રાજકોટવાસીઓ કોના પર રિઝશે: કાલે બપોર સુધીમાં પરિણામ

૧૮ વોર્ડની ૭૨ બેઠકોની ચૂંટણીના પરિણામને લઈને શહેરીજનોમાં ભારે આતુરતા: મહાપાલિકાનું પરિણામ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાને પણ અસર કરશે

ભાજપ સત્તા જાળવી રાખશે કે કોંગ્રેસ વર્ષ ૨૦૦૦નું પુનરાવર્તન કરશે, કાલે ૨૯૩ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાંથી બહાર નીકળશે

રાજકોટવાસીઓ કોના પર રિઝશે, કોને આવકાર મળ્યો છે અને કોને જાકારો મળ્યો છે તેનો આવતીકાલે ફેંસલો જાહેર થનાર છે. આવતીકાલે મહાપાલિકાની ૧૮ વોર્ડની ૭૨ બેઠકો માટે જે મતદાન થયું છે. તેની મતગણતરી હાથ ધરી બપોર સુધીમાં પરિણામ જાહેર કરવામાં આવનાર છે. આ પરિણામને લઈને શહેરીજનોમાં ભારે આતુરતા જોવા મળી રહી છે.

રાજકોટ મહાપાલિકાની ચૂંટણીમાં ગઈકાલે મતદાન પ્રક્રિયા યોજાઈ હતી. ૧૮ વોર્ડમાં ૫૦.૭૨ ટકા મતદાન થયું હતું. કુલ ૨૯૩ મેદાનમાં ઉતર્યા હતા. તમામ ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સિલ થયા બાદ ઇવીએમ મશીનને સ્ટ્રોંગ રૂમમાં સિલ કરી દેવામાં આવ્યા હતા. હવે આ ઇવીએમ મશીનોને આવતીકાલે મતગણતરી કેન્દ્રો ખાતે લઈ આવવામાં આવશે. જ્યાં સવારે ૯ વાગ્યે મતગણતરી શરૂ કરવામાં આવશે. પ્રથમ સર્વીસ વોટર્સના મતો બાદમાં પોસ્ટલ બેલેટના મતો ગણાશે. અંદાજે બપોરે ૨ વાગ્યા સુધીમાં મતગણતરી પૂર્ણ થઈ જશે.

હાલ શહેરીજનોમાં આવતીકાલે જાહેર થનાર પરિણામને લઈને ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. રાજકોટ મહાપાલિકાની ૭૨ બેઠકોમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રી પાંખીયો જંગ જોવા મળ્યો હતો. હવે કોને સતા મળે છે તે આવતીકાલે જાહેર થનાર છે. આવતીકાલના પરિણામની સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યું છે. આ પરિણામની અસર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી ઉપર પણ થનાર છે.

ઉલ્લેખનીય છે કે આવતીકાલે મહાપાલિકાની ચૂંટણીનું કામ પૂર્ણ થઈ ગયા બાદ હવે નેતાઓ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી ઉપર ધ્યાન કેન્દ્રિત કરી તેના પ્રચાર પ્રસારમાં લાગી જશે.આ ચુંટણીઓનું મતદાન ૨૮મીએ યોજાનાર છે ત્યારબાદ તેની મતગણતરી હાથ  ધરાશે આમ આવતું અઠવાડીયું પણ નેતાઓની ભાગદોડ યથાવત રહેવાની છે.

સવારે ૯ વાગ્યે મત ગણતરી શરૂ થશે, બપોરે ૨ વાગ્યા સુધી ચાલશે

મહાપાલિકાના ૧૮ વોર્ડની ૭૨ બેઠકો માટે ગઈકાલે થયેલા મતદાન બાદ આવતીકાલે તેની મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. શહેરના ૬ સ્થળોએ સવારે ૯ વાગ્યે મતગણતરી શરૂ કરવામાં આવનાર છે. આ મતગણતરીની પ્રક્રિયા બપોરે ૨ વાગ્યા સુધીમાં પૂર્ણ થઈ જાય તેવો અંદાજ છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી ફરજમાં રોકાયેલ સ્ટાફે ગઈકાલે મતદાન પૂર્ણ થયા બાદ સંકેલો કરવામાં ભારે જહેમત ઉઠાવી હતી. મોટાભાગનો સ્ટાફ આજે વહેલી સવારે ૪થી ૫ વાગ્યા સુધી ફરજ પર દોડાદોડી કરતો હતો.

Loading...