Abtak Media Google News

“ઢગલાબંધ ગંભીર ગુન્હાઓ તેમાં અસંખ્ય સાક્ષીઓ, સંખ્યાબંધ પંચનામાઓ અને તેમાં ગુન્હાવાળી જગ્યાઓ અસિમિત, આખા આખા ગામ, શહેર, વિશાળ સીમવગડા, અસંખ્ય આરોપીઓ વળી સો બંદોબસ્ત તો ખરો જ !

જનતામાં શાંતિ પોલીસમાં અશાંતિ ગોધરાકાંડ અન્વયે રાજયમાં શરૂ થયેલા તોફાનો એકંદરે શાંત થતા જતા હતા. પરંતુ હજુ કયાંક કયાંક તણખા તીખારા ઝરી જતા હતા.

આજે પાંચમી માર્ચ, આજરોજ વધારે એક સચિવ શ્રી સરકારના પ્રતિનિધિ તરીકે ઉનાવા ખાતે આવીને શાંતિ સમિતિના આગેવાનોની મીટીંગ કરવાના હોય જયદેવ ઉનાવા આવ્યો આલા દરજજાના અધિકારીઓ પદાધિકારીઓએ બંને કોમના અગ્રણીઓ અને શાંતિ સમિતિના આગેવાનો સાથે હવે તોફાનો ને બદલે શાંતિ જ રહે તે માટે ચર્ચા વિચારણાઓ કરી શાંતિ માટેની વિનંતી કરી અપીલ કરી. આ દરમ્યાન પોલીસે પણ ઉચ્ચક જીવે બંદોબસ્ત જાળવ્યો. આ તોફાનોના ગુન્હા દાખલ થયા તેમાં અમુક ભાષણો કરનાર શાંતિ સમિતિ અને કોમના અગ્રણીઓના પણ નામ હતા પણ પોલીસે અત્યારે તો મૌન જ રાખવાનું હતુ.

પીઆઈ જયદેવ પાસે હવે આ તોફાનોના ગંભીર ગુન્હાઓની તપાસોના ગંજ ખડકાયે જતા હતા તપાસ દરમ્યાન સંખ્યાબંધ આરોપીઓના નામ ખૂલ્યે જતા હતા. અગાઉ ઉનાવા ખાતે બનેલ બે બનાવોના ગુન્હા ઉંઝા ખાતે નોંધાતા તેની તપાસો પણ જયદેવ પાસે આવી. જયદેવને ખ્યાલ આવી ગયો હતો કે હવે આરોપીઓ આગોતરા જામીન મેળવવા માટે મહેસાણા સેશન્સ કોર્ટમાં દોડશે જ અને તેથી કોર્ટ પણ જામીન હુકમ કરતા પહેલા ગુન્હાના કેસ કાગળો જોવા માટે માગશે જ, આથી તપાસોમાં આરોપીઓ વિરૂધ્ધ જે પૂરાવા મળે તે આ કોર્ટ કાર્યવાહી પહેલા લઈ લેવા જરૂરી હતા. હાલ ચાર ગુન્હાની એકી સાથે તપાસ ચાલુ રાખીપૂરાવા નોંધવાનું ચાલુ રાખ્યું.

છઠ્ઠી માર્ચના રોજ વહેલી સવારથી જ જયદેવ ઉનાવા આવી આ ચાર ગુન્હાઓની તપાસો કરતો હતો, દરમ્યાન કલાક ૧૦/૧૫ વાગ્યે ઉંઝા પી.એસ.ઓએ જયદેવને જાણ કરી કે દાસજ રાહત કેમ્પમાંથી મેમણ મહંમદ સીદીક જણાવે છે કે પોતાના દિકરાને ઉંઝા ખાતે મારી નાખેલ છે. તેની ફરિયાદ આપવી છે. પરંતુ ઉંઝા આવી શકાય તેવા સંજોગો અને સ્થિતિ નથી જેથી દાસજ આવી ફરીયાદ લેવા વિનંતી કરે છે. આથી જયદેવ તૂર્ત જ ઉનાવાથી રવાના થઈ કલાક ૧૦.૪૫ વાગ્યે દાસજ આવ્યો.

ઉંઝા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી જે ધમસાણ તોફાનો ચાલુ હતા અનેક આક્રમક અને સશસ્ત્ર મોરચાઓ મંડાયા હતા. પણ પોલીસ દળે સમયસર જીવ સટોસટ અને યુકિતપૂર્વકની કાર્યવાહીઓ કરતા કોઈ માનવજીંદગી બુઝાઈ નહતી, પરંતુ તા.૨૮/૨ના રોજ સવારના સાડા દસેક વાગ્યે ઉંઝાના ખજૂરી પોળથી બારોબાર ગામના છેવાડે વાડી કુવાવિસ્તારમાં એક અમાનવીય ઘાતકી હત્યાનો બનાવ બની ગયો હતો. પરંતુ તેની કોઈ પણ પ્રકારની જાહેરાત કે ફરિયાદ આ આંધાધુંધી અને તોફાનોમાં કોઈએ કરેલી નહિ અને પોલીસ દળ પણ સતત તોફાનોના બંદોબસ્તમાં વ્યસ્ત હતુ.

આ ગોધરા કાંડ અન્વયે થયેલ તોફાનોમાં ઉંઝા પોલીસ સ્ટેશન વિસ્તારનું આ એક માત્ર ખૂન હતુ અને તે પણ વણોધાયેલું જ રહેલુ જે ગુન્હો પાછળથી સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ ગુજરાત હાઈકોર્ટની દેખરેખ નીચે તપાસ માટેની ખાસ ટીમ ‘સીટ’ ને સોંપાયેલી જે અંગેની વિગત હવે પછી આગળના પ્રકરણોમાં ચર્ચા કરવામાં આવશે.

જયદેવે દાસજ ખાતે ફરિયાદીની ખૂન, હૂલ્લડ અને આગથી બીગાડ તથા પૂરાવાનો નાશ કરવા અંગેની ફરિયાદ નોંધી પી.એસ.ઓ.એ ગુન્હો નોંધી તપાસ જયદેવને જ આપી જયદેવે ફોરેન્સીક સાયન્સના નિષ્ણાંત એમ.ટી. મોદીની રૂબરૂમાંજ ગુન્હાવાળી જગ્યાની વૈજ્ઞાનિક તપાસણી કરાવી પંચનામું કરી મૃતકની લાશના બળેલા માનવ અસ્થિઓ કબ્જે કર્યા અને તપાસ શરૂ કરી.

આજે બપોરનાં પણ ઉનાવા ખાતે શાંતિ સમિતિની મીટીંગ અને શાંતિ માટેની રેલીનું આયોજન હોઈ જયદેવ કલાક ૧૪/૧૫ વાગ્યે વળી પાછો ઉનાવા આવી ગયો. કોમી અખેલાસને તોફાનોના કારણે બંને કોમોને થયેલ માનસીક જખ્મોને આ પાટાપીંડી રૂપી શાંતિ સમિતિની મીટીંગો અને રેલી દ્વારા પ્રયત્નો થતા હતા અને તેમા પોલીસ દળ અણનમ રીતે બંદોબસ્ત કર્યે જતુ હતુ સહુ કોઈ આગેવાનો સરકારના પ્રતિનિધિ રૂપ સચિવો, અધિકારીઓ લઘુમતી કે બહુમતી સમાજો ને શાંત્વન, આશ્ર્વાસન અને વિશ્ર્વાસ આપી રહ્યા હતા પરંતુ સતત ચાર દિવસ સુધી ઉંધે કાંધ થઈ ખાધા પીધા વગર ઉંધ્યા વગર બંદોબસ્તની કપરી કામગીરી કરી તુટી પડેલા પોલીસદળના જવાનોને માટે કોઈ આભારના શબ્દો ન હતા. પરંતુ એટલું તો સારૂ જ હતુ કે બંને પક્ષોમાંથી કોઈએ પોલીસ દળની કાર્યવાહી અંગે કોઈ પક્ષાપક્ષીના આક્ષેપો કર્યા ન હતા. જોકે પોલીસ દળે પણ જાનના જોખમે પણ પૂરી તટસ્થતા અને તાકાતથી કાયદો અને વ્યવસ્થા જાળવવા પૂરા પ્રયત્નો કર્યા હતા.

7537D2F3 2

જયદેવે આજે પણ એકી સાથે પાંચ ગંભીર અને સેશન્સ ટ્રાયલ કોમ્યુનલ ગુન્હાઓની તપાસ ચાલુ રાખી. દરેક ગુન્હામાં કેટ કેટલા સાહેદો? કેટલા પંચનામા (ગુન્હા વાળી જગ્યાઓ), અસંખ્ય આરોપીઓ ખુબ જટીલ અને લાંબી તપાસો હતી. હવે જોઈએ કે આમ જનતામાં ગુન્હાઓની તપાસો સીબીઆઈ, સીઆઈડીક્રાઈમ કે સીટ પ્રકારની ખાસ એજન્સીઓ પાસે તપાસ કરાવવા માટે કેમ આગ્રહ રાખે છે. એક મુખ્ય કારણ તો એ કે આવી તપાસ એજન્સીનાં અધિકારીને જે તે એક ગુન્હા સિવાય સાથે સાથે બીજી કોઈ સમાંતર તપાસ કે અન્ય કામગીરીઓ જેવી કે નાઈટ રાઉન્ડ, બંદોબસ્તો જનતાની રજૂઆતો સાંભળવાની વહીવટી કામગીરીઓ ઉપરાંત દારૂ જુગારની રેઈડો તેમજ સરકાર દ્વારા આયોજીત જુદી જુદી યોજનાઓ જેવી કે કોમ્યુનીટી પોલીસીંગ પ્રજા સમન્વય સેતુ મહિલા અને બાળકો માટેના કાર્યક્રમો ટ્રાફીક માટેની સ્પેશ્યલ ઝુંબેશો વિગેરે ફરજો અને સમય મર્યાદાની કામગીરીઓ નથી હોતી ફકત એક ગુન્હાની તપાસ એટલે તપાસ વળી ગુન્હો જયારે દાખલ થયો હોય ત્યારે સ્થાનિક પોલીસે ગુન્હાવાળી જગ્યાના પંચનામા, એફએસએલ ડોગ સ્કોડ વિગેરે કાર્યવાહીઓ તો કરી જ નાખેલી હોય છે. હવે આ એજન્સીના અધિકારીઓ એ કોઈ સમય મર્યાદા સિવાય નિરાંતે બાકીની વીધી પૂરતા સમયમાં વિચારણા ને અંતે કરવાની હોય છે. વળી એક એક અરજદાર, સાક્ષીને સાંભળવા માટે આખો આખો દિવસ મળે છે. જયારે સ્થાનિક પોલીસને તો અન્ય બીજી સમય મર્યાદાની કામગીરીને કારણે કોઈ સાહેદને નિરાંતે સાંભળવા નો સમય પણ નથી હોતો. જો સ્થાનિક પોલીસ આમ જનતાને નિરાંતે પૂરેપૂરા સાંભળે તો તેમના વિરૂધ્ધ રજૂઆત કરવાનો કોઈ બનાવ જ ન બને તેવું અનુભવે જણાયું છે.

ઉનાવા અને ઐઠોર ગામની સીમમાંથી અમદાવાદ, દિલ્હી બ્રોડગેજ લાઈન પસાર થાય છે.જુઓ પ્રકરણ ૨૦૩ ૨૮મી ફેબ્રુઆરી…(૪) આજરોજ વધુ બે ગુન્હાઓ દાખલ થયા જે બંનેની એફઆઈઆર મહેસાણા સીવીલ હોસ્પિટલમાં હોસ્પિટલ ડયુટી જમાદારે લીધેલી હતી આ બંને બનાવો આ પ્રકરણ ૨૦૩ વાળી અમદાવાદ દિલ્હી રેલવે લાઈન ઉપરના રેલવેના એબેન્ડોન્ડ (છોડીદેવાયેલ) મકાનો ખાતે તારીખ ૨જી માર્ચના રોજ બનેલા અને તેના ઈજાગ્રસ્તોને ઉંઝા કે મહેસાણા કયાંના હોસ્પિટલે મોકલવા તે અંગે ઉનાવા ખાતે બંદોબસ્તમાં રહેલ ઉંઝાના ફોજદાર રહીમભાઈ ટાંકે કલાક ૧૮/૨૦ વાગ્યે વાયરલેસ દ્વારા જયદેવને પૂછાયેલ હતુ જુઓ પ્રકરણ ૨૧૪ બીજી માર્ચ ૩ પેજ નં. ૬૫૦ જે સંદેશો આ ગુન્હા અંગેનો હતો જોકે બે ગુન્હા મહેસાણા સિવિલ હોસ્પિટલના જમાદારની તકનીકી ભૂલ અને એક લઘુમતી ફરિયાદી અને બીજા બહુમતી મહિલા ફરિયાદીને કારણે જુદા જુદા દાખલ થયા હતા. પરંતુ બનાવ તો એક જ હતો અને તેથી ગુન્હો પણ એક જ બનતો હતો.

આ કિસ્સામાં તે દિવસે એવું બનેલુ કે તોફાની ઝનૂની ટોળાઓએ આ નિર્જન અને અવાવરૂ સ્થળે આવેલા રેલવેના એબેન્ડોન્ડ મકાનોમાં બનેલ લઘુમતી ધાર્મિક સ્થાન ઉપર હુમલો કરતા ત્યાં હાજર વ્યકિતઓમાં નાસભાગ થયેલી તેના મુંજાવરને જીવલેણ ઈજાઓ થયેલી પરંતુ ભાગીને તે ઉંઝા મહેસાણા હાઈવે ઉપરની મરૂધર હોટલ પાસે પહોચી ગયેલા મરૂધર હોટલેથી કોઈએ ઉનાવા પોલીસને જાણ કરતા ફોજદાર ટાંકે ઉંઝા ખાતે જયદેવને પૂછીને ઈજાગ્રસ્ત મુંજાવરને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં રવાના કરેલા.

ઉનાવા મીરાદાતાર ખાતે રાજસ્થાનના ઈટાવા શહેરના હિન્દુ બદામબેન તે રામપ્રસાદ રામકિશનની વિધવા ઓરત ઉ.વ. ૪૦ પોતાના સાતેક વષૅના પુત્ર રવિને લઈને આવેલા આ વિધવા બદામબેન રામપ્રસાદને કોઈએ જાદુકામણ કરેલ હોઈ હાજરી આવતી હોઈ મીરાદાતારનો છીલ્લો બાંધ્યો હતો. અને લગભગ સવા મહિનાથી ઉનાવા ખાતે મુસાફીર ખાનામાં જ રહેતા હતા કોઈએ તેમને કહેલું કે જાત્રા તોજ પૂરી થાય કે જો મામુશાની દરગાહ અને ઐઠોરની જગ્યાએ પણ દીદાર કરે તો ! આથી આ ઐઠોરની જગ્યાએ પણ દર બે ત્રણ દિવસે તે આવતા હતા.

તા.૨જી માર્ચ ના રોજ તેણી બપોરના આ ઐઠોરની ઈદગાહે પહોચી ત્યાંજ હિન્દુઓના તોફાની ટોળાએ હુમલો કરતા આ બદામબેને ટોળાને પોતાની ઓળખ આપેલ કે પોતે પણ હિન્દુ જ છે. રાજસ્થાન ઈટાવાના વતની છે છતા ટોળુ માનેલુ નહિ અને પહેરવેશ પણ એવો જોઈને મારકૂટ ચાલુ જ રાખી ટોળામાના સશસ્ત્ર લોકોએ તલવાર અને ધારીયાથી પોતાના દીકરા રવી ઉપર હુમલો કરી તેનો એક હાથ કાપી નાખેલો આથી તે તડફવા લાગેલો પોતાને પણ પગના નળામાં તિક્ષણહથીયારોથી ઈજા કરેલી જેથી પોતે પોતાના પુત્રને લઈને નાસી ને રોડ ઉપર આવેલી, જયાં કોઈક પોલીસની ગાડી નીકળતા બંનેને મહેસાણા સારવારમાં ખસેડેલા હતા.

આ તોફાની ટોળાએ તેના મગજમાં ભરાયેલ ઝનૂન અને આક્રોશ હતો તે નાત-જાત જોયા વગર કત્લેઆમ જ શરૂ કરી હતી ફરી વખત આ મોબસાયકોલોજી કે ટોળાને કોઈ બુધ્ધી હોય જ નહિ તે સાબીત થતું હતુ આ ઉદાહરણ ઉપરથી જે કોઈ વ્યકિત કે સંગઠનો કોઈ આંદોલન ચાલુ કરે અને જયારે ઉગ્ર અને આક્રમક ભાષણો કરી પાડી દેવાની જોઈ લેવાની લોકસમૂહ સમક્ષ વાતો કરે અને પછી ટોળુ તોફાને ચડયા બાદ આ ટોળુ તેમના કોઈ કાબુમાં કે સમજાવવામાં રહેતુ નથી તેનો તેઓએ દાખલો લેવા જેવો છે. જે હકિકત ભૂતકાળનાં થયેલ તમામ આંદોલનો ઉપરથી જોઈ શકાય છે. તોફાનો શરૂ થયા પછી જે જાહેર મીલ્કત ને નુકશાન થાય, નિદોર્ષ લોકોને ઈજા કે હાની થાય તેની જવાબદારી ખરેખર આ ટોળાઓ એકઠા કરી પ્રવચનો ઝીંકનારા સંગઠનો કે વ્યકિતઓ નીજ ગણાય.

આ ઐઠોર સીમના બંને બનાવો આમ તો એક જ ગુન્હો હતો પરંતુ મહેસાણા સીવીલ હોસ્પિટલમાં અલગ અલગ રીતે બંને મુંજાવર અને બદામબેન દાખલ થતા અને અલગ અલગ જ્ઞાતિના હોય હોસ્પિટલ ડયુટી જમાદારે ટેકનીકલી જ એફઆઈઆર અલગ અલગ લીધેલી પરંતુ હવે બંને ગુન્હા ઉંઝા પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ જ ગયા પછી શું?

આજે પણ જયદેવે ગંભીર અને કોમ્યુનલ સેશન્સ ટ્રાયલ છ ગુન્હાઓની તપાસ એકી સાથે ચાલુ રાખી આ છ ગુન્હામાં એક ગુન્હો ખૂનનો જેની ફરિયાદ પણ જયદેવે જ લીધેલી. આવતીકાલે મામુશા દરગાહ વાળા કેસની મહેસાણા સેશન્સ કોર્ટમાં મુદત હતી કેમકે આ કામના આરોપીઓ આગોતરા જામીન મેળવવા માટે કોર્ટમાં ગયા હતા તેથી જયદેવે આ કેસની કોર્ટમાં રજૂ કરવાની એફીડેવીટ પણ તૈયાર કરવાનું શરૂ કર્યું. આમ જયદેવે હવે એક સાથે અનેક ઘોડાઓ ઉપર સવારી કરવાની હતી.આ ઉંઝા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ તમામ ગુન્હાઓનું વિજીટેશન ઉનાવા ખાતે બંદોબસ્તમાં રહેલ નાયબ પોલીસ અધિક્ષક એવા પેન્થરસરને જ સોંપાયા હતા.

જોકે વિજીટેશનમાં તો નાયબ પોલીસ અધિક્ષકે તપાસનીસ અધિકારી દ્વારા તપાસમાં કાંઈ ક્ષતિ ન રહી જાયતે જ જોવાનું હતુ બાકી કાંઈ કરવાનું ન હતુ ફકત કરવાનું હતુ સુપરવિજન. પણ પેન્થર સરનો અગાઉ જણાવ્યા પ્રમાણે સ્વભાવ ચિકણો અને ચિંતાગ્રસ્ત હોય તેમને ઉશ્કેરાટ અને વ્યગ્રતા આવે તેના પણ ઢગલાબંધ કારણો અને સંજોગો હતા એકતો ઢગલાબંધ અસંખ્ય વિજીટેશનના ગંભીર ગુન્હાઓ તેમાં સંખ્યાબંધ સાક્ષીઓ, સંખ્યાબંધ પંચનામા અને તેમાં પણ ગુન્હાવાળી જગ્યાઓ અસિમિત, આખા આખા ગામ, શહેર, વિશાળ સીમ વગડા અને અસંખ્ય આરોપીઓ વળી તેમાં સાથે સાથે બંદોબસ્ત તો ખરા જ, તેમાં જો ગુન્હાની તપાસોમાં ખામી રહી જાય તો અને આતો હવે ઈન્કવાયરી કમિશનો અને સીટોમાં આ ગુન્હાઓની તપાસોનાં લેખા જોખા થવાના હતા વળી પોતે નિવૃત્તિના કાંઠે હોય જેથી પૂરા મુંઝાયા હતા પરંતુ તેમના સિવાય આવિજીટેશનો બીજા કોને સોપાય તે પણ મોટો પ્રશ્ર્ન હતો કેમકે વિસનગર નાયબ પોલીસ અધિક્ષક પાસે તો વિસનગર, વિજાપૂર, ખેરાળુ વિગેરેનાં ઢગલાબંધ વિજીટેશનો હતાજ, તેવી સ્થિતિ અન્યત્ર પણ હતી જેથી કમને પણ વિજીટેશનતો પેન્થરસરે જ કરવા પડે તેવી સ્થિતિ હતી.

તારીખ સાતમી માર્ચ, જયદેવે સવારનાં કલાક ૮.૩૦ થી કલાક ૧૦.૦૦ સુધી ઉંઝા ખાતે બનેલ માત્ર એક જ ખૂન ના ગુન્હાની તપાસ કરી કલાક ૧૧.૦૦ વાગ્યે મહેસાણા સેશન્સ કોર્ટમાં આવ્યો સરકારી વકીલ સમક્ષ પહેલા આગોતરા જામીન અરજી વિરૂધ્ધની એફીડેવીટ રજૂ કરી કેસની તપાસની વિગતથી વાકેફ કર્યા તે પછી તે મહેસાણા સીવીલ હોસ્પિટલમાં આવ્યો, ગઈકાલે દાખલ થયેલા ઐઠોર સીમના ગુન્હાના ફરિયાદી મુંજાવર અને બદામબેનને મળ્યો વિગત મેળવી.

પેન્થરસર આજરોજ મહેસાણા આવેલ હોય તેમણે જયદેવ ને વર્ધી અપાવી કે પોતે પોતાની કચેરીમાં જ છે અને જયદેવે મળીને પછી ઉનાવા જવું.

આથી જયદેવ પેન્થરસરને મળ્યો. આ ગોધરા કાંડના તોફાનોની સરહજ રીતે અસર તમામને થઈ હશે પણ પોલીસ અધિકારીઓની માનસીકતા, સ્વભાવ અને મગજ ઉપર તોફાનોનો જબરો પ્રભાવ પડયો હતો. જેથી તમામ અધિકારીઓ પોતાની હેરાનગતીઓ અને અસહ્ય જવાબદારીઓના ત્રાસને કારણે પોતાની આ ગરમી કયાંકને કયાંક ઠાલવવા મથી રહ્યા હતા.

અનુભવે એવું જણાયું છે કે વિજીટેશન અધિકારીઓ પોતાની ગુરૂતા ગ્રંથીને કારણે સામાન્ય રીતે તપાસ કરનાર અધિકારીની કોઈ ક્ષતિ ન હોય તો પણ ગમે તેવા બહાના કાઢી તેને ખખડાવવા કે ટોકવા પ્રયત્ન કરતા જ હોય છે. તમામ પોલીસ અધિકારીઓની જેવી જયદેવની પણ તોફાનોને કારણે માનસીક સ્થિતિ એવી હતી બલ્કે વધુ ખરાબ હશે, તેના મગજના બેરોમીટરનો પારો પણ હવે હદ વટાવી જ ગ્યો હતો. પેન્થર સરે જે ઐઠોરના બે ગુન્હા એકજ બનાવ હોવા છતાં અલગ અલગ દાખલ થયા તેનું બહાનું કાઢી પોતાની ગરમી કાઢવાનું શરૂ કર્યું અને જયદેવને કહ્યું તમારો સ્ટાફ બોગસ છે. જયદેવે કહ્યું ઉંઝાનો સ્ટાફ નહિ, મહેસાણાથી બંને એફઆઈઆર આવી હતી. પેન્થર સરે ગરમી ઠાલવતા કહ્યું તમે હોશિયાર છો ખબર છે. પણ હું ઈન્કવાયરી ચાલુ કરૂ છું જયદેવે પણ પરિપાટી ઉપર આવેલ ગરમી છૂટી કરી અને ખુરશીમાં આરામથી હાથ પગ પહોળા કરી ને બેસીને કહ્યું તો તો બહુ સારૂ ચાલો મારો સૌ પ્રથમ ખુલાસો લખો, આ નિવારી શકાય તેવી ગંભીર ભૂલ મેં જાતે જ કરી છે. તે તરફ દુર્લક્ષ સેવ્યું છે. તેનું મારૂ કબુલાત નામુ લખો આ બંને ગુન્હા મેં જ ઈરાદાપૂર્વક અલગ અલગ દાખલ કરાવ્યા છે. લખો ! (ક્રમશ:)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.