રાષ્ટ્ર સંત પરમ ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના ૫૦માં જન્મદિન નિમીતે ૫૦ પાંજરાપોળોને એક વર્ષ માટેની મેડીકલ સહાય અપાશે

અર્હમ યુવા ગ્રુપ તથા સમસ્ત મહાજન દ્રારા ગૌશાળા-પાંજરાપોળના ટ્રસ્ટીઓ સાથે સંવાદ – માર્ગદર્શન ઓનલાઈન શીબીર યોજાઈ: ૧૫૦ પાંજરાપોળોના સંચાલકો હાજર રહયાં

રાષ્ટ્ર સંત પરમ ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબનાં પાવન સાનિધ્યમાં અર્હમ યુવા ગ્રુપ તથા સમસ્ત મહાજન દ્વારા ગૌશાળા-પાંજરાપોળના ટ્રસ્ટીઓ સાથે સંવાદમાર્ગદર્શન ઓનલાઈન શીબીર યોજાઈ ગઈ. આ સંવાદમાં સમગ્ર ગુજરાતની ૧૫૦ જેટલી પાંજરાપોળોના સંચાલકો હાજર રહયાં હતાં. રાષ્ટ્ર સંત પ.ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબનો ૫૦ મો જન્મદિવસ ’પરમોત્સવ’ તરીકે ૨૫ થી ૨૭ સપ્ટેમ્બર દરમ્યાન ઉજવવામાં આવનાર છે ત્યારે સમગ્ર દેશ અને વિદેશમાં અનેકવિધ મેગા સત્કાર્યો દર્દીનારાયણ-દરીદ્નારાયણ, અબોલ જીવો અને માનવતાની સેવામાં થનાર છે. ઓન લાઈન શીબીરની શરૂઆતમાં પોતાના આશીર્વાદ સાથે રાષ્ટ્ર સંત નમ્રમુની મહારાજ સાહેબે ગૌશાળા-પાંજરાપોળોના સંચાલકોની જીવદયા પ્રવૃતિઓ, સતત પુરુષાર્થ બદલ અંતરની પ્રસન્નતા વ્યકત કરી હતી. વૈશ્વીક સ્તરે જળ,જંગલ, જમીન, જનાવર, જનની સુખાકારી માટે દશકાઓથી પ્રયત્નશીલ અને ભારત સરકારના એનીમલ વેલફેર બોર્ડના સદસ્ય ગીરીશભાઈ શાહે પૂ. ગુરૂદેવની ચરણવંદના અને ઋણ સ્વીકાર સાથે સૌ જીવદયા પ્રેમીઓને આગામી સમયમાં જીવદયા સંસ્થાઓને સ્વાવલંબન તરફ વળવા, વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવા, ગૌ આધારીત સંસ્કૃતીનું પુન:સ્થાપન, ગૌચર વિકાસ, ગૌ આધારીત કૃષિ-આરોગ્ય અને પર્યાવરણર્થે જનજાગરણ, ગૌશાળા-પાંજરાપોળની આંતર માળખાકિય સુવિધાઓ ઉભી કરવા, પશુ-પક્ષીઓના આરોગ્યની જાળવણી, ભાવના અને વિજ્ઞાનનો સમન્વય સહિતના મુદા ઉપર માર્ગદર્શન  આપ્યું હતું. આ વર્ષના બજેટમાં ગુજરાતના જીવદયા પ્રેમી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે પાંજરાપોળોની આંતરમાળખાકીય સુવિધાઓ અંગે જાહેર કરેલા ૧૦૦ કરોડ રૂપીયાની સહાયનો મહતમ લાભ, લઘુતમ સમયમાં લેવા માટે વિવિધ પેપરવર્ક સહીતની છણાવટ ગીરીશભાઈએ કરી હતી. પૂ. ગુરૂદેવ નમ્રમુની મહારાજ સાહેબે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કરેલા વિવિધ જીવદયા સત્કાર્યો અંગે પોતાના હૃદયની પ્રસન્નતા વ્યકત કરી હતી અને આશીર્વાદ આપ્યા હતાં. આ તબકકે રાષ્ટ્ર સંત પરમ ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના ૫૦માં જન્મદિન નિમીતે યોજાનાર પરમોત્સવ અંતર્ગત, પ્રથમ તબકકે ૫૦ પાંજરાપોળોને એક વર્ષ માટેની મેડીકલ સહાય આશ્રીત પશુ-પક્ષીઓની સારવાર માટે અપાશે તેવી ઉમદા જાહેરાત થઈ હતી. આગામી સમયમાં વધુ પાંજરાપોળોને પણ આ યોજનામાં જોડવાનો પ્રયાસ દાતાઓના સહકારથી કરાશે. જે પાંજરાપોળોમાં અબોલ જીવોને મેડીકલ સારવાર આપવામાં આવતી હોય તેઓને પોતાની વિગતો મો. નં. ૭૩૦૩૦ ૦૦૮૮૮ પર મોકલી દેવા અર્હમ યુવા સેવા ગ્રુપ અને સમસ્ત મહાજનની યાદીમાં જણાવાયું છે.

Loading...