Abtak Media Google News

છતાં એને મેનેજ કરવા માટે ઇલાજ છે. આંકડાઓ મુજબ ભારતમાં ૩ ટકાથી લઈને ૮ ટકા જેટલા પુરુષોમાં આ રોગ જોવા મળે છે, જ્યારે અઢીથી લઈને સાડાચાર ટકા જેટલી સ્ત્રીઓમાં પણ આ રોગનું પ્રમાણ જોવા મળે છે. આજે વલ્ર્ડ ઈઘઙઉ ડે પર જાણીએ આ રોગ વિશે

કેન્સર જેવી જ ગંભીર અને જાનલેવા બીમારીઓ બીજી છે જે સ્મોકિંગને કારણે થાય છે. ફેફસાંની એક એવી બીમારી છે, જે સ્મોકિંગને કારણે થવાની શક્યતા ખૂબ જ વધારે છે અને એના વિશે સમાજમાં જ નહીં; ડોક્ટર્સમાં પણ ઘણી વાર જાગૃતિ ઓછી જોવા મળે છે. આ બીમારીનું નામ છે ક્રોનિક ઑબ્સ્ટ્રક્ટિવ પલ્મનરી ડિસીઝ, જેને ટૂંકમાં COPDકહે છે. આજે સમગ્ર દુનિયામાં આ રોગ વિશે લોકો જાગૃત બને એ માટે COPDડે ઊજવવામાં આવી રહ્યો છે. COPDના જે ૧૦ દરદીઓ મૃત્યુ પામે છે એમાંથી ૯ સ્મોકર્સ હોય છે. સમગ્ર દુનિયામાં આજે સ્મોકિંગ COPDમાટેનું મુખ્ય કારણ ગણાય છે. જોકે COPDના દર ૬માંથી ૧ દરદી એવો હોય છે જેણે ક્યારેય સ્મોકિંગ કર્યું નથી હોતું. આ એ દરદીઓ છે જેમને હવાના પ્રદૂષણને કારણે કે ચૂલાના ધુમાડાને કારણે કે સોનાની ખાણ કે શણ બનાવવાના કારખાનામાં કામ કરતા હોય છે જેને કારણે આ રોગનો ભોગ બનવાની શક્યતા વધુ રહે છે. આંકડાઓ મુજબ ભારતમાં ૩ ટકાથી લઈને ૮ ટકા જેટલા પુરુષોમાં આ રોગ જોવા મળે છે જ્યારે અઢીથી લઈને સાડાચાર ટકા જેટલી સ્ત્રીઓમાં પણ આ રોગનું પ્રમાણ જોવા મળે છે. સ્ત્રીઓમાં વધતા જતા સ્મોકિંગના પ્રમાણને કારણે આ આંકડો વધતો જઈ રહ્યો છે. આ રોગ ક્યારેય ઠીક થઈ શકતો નથી અને ધીમે- ધીમે વધતો જ જાય છે. તો આ રોગમાં માણસને શું થાય અને એ થાય ત્યારે શું કરવું? એનાથી બચવાનો કોઈ ઉપાય? આ પ્રશ્નોના જવાબ આજે જાણીએ.

શું થાય?

સૌથી મહત્વની વાત એ છે કે આ રોગ બાળકોને અને યુવાનોને થતો નથી. કોઈ પણ વ્યક્તિમાં આ રોગ ૪૦ વર્ષની ઉંમર પછી જ દેખા દે છે. આ રોગ નાનપણમાં કેમ થતો નથી અને મોટી ઉંમરે કેમ થાય છે એ ત્યારે જ સમજી શકાય જ્યારે આપણે જાણીએ કે આ રોગ છે શું. ક્રોનિક ઑબ્સ્ટ્રક્ટિવ પલ્મનરી ડિસીઝને ક્રોનિક ઑબ્સ્ટ્રક્ટિવ ઍરવેઝ ડિસીઝ પણ કહે છે, કારણ કે આ રોગમાં સૌથી વધુ અસર શ્વાસનળીઓ પર થાય છે જે નાક વાટે ફેફસાંમાં ઑક્સિજન લઈ જવાનું અને કાર્બન ડાયોક્સાઇડને પાછો કાઢવાનું કામ કરતી હોય છે. એ વિશે વિસ્તારમાં સમજાવતાં બોરીવલીના જીવન જ્યોતિ મેડિકલ સેન્ટરના પલ્મોનોલોજિસ્ટ  કહે છે, આ સંપૂર્ણ રોગ પાછળનું કારણ એ છે કે જ્યારે સ્મોકિંગના, પોલ્યુશનના કે બીજા કણો નાક વાટે ફેફસાંમાં જાય છે ત્યારે મોટા ભાગે નાકની અંદર રહેલા વાળ એને રોકી લે છે છતાં અમુક કણો અંદર જતા જ રહે છે. આવા કેટલાય કણો શ્વાસનળીમાં જમા થતા જાય છે અને લાંબા ગાળે કફ પેદા કરે છે. આ કારણોસર શ્વાસનળી સાંકડી થઈ જાય છે. એથી શ્વાસ લેવામાં અને છોડવામાં તકલીફ ઊભી થાય છે.

લક્ષણો

૪૦ વર્ષની ઉંમર પહેલાં કોઈ પણ વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ થાય તો તેને મોટા ભાગે અસ્થમા નીકળતો હોય છે. જ્યારે ૪૦ વર્ષ પછી કોઈ પણ વ્યક્તિને શ્વાસમાં તકલીફ થાય અને વારંવાર કફની સમસ્યા રહ્યા કરે તો સમજવું કે તેને COPDહોઈ શકે છે. એ વિશે સમજાવતાં ઝેન હોસ્પિટલના ચેસ્ટ-ફિઝિશ્યન કહે છે, આવી વ્યક્તિઓને શ્વાસ લેવાના સમય કરતાં શ્વાસ કાઢવામાં વધુ સમય લાગતો હોય છે. આ ઉપરાંત સિસોટી જેવો અવાજ શ્વાસમાં આવતો હોય છે. તેમની છાતીનો આકાર ધીમે-ધીમે એક બેરલ એટલે કે પીપડા જેવો લાગવા માંડે છે. આ રોગ સાથે બીજા રોગો પણ સંકળાયેલા છે. આવી વ્યક્તિઓને COPDની સાથે-સાથે કાર્ડિયોવેસ્ક્યુલર પ્રોબ્લેમ, ઑસ્ટિયોપોરોસિસ, રીનલ ફંક્શનનો પ્રોબ્લેમ કે લંગ કેન્સર જેવી બીમારી પણ ઉદ્ભવી શકે છે. વળી આ રોગ ધરાવતી કોઈ પણ વ્યક્તિ જ્યારે કોઈ સર્જરીમાંથી પસાર થાય છે ત્યારે તેની રિકવરી જલદીથી થતી નથી. ઘણી વખત એવું બને છે કે હાર્ટ સર્જરી પછી રિકવરી જલદી ન આવે ત્યારે ડાયગ્નોસ કરતાં ખબર પડે કે આ વ્યક્તિને COPDનો પ્રોબ્લેમ છે.

ઇલાજ

૩૫-૪૦ વર્ષની ઉંમરમાં જો વ્યક્તિને હાંફ ચડતી હોય, શ્વાસ ટૂંકો પડે, લાંબા ગાળાની કફની તકલીફ હોય તો તેણે પલ્મનરી ફંક્શન ટેસ્ટ કરાવવી જરૂરી છે. જો તમને આ લક્ષણ ન દેખાય તો પણ જો તમે સ્મોકિંગ કરતા હો, ચૂલા વડે ખોરાક પકવતા હો, સોનાની ખાણ કે શણની ફેક્ટરીમાં કામ કરતા હો તો જાતે જ ૪૦ વર્ષની ઉંમરે આ ટેસ્ટ કરાવી લેવી. જો ખૂબ સામાન્ય સ્ટેજ પર આ રોગ પકડાઈ જાય તો એનાથી બચવું શક્ય છે. ઇલાજ વડે તમારું જીવન ઘણું સુધરી શકે છે. એના ઇલાજ વિશે સમજાવતાં ઇલાજમાં બ્રોન્કોડાઇલેટર્સ અને સૂંઘીને લઈ શકાય એવી સ્ટેરોઇડ્સનો ઉપયોગ થાય છે. સૂંઘીને લઈ શકાય એવાં બ્રોન્કોડાઇલેટર્સ કફને હટાવે છે અને શ્વાસનળીમાં હવાની અવરજવરને સરળ બનાવે છે. સ્ટેરોઇડ્સ આ શ્વાસનળીમાં આવેલા સોજાને દૂર કરે છે અને બીજી મોઢાથી લેવામાં આવતી સ્ટેરોઇડ્સની જેમ એની સાઇડ-ઇફેક્ટ્સ પણ નથી. જો તબિયત અચાનક બગડે તો ઇન્જેક્શન કે મોઢા દ્વારા અપાતી સ્ટેરોઇડ્સ વાપરવામાં આવે છે. આ દરમ્યાન કોઈ ઇન્ફેક્શન થાય તો ઍન્ટિબાયોટિક પણ આપવામાં આવે છે. કોઈ વ્યક્તિઓને ઑક્સિજન પણ આપવાની જરૂર પડે છે. આ સિવાય પલ્મનરી રીહેબિલિટેશન પણ આ રોગમાં અત્યંત ઉપયોગી ઇલાજ છે જેમાં ફિઝિયોથેરપી દ્વારા વ્યક્તિનાં ફેફસાંની શક્તિને વધારવામાં આવે છે.

સ્મોકિંગ છોડવું જરૂરી

જોકે ફક્ત ઇલાજથી વ્યક્તિ બચતી નથી. જરૂરી છે કે COPDપાછળના કારણને હટાવવામાં આવે. જે તબક્કે ખબર પડે કે આ રોગ છે એ તબક્કે જ સ્મોકિંગ છોડી દઈએ કે ચૂલાનો ઉપયોગ કરવાનું છોડી દઈએ તો જીવનને બચાવી શકવાની પૂરી શક્યતા રહે છે. જેમ કે સ્મોકિંગને કારણે આ રોગ થયો છે અને જો એ ખૂબ જ શરૂઆતી તબક્કામાં છે તો સ્મોકિંગ મૂકી દેવાથી અને ઇલાજ ચાલુ રાખવાથી વ્યક્તિના રોગમાં ઘણો મોટો ફરક દેખાઈ શકે છે. પુરવાર થયેલાં સત્યો જાણીએ તો જો ૭૫ વર્ષની ઉંમરે જે વ્યક્તિ સ્મોકિંગ નથી કરતી તેને ઉંમરને કારણે તેનાં ફેફસાંની કાર્યક્ષમતા ૭૫ ટકા જેટલી રહે છે, જેની સાથે એ એક નોર્મલ લાઇફ જીવી શકે છે. એક સ્મોકરની ઉંમર પચાસ વર્ષની હોય અને તેને સ્મોકિંગને કારણે COPDથાય તો ૬૫ વર્ષની ઉંમરે સ્મોકિંગને કારણે તેનાં ફેફસાં ૩૫ ટકા જ કામ કરતાં હોય છે અને પછી પણ તે સ્મોકિંગ ન છોડે તો ૭૨ વર્ષની ઉંમરે તે મરી જાય છે. આ જ વ્યક્તિ જાે પચાસ વર્ષે જ સ્મોકિંગ છોડી દે તો ૮૫ વર્ષ સુધી જીવી શકે છે, જ્યારે તે ૬૦ વર્ષે સ્મોકિંગ છોડી દે તો તે ૭૭ વર્ષ સુધી જીવી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.