Abtak Media Google News

વેસ્ટ ઝોનમાં સૌથી વધુ ૧૮ ટકા જયારે સેન્ટ્રલમાં ૧૨ અને ઈસ્ટમાં ૧૩ ટકા વધુ પાણીનું વિતરણ 

ઉનાળામાં જળ કટોકટી હોવાને કારણે મહાપાલિકા એક તરફ શહેરીજનોને પાણીનો કરકસર યુકત વહીવટ કરવાની સુફીયાણી સલાહ આપી રહ્યું છે. તો બીજી તરફ લાઈન લોસ અને ડાયરેકટ પમ્પીંગ અને પાણી ચોરીના દુષણને કારણે રોજ શહેરના ૧૮ વોર્ડમાં ડિમાન્ડ કરતા ૩૪ એમએલડી વધુ પાણીની સપ્લાય કરવામાં આવી રહી છે. વેસ્ટ ઝોનમાં સૌથી વધુ ૧૮ ટકા પાણીનું વિતરણ થઈ રહ્યું છે.

આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, વેસ્ટ ઝોનમાં સમાવિષ્ટ વિસ્તારોમાં દૈનિક ૩૦ મીનીટ પાણી વિતરણ કરવા માટે ૧૦૬ એમએલડીની ડિમાન્ડ છે જેની સામે ૧૯ એમએલડી એટલે કે ૧૮ ટકા વધુ ૧૨૫ એમએલડી જેટલું પાણી વિતરણ થઈ જાય છે. મવડી અને વાવડી સહિતના વિસ્તારોમાં વધુ પાણી વિતરણ કરવામાં આવતું હોવાની કબુલાત તેઓએ કરી છે.

સેન્ટ્રલ ઝોનમાં સમાવિષ્ટ વિસ્તારોમાં દૈનિક ૫૯ એમએલડી પાણીની ડિમાન્ડ છે. જેની સામે ૭ એમએલડી વધુ પાણી એટલે કે ૬૬ એમએલડી પાણી વિતરણ કરવામાં આવે છે જે ડિમાન્ડ કરતા ૧૨ ટકા વધુ છે. જયારે ઈસ્ટ ઝોનમાં સમાવિષ્ટ વિસ્તારોમાં દૈનિક ૨૦ મીનીટ પાણી વિતરણ માટે ૭૪ એમએલડીની ડિમાન્ડ છે જેની સામે ૮૪ એમએલડી પાણી આપવામાં આવે છે. આમ અહીં ૧૦ એમએલડી વધુ પાણી વિતરણ કરવામાં આવે છે જે ડિમાન્ડ કરતા ૧૩ ટકા વધુ છે.

શહેરના તમામ ૧૮ વોર્ડમાં ૨૭૦ થી ૨૭૫ એમએલડી પાણી જ‚રીયાત સામે મહાપાલિકા દ્વારા ૩૦૦ એમએલડીથી વધુ પાણી રોજ આપવામાં આવે છે.

આ ૩૪ એમએલડી વધારે પાણી વિતરણ પાછળ લાઈન લોસ અને પાણી ચોરીનું દુષણ જવાબદાર છે. હાલ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ડીઆઈ પાઈપ લાઈનનું નેટવર્ક બિછાવવાની કામગીરી ચાલી રહી છે જે પૂર્ણ થતા લાઈન લોસનું દુષણ ઘટી જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.