમાવેશ થાય છે.

રાજકોટ મેરેથોનના આયોજનને આખરી ઓપ અપાઈ રહયો છે….રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસના સેંકડો અધિકારીઓ અને કર્મચારીઓ, સ્પોન્સરો, પાર્ટનરો, અન્ય સહયોગી સંસ્થાઓ, શાળાઓ-કોલેજો, વિવિધ મંડળોના હોદેદારો અને સભ્યો તેમજ અસંખ્ય સ્વયંસેવકો રાજકોટ મેરેથોનને અદભૂત સફળતા અપાવવા અથાક જહેમત ઉઠાવી રહયા છે. સ્વછતાની થીમ સાથે યોજાયેલ રાજકોટ મેરેથોન જાહેર સ્વછતા માટે જનજાગૃતિ કેળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે તેવી આશા મેયરશ્રી, પોલીસ કમિશનરશ્રી અને મ્યુનિ. કમિશનરશ્રીએ વ્યક્ત કરી હતી.

      માન. મેયર શ્રી ડો. જૈમનભાઈ ઉપાધ્યાયના અધ્યક્ષ સ્થાને યોજાનાર ફ્લેગઓફ સમારોહમાં સાંસદ શ્રી મોહનભાઈ કુંડારિયા, ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રૈયાણી, પ્રભારી, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચો શ્રીમતી અંજલીબેન રૂપાણી, શહેર ભાજપ પ્રમુખ શ્રી કમલેશભાઈ મીરાણી, તથા ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પટેલ, શ્રી લાખાભાઈ સાગઠીયા તથા રાજકોટ શહેર પૂર્વ પ્રમુખ શ્રી નીતિનભાઈ ભારદ્વાજ તથા ગુજરાત પ્રવાસન નિગમ લિ. ના ચેરમેન શ્રે કમલેશભાઈ પટેલ, શહેર ભાજપના પૂર્વ પ્રમુખ શ્રી ભીખાભાઈ વસોયા, રાષ્ટ્રીય મંત્રી અનુસૂચિત જાતી મોરચો શ્રી ભાનુબેન બાબરીયા, ડેપ્યુટી મેયર શ્રી ડો. દર્શીતાબેન શાહ, શહેર ભાજપ મહામંત્રી શ્રી દેવાંગભાઈ માંકડ, અને અતિથિવિશેષ તરીકે વિપક્ષ નેતા શ્રી વશરામભાઈ સાગઠીયા અને દંડક શ્રી રાજુભાઈ અઘેરા ઉપસ્થિત રહેશે.

આ મહાઆયોજનમાં તમામ ખાનગી સંસ્થાઓ, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, શાળાઓ – કોલેજો, રાજકોટવાસીઓ, તમામ એથ્લેટો, વિવિધ હોસ્પિટલો, સ્વૈચ્છિક સંસ્થાઓ, સ્પોન્સર્સ, પાર્ટનર્સ, વિવિધ ક્ષેત્રો અને વ્યક્તિગતરૂપે પણ મળી રહેલા સહયોગ બદલ રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસ તમામ સદસ્ય મહાનુભાવો પ્રત્યે આભારની લાગણી પ્રગટ કરે છે. મેરેથોનમાં વિવિધ રૂટ પર તેમજ રેક્સોર્સ મેદાનમાં જુદી જુદી  સંસ્થાઓ જેમ કે, આત્મીય ઇન્સ્ટિટયૂટ, સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ, ખોડલધામ, પૂજિત રૂપાણી ટ્રસ્ટ, જીનીયસ અને ગાર્ડી ગ્રુપ, પી.ટી. ટીચર્સ, મારવાડી કોલેજ, વાત્સલ્ય ગ્રુપ અને બી.એ.પી.એસ., ઈ.આર.ઓ., ફાયર સ્ટાફ અને સિક્યુરીટી સ્ટાફમાંથી કુલ મળીને ૫૯૫ સ્વયંસેવકો સેવા આપશે. મેરેથોનના પાંચેય રૂટ માટે સેલ્ફી પોઈન્ટ પણ ઉભા કરવામાં આવ્યા છે.  દરમ્યાન ગાર્ગી સ્કૂલ દ્વારા ૫ કિ.મી.ના રૂટ પર સૌનો ઉત્સાહ વધારવા કાર્ટૂન કેરેક્ટર મુકવામાં આવનાર છે.

વિશેષમાં તા.૧૭/૦૨/૨૦૧૮ નાં રોજ બપોરના ૩:૦૦ કલાકથી શરૂ કરીને તા.૧૮/૦૨/૨૦૧૮ નાં સાંજના ૬:૦૦ કલાક સુધી એમ ૦૨ (બે) દિવસ કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવેલ છે. આ  કન્ટ્રોલમાં રાજકોટ મેરેથોનને લગત કોઇપણ પ્રકારની માહિતી જેવી કે, મેરેથો દોડનો કેટેગરી વાઇઝ રૂટ, પ્રસ્થાન સમય, પાર્કિંગનાં સ્થળ વિ. સબંધી તેમજ સ્પર્ધા દરમિયાન કોઇપણ પ્રકારની મુશ્કેલી જેવી કે, મેડીકલ સારવારની ઇમરજન્સી જરૂરીયાત, પીવાનાં પાણીની જરૂરીયાત વિ. ઉદભવે તેવાં સંજોગોમાં ટેલીફોનીક જાણ કર્યેથી તાત્કાલિક ધોરણે મદદ પુરી પાડવામાં આવનાર છે. જેથી રાજકોટ મેરેથોન દોડમાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને માત્ર મેરેથોન દોડને લગત વિવિધ માહિતી તેમજ મદદની જરૂરીયાત માટે કન્ટ્રોલ રૂમનાં ટેલીફોન નં.- (૦૨૮૧) ૨૯૭૭૭૭૫ તથા (૦૨૮૧) ૨૯૭૭૭૭૩ પર સંપર્ક કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવે છે. રાજકોટ મેરેથોન-૨૦૧૮ ની વિવિધ કેટેગરીનાં રૂટ પર સી.સી.ટી.વી. કેમેરા દ્વારા પણ સઘનમોનીટરીંગ કરવામાં આવનાર છે.

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવતીકાલે રેસકોર્સ મેદાનમાં ફન રન રૂટ ઉપર ૫૦ સફાઈ કામદારો અને ક્રિકેટ ગ્રાઉન્ડ અને રેસકોર્સમાં ૭૭ સફાઈ કામદારો અને માં કુલ ૪૨ કિ.મી. ના ફૂલ મેરેથોન રૂટ ઉપર તેમજ વિવિધ સ્થળે કુલ ૩૫૨ સફાઈ કામદારો ફરજ પર તૈનાત રહેશે. સાથોસાથ મેરેથોન માટે એકત્ર થનાર લોકો અને સ્પર્ધકોની સુવિધા માટે જુદી જુદી ૧૫ જગ્યાએ કુલ ૧૫ મોબાઈલ ટોઈલેટની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવશે. જ્યારે વિવિધ રૂટ અને રેસકોર્સમાં કુલ ૯૦ જેટલા સ્થળોએ પીવાના પાણીના સ્ટેન્ડ બનાવાયા છે જ્યાં ૨૪૦ સ્વયંસેવક સેવા આપશે. દોડવીરોની સુવિધા માટે સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા રૂટ પર વિવિધ સ્થળોએ તેમની મેડિકલ ટીમો ઉપરાંત નાનામવા સર્કલ, નાણાવટી ચોક, પાટીદાર ચોક અને ફિનિશ પોઈન્ટ  (એથ્લેટિક ગ્રાઉન્ડ) પર એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ રાખવામાં આવનાર છે. આઉપરાંત સ્કૂલ ઓફ ફિઝીયોથેરાપીની વિવિધ ટીમો પણ વિવિધ રૂટ પર દોડવીરોની સહાયતા માટે તૈનાત રહેશે.

      વિશેષમાં મેરેથોનના વિવિધ રૂટ પર નિયત અંતરે મેડિકલ ટીમ, પીવાના પાણીની વ્યવસ્થા, ચિયરીંગ સ્ટેજ, સેનિટેશન, ડસ્ટબિન રાખવામાં આવશે તેમજ પોર્ટેબલ મોબાઈલ ટોઇલેટ ઉભા રાખવામાં આવશે. ૪૨ લિ.મી.ના રૂટ પર દર એક કિ.મી.એ પીવાના પાણીની વ્યવસ્થા અને ૨ ડસ્ટબિન(કુલ ૨૪ ડસ્ટબિન) રાખવામાં આવશે. જ્યારે ૨૧ કિ.મી.ના રૂટ ઉપર ૧૦ સ્થળોએ પીવાના પાણીની વ્યવસ્થા અને ૨૦ ડસ્ટબિન, ૫ કિ.મી.ના રૂટ પર ૫ જગ્યાએ પીવાના પાણીની વ્યવસ્થા અને ૨૦ ડસ્ટબિન તથા રેસકોર્સ સંકૂલમાં ૬૦ ડસ્ટબિન એમ કુલ મળીને ૧૮૪ ડસ્ટબિન રાખવામાં આવશે.

ગત સાલ ૪૨ કિ.મી.ના રૂટ પૈકી ૨૭.૪ કિ.મી. એરિયા શહેરમાંથી પસાર થતો હતો અને તેને બેરીકેડ કરવામાં આવેલ. જોકે આ વર્ષે લોકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તે માટે તેમાં ઘટાડો કરાયો છે અને ૨૧.૪ કિ.મી. રોડ એરિયાને જ બેરીકેડ કરાયો છે. નાનામવા થી ગોંડલ ચોકડીનો ૪.૬ કિ.મી. એરિયા અને શીતલ પાર્ક થી માધાપર ચોકડી સુધીનો ૧.૬ કિ.મી. એરિયા ઘટાડવામાં આવેલ છે. આ વર્ષે રૂટનું પ્લાનીંગ એવી રીતે કરવામાં આવેલ છે કે સવારે ૮.૩૦ વાગ્યે તો લગભગ શહેર ફ્રી બની જશે. જેમાં કાલાવડ રોડ, કે.કે.વી અને ઇન્દિરા સર્કલ સવારથી જ અને શીતલ પાર્ક થી ગોંડલ રોડ અને શીતલ પાર્ક થી માધાપર ચોકડી સુધીનો રૂટ એરિયા પણ સવારથી જ ફ્રી થઇ જશે. જ્યારે કિશાનપરા ચોક અને કોટેચા ચોક સવારે ૭.૦૦ વાગ્યા બાદ ફ્રી થઇ જશે.

આ મેરેથોનમાં બેરીકેડ બનાવવા ડ્રીલીંગ ને બદલે ટેબલ બેરીકેડીંગ કરવા અને જ્યાં જરૂર હોય ત્યાં જ અને જાહેર માર્ગને ઓછામાં ઓછું નુકશાન થાય તે રીતે બેરીકેડ બનાવવા સંબંધિતને સૂચના આપવામાં આવેલ છે.દરમ્યાન મેરેથોનના સમગ્ર આયોજન અંગે ફેસબુક પર @Runrajkot અને ટ્વિટર પર #Runrajkot થી ટ્રેન્ડીંગ થશે.

રાજકોટ મહાનગરપાલિકા તથા રાજકોટ શહેર પોલીસ દ્વારા આયોજીત રાજકોટ મેરેથોન – ૨૦૧૮ અન્વયે જરૂરી ટ્રાફીક નિયમન જળવાય રહે તેમજ શહેરના નાગરીકો તથા સ્પર્ધકોને મેરેથોન દોડના સ્થળે તા: ૧૮/૦૨/૨૦૧૮ ના રોજ પહોચવા માટે હાલાકી ના પડે તે હેતુસર રેસકોર્ષ ગ્રાઉન્ડ થી નજીકના સ્થળે પાર્કીંગ વ્યવસ્થા તથા અલગ અલગ રેસ કેટેગરી પ્રમાણે નીચે મુજબની વિગતે વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. આથી તમામ નાગરીકો તથા સ્પર્ધકોને સવારે ૪:૩૦ સુધીમા તેઓશ્રી માટે નિર્ધારીત કરેલ સ્થાન પર પહોંચવા અનુરોધ કરવામાં આવે છે.

પાર્કિગ વ્યવસ્થા :

        શહેરના નાગરીકો તથા સ્પર્ધકો માટે નીચે મુજબના પાર્કીગ પ્લોટમાં પાર્કીગ વ્યવસ્થા કરવામા આવેલ છે.

૧) રીલાયન્સ કમ્પાઉન્ડ (ઇન્કમ ટેક્ષ ગૃહ વાટીકા પાસે)

૨) રેલ્વે લાઇન પાસે બન્ને તરફ

૩) ગ્રામીણ ક્રુષી બેંક કમ્પાઉન્ડ

૪) જુની કેન્સ્રર હોસ્પીટલ ગ્રાઉન્ડ

૫) મેમણ બોર્ડીંગ ગ્રાઉન્ડ

૬) ઇન્કમ ટેક્સ પાર્કિંગ ગ્રાઉન્ડ,

૭) સર્કિટ હાઉસ પાર્કિંગ

૮) બહુમાળી ભવન

૯) ચૌધરી હાઈસ્કૂલ

૧૦) ડી.એચ. કોલેજ

૧૧) મહિલા કોલેજ

તમામ સ્પર્ધકો અને લોકોને એવી અપીલકરવામાં આવે છે કે, મેરેથોનના અનુસંધાને જાહેર માર્ગો પર ક્યાંય ટ્રાફિકના પ્રશ્ન કે અવ્યવસ્થા ના સર્જાય તે માટે કરવામાં આવેલે વ્યવસ્થામાં સૌ સહકાર આપે. વાહન પાર્કિંગ માટે જે સ્થળો સુનિશ્ચિત કરવામાં આવ્યા છે તેનો જ વાહન પાર્કિંગ માટે ઉપયોગ કરી આ આયોજનને અભૂતપૂર્વ સફળતા અપાવવામાં સૌ સહયોગી બને.

આ મહાઆયોજનને સફળ બનાવવા સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન શ્રી પુષ્કરભાઈ પટેલ, પોલીસ કમિશનર શ્રી અનુપમસિંઘ ગેહલોત, મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાની, આયકર વિભાગના પ્રિન્સીપલ ચીફ કમિશનર શ્રી વિનોદકુમાર પાંડે, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન શ્રી જયમીનભાઈ ઠાકરે રાજકોટવાસીઓ વહેલી સવારે મેરેથોનના સ્પર્ધકોનો ઉત્સાહ વધારવા ઉમટી પડવા અપીલ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.