મંદિરનો મુદ્દો ઉછાળી ફરી એકવાર કોંગ્રેસ નુકસાનીનો સોદો કરી રહી છે?

અનામત બાદ મંદિરનો મુદ્દો ઉછાળી કોંગ્રેસ પોતાના જ પગ ઉપર કુહાડો મારી રહી છે!

ગુજરાત વિધાનસભા ચૂંટણી જંગ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. રામ મંદિરનો મુદ્દો પણ ઉછળવા લાગ્યો છે. આ વખતે મંદિરનો મુદ્દો કોંગ્રેસે ઉછાળ્યો છે જે કોંગ્રેસ માટે નુકશાનનો સોદો થઈ શકે છે. અગાઉ અનામત મામલે હાથ દઝાડવાનું કારસ્તાન કોંગ્રેસ કરી ચૂકી હોવા છતાં પણ હવે કોંગ્રેસે મંદિરનો મુદ્દો ઉછાળ્યો છે. સિબ્બલે લોકસભા ચૂંટણી સુધી સુનાવણી ટાળવાનું નિવેદન આપ્યા બાદ ભાજપે અયોધ્યા મુદ્દે કોંગ્રેસને ઘેરવાના પ્રયાસો કર્યા છે આક્ષેપબાજી શ‚ થઈ ગઈ છે.

વડી અદાલતમાં કપીલ સિબ્બલે આપેલા નિવેદન બાદ સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડે રાજકારણથી દૂર રહેવાનો પ્રયાસ કર્યો છે. સિબ્બલ સુન્ની વકફ બોર્ડના વકીલ ન હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે. અનામત બાદ હવે રામ મંદિરનો મુદ્દો સળગાવી કોંગ્રેસે પોતાના જ પગ ઉપર કુહાડો માર્યો હોય તેવું ફલીત થઈ રહ્યું છે. અગાઉ સંવિધાનની કલમોનો અભ્યાસ કરી પાટીદારોને અનામત આપવાનો મુદ્દે કપીલ સીબ્બલે ઉછાળ્યો હતો. જો કે, હરિશ સાલ્વે જેવા વરિષ્ઠ વકીલે ૫૦ ટકાથી વધુ અનામત શકય ન હોવાનું કીધું હતું.

કપીલ સીબ્બલની વડી અદાલતમાં દલીલ મામલે યુપી સુન્ની બોર્ડના ચેરમેન ઝુફાર અહેમદ ફા‚કીએ જણાવ્યું હતું કે, સિબ્બલ બોર્ડના વકીલ નથી. તેઓ ખાનગી પક્ષ તરફથી આ કેસમાં લડી રહ્યાં છે. સિબ્બલના નિવેદનથી કોંગ્રેસને ફટકો પડી શકે તેવી પરિસ્થિતિ છે. ગઈકાલે મોદીએ પણ સિબ્બલની દલીલને આડેહાથ લીધી હતી. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસે મહત્વપૂર્ણ મુદ્દા લટકાવીને રાજકારણ કર્યું છે જેથી દેશની દુર્દશા થઈ છે. સિબ્બલ વકીલાત કરે તેની સામે વાંધો નથી પરંતુ અયોધ્યા કેસને લોકસભા ચૂંટણી સુધી ટાળવાની વાત કરવાની હિંમત કેવી રીતે કરી શકે.કોંગ્રેસે અગાઉ પાટીદારોના અનામત મુદ્દે પણ ઉતાવળ કરી નાખી હતી.

કોંગ્રેસને આ ભુલ પણ ભારે પડી શકે છે. તાજેતરમાં જ પાટીદારોની ધાર્મિક સંસ્થાઓએ વડી અદાલતના વરિષ્ઠ વકીલનો મત લીધો હતો. જેમાં ૫૦ ટકાથી વધુ અનામત શકય ન હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ સંસ્થાઓએ કહ્યું હતું કે, લેભાગુ તત્ત્વો સમાજને ડુબાળે નહીં તે ચકાસવું જોઈએ. આવા લોકોનો સામનો કરવો જોઈએ. ગઈકાલે સંસ્થાઓએ હાર્દિક પટેલ અને કોંગ્રેસ સમાજને ગેરમાર્ગે દોરતા હોવાનું પણ કહ્યું હતું.

Loading...