Abtak Media Google News

જામનગરમાં ૫, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૪ના શંકાસ્પદ મોત

જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાની સતત ત્રીજા દિવસે સદી થઈ છે, શનિવારે ૧૦૩, અને રવિવારે ૧૦૧ દર્દીના રીપોર્ટ પોઝિટિવ આવ્યા પછી સતત ત્રીજા દિવસે સોમવારે ૧૧૦ દર્દીઓના રીપોેર્ટ પોઝિટિવ આવ્યા છે, જો કે, ડિસ્ચાર્જ થનારા દર્દીઓના રેટમાં વધારો થયો છે. એક જ દિવસમાં ડિસ્ચાર્જ થનારા દર્દીઓની પણ સદી થઈ છે. રવિવારના દિવસે માત્ર બે દર્દીઓના મૃત્યુ નિપજયા હતાં. જેમાં ફરીથી ઉછાળો આવ્યો છે. ગઈકાલ સાંજ થી આજ સવાર સુધીમાં વધુ આઠ દર્દીઓના મૃત્યુ નિપજયાં છે, જેમા જામનગર શહેરના ૫ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૪ દર્દીનો પણ સમાવેશ થાય છે.જામનગર શહેરમાં સોમવારે વધુ ૯૬ દર્દીઓના રીપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેથી જામનગર શહેરમાં ભયનો માહોલ યથાવત રહ્યો છે. જામનગર શહેરનો કોરોના પોઝિટિવ દર્દીઓનો કુલ આંકડો ૨,૧૮૩ નો થયો છે. જયારે જામનગર ગ્રામ્ય વિસ્તારમાં વધુ ૧૯ પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી ગ્રામ્ય વિસ્તારોનો આંકડો ૩૬૨ થયો છે. સમગ્ર જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ૨,૫૪૫ ની થઈ છે. જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાના દર્દીઓના રિકવરી રેટમાં પણ વધારો જોવા મળ્યો છે, સતત ચાર દિવસથી દાખલ થયેલા દર્દીઓ કરતા ડિસ્ચાર્જ થનાર દર્દીઓની સંખ્યામાં વધારો થતો જાય છે.

સોમવારે ડિસ્ચાર્જ થનારા દર્દીઓની પણ સદી થઈ છે, જામનગરની જી.જી. હોસ્પિટલમાંથી ૧૦૬ દર્દીઓએ કોરોનાને માત આપી છે. તમામ દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેઓને રજા આપવામાં આવી છે. જેમાં જામનગર શહેરના ૯૬ અને ગ્રામ્ય વિસ્તારના ૧૦ દર્દીઓનો સમાવેશ થાય છે.

સમયમર્યાદા-સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરનારા બે સામે કાર્યવાહી

જામનગરના એમ્યુઝમેન્ટ પાર્ક પાસે ગઈકાલે એક દુકાન સમયમર્યાદાનો ભંગ કરી ખુલી રખાતા પોલીસે તેના સંચાલક સામે અને મગફળીની રેંકડીવાળા સામે કાર્યવાહી કરી છે.

જામનગર શહેરમાં ગઈકાલે પોલીસે હાથ ધરેલાં પેટ્રોલીંગ દરમ્યાન ખોડિયાર કોલોની નજીકના મેહુલનગર પાસે એમ્યુઝમેન્ટ પાર્ક પાસેની કે વિઝન ઈલેકટ્રોનીક નામની દુકાન રાત્રિના પોણા નવ વાગ્યા સુધી ખુલી જોવા મળતા પોલીસે તેના સંચાલક જીતેન્દ્રભાઈ કિશોરભાઈ કલોલા સામે સમયમર્યાદાનો ભંગ કરી દુકાન ખુલી રાખવા અંગે આઈપીસી ૧૮૮, ૨૭૦ તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ હેઠળ ગુન્હો નોંધ્યો છે. ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલા રાજ ચેમ્બર પાસે માલધારી હોટલ પાસે ગઈકાલે સાંજે કેટલાક વ્યકિતઓ સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરી મગફળીની રેંકડીએ એકઠાં થયા હોય પોલીસે રેંકડીવાળા અજય રવજીભાઈ સોલંકી સામે કાર્યવાહી કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.