જગન્નાથ મંદિરમાં વૃદ્ધને હાથણીએ કચડી નાંખ્યા

જગન્નાથ મંદિરના હાથીખાનામાં ઘાસ નાખવા આવેલા કર્મચારીને ગુસ્સે ભરાયેલી હાથણીએ સૂંઢથી પટકીને છાતી ઉપર પગ મુકી દીધો હતો. જગન્નાથ મંદિરના ૬૦ વર્ષના મહેન્દ્રપ્રસાદ શાહ નામના કર્મચારીનું મૃત્યુ નિપજ્યું હતું. બપોરે ગરમીથી અકળાઈને હાથણીએ હુમલો કર્યાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. જગન્નાથ મંદિરના સંચાલકોએ હાથણીને સારવાર અપાવી છે અને અન્ય હાથીના મહાવતોને આવી ઘટના અટકાવવા સાબદા રહેવા તાકીદ કરી છે. જગન્નાથ મંદિરના હાથીખાનામાં ૬૦ વર્ષના મહેન્દ્રપ્રસાદ શાહ ઘાસ લઈને પહોંચ્યા હતા. હાથણીનો માલિક જગદીશ સાધુ છે. મહેન્દ્રપ્રસાદ હાથણી પાસે ઘાસનું નિરણ આપવા પહોંચ્યા હતા. અચાનક જ હાથણીએ મહેન્દ્રપ્રસાદને સૂંઢમાં પકડીને પટક્યા હતા. મહેન્દ્રપ્રસાદ પટકાયા તે સાથે જ હાથણીએ પોતાનો પગ તેમની છાતી ઉપર મૂકી દીધો હતો. મહાવત તરત જ મદદે પહોંચ્યા અને હાથણીને કાબુમાં લઈ મહેન્દ્રપ્રસાદને બહાર કાઢ્યા હતા. તબીબોએ મહેન્દ્રપ્રસાદ શાહને મૃત જાહેર કર્યા હતા. જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી, મહેન્દ્રભાઇ ઝાએ જણાવ્યું કે છેલ્લા પાંચ-છ વર્ષથી મહેન્દ્ર શાહ નામનો વ્યક્તિ કે જે મૂળ બિહારના મોતીહારી જિલ્લાનો રહેવાસી છે, તે ગૌશાળાનું કાર્ય અને ડ્રાઇવર તરીકે કામ કરતા હતો. તા.૨૩મી ફેબ્રુઆરીએ સવારે જ્યારે તે ગૌશાળાથી આવ્યો અને જ્યાં હાથી રાખવામાં આવે છે ત્યાં ટેન્કર લઇને આવ્યો હતો. તે સમયે મહાવત હાથીને જમાડી રહ્યો હતો અને અચાનક હાથીએ આ ભાઇને સૂંઢમાં પકડી લીધો અને પગેથી કચડી નાખ્યો હતો. શુક્રવારે પોસ્ટ મોર્ટમ બાદ અમને બોડી આપવામાં આવી અને તેનો અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યો છે. ભગવાન જગન્નાથજી તેના આત્માને શાંતિ આપે તે માટે પ્રાર્થના પણ કરવામાં આવી છે અને તે અપરિણીત હતા એટલે તેના કોઇ સંબંધી અહીં રહેતા નથી. દિલ્હીથી તેના ભત્રીજાને સમાચાર આપ્યા છે. જગન્નાથજી મંદિર તેના પરિવારજનોને મદદરૂપ થવામાં શક્ય તેટલી મદદ કરશે. જ્યારે હાથીએ અચાનક આવું કેમ કર્યુ તે અંગે પણ તપાસ કરાવી છે અને આવી ઘટના પુન: ન બને તે માટે પણ મહાવતોને પણ સાબદા રહેવા જણાવાયું છે.

Loading...