Abtak Media Google News

પિતાનું વાત્સલ્ય  અવિસ્મરણીય સ્મરણ

બાળપણમાં એકવાર પિતાજીએ મને સખત શિક્ષા કરી હતી. મારની પીડા તો હું ભૂલી ગયો છું, પણ મારનું કારણ મને આજેય યાદ છે.

એક દિવસ હું નિશાળે જવા માટે ઘરથી નીકળ્યો તો ખરા, પણ નિશાળે ગયો નહી. સાંજ સુધી હું રખડુ છોકરાઓ સાથે જુગાર રમતો રહ્યો. પિતાએ પુસ્તકો ખરીદવા માટે મને પૈસા આપ્યા હતા, તે ઝડપથી વપરાઇ ગયા. હવે મને ચિંતા થઇ કે વધુ પૈસા કયાંથી શી રીતે મેળવવા. મને થયું, કયાંકથી જો થોડાક પૈસા મળી જાય તો હું હારેલા બધા પૈસા પાછા જીતી લઉં.

જે છોકરાઓ સાથે હું રમતો હતો, તેમની પાસે મેં ઉધાર પૈસા માગ્યા, પણ કોઇ મને ઉધાર પૈસા આપવા તૈયાર ન થયું. જુગારીઓમાં એવી માન્યતા છે કે, હારનારાને જે પૈસા આપે તે પોતે હારી જાય છે.

આથી મેં એક યુકિત વિચારી, ગામમાં હું ઘરેઘરે જઇને કહેવા લગ્યો કે કાલે અહીં પહેલવાન આવશે: તેમના માટે પૈસા એકઠા કરવાના છે અને તે કામ મને સોંપાયુ છે.

ઘરે ઘરે ભટકતા કૂતરાને શુ મળે? કાં તો હાડકું, કાં દંડાનો માર. મારી સાથે પણ એવું જ બન્યું. થોડાકે નકાર ભણ્યો તો કોઇ કે થોડા પૈસા આપ્યા. જહા, જેમણે મને પૈસા આપ્યા, તે કદાચ મારા બાપુની આબરૂને ખાતર આપ્યા.

ગામનું ચકકર પૂરું કરી મે પૈસા ગણ્યા. જુગાર ચાલુ રાખવા માટે તે પૂરતા હતા. પણ નસીબની બલિહારી કે એ પૈસા પણ હું ઝડપથી હારી ગયો. આ રમત ભોંય પર ગોઠણધેર ઘસડાઇને રમાતી હતી. આખો દિવસ રમતાં મારું પાટલૂન ફાટી ગયું અને ગોઠણ પર ઉઝરડા પડ્યા.

હું સમયસર ઘરે ન ગયો એટલે મારા ઘરનાં લોકોને મારી ચિંતા થઇ. મારા મોટાભાઇ આખા ગામમાં મને ખોળવા નીકળ્યા. તેમના દ્વારા જાણ થતાં ગામલોકો, જેમની પાસે મેં પહેલવાનો આવવા વિશે ગપ્પું માર્યુ હતું, તે બધા મારે ઘરે આવવા લાગ્યા. બધાંને મારાં કરતૂતોની ખબર પડી ગઇ. મને કાન પકડીને લાવવામાં આવ્યો.

છેવટે મને પિતાજીની અદાલતમાં ઉભો કરવામાં આવ્યો. હું દુનિયામાં સૌથી વધારે ગભરાતો હોઉ તો તેમની આ અદાલતથી જ. પિતાજીએ માથાથી પગ સુધી મને ધ્યાનપૂર્વક જોયો. મારા સુજેલા ગોઠણ પાટલૂનનાં કાણાંમાંથી બહાર દેખાતા હતા.

“આ શું છે? પિતાજીએ ગોઠણ તરફ સંકેત કરતાં શાંતિથી પૂછયું.

“ગોઠણ! મેં પાટલૂનનાં કાણાંને હાથથી સંતાડવાનો પ્રયત્ન કરતાં કહ્યું.

“એ તો હું પણ જાણું છું, પણ તે આટલા સૂજી કેમ ગયા છે? અને આ પાટલૂન કયાં ફાડયું?

હું મારા પાટલૂનને એવી રીતે જોવા લાગ્યો, જાણે મને તે વખતે જ કાણાં દેખાયાં હોય! જૂઠા અને કાયર માણસોની અજબ મનોદશા હોય છે. તેઓ સ્પષ્ટ અને સાચો જવાબ આપવાનું ટાળવા હોય છે.

પિતાજીના અવાજમાં ગુસ્સો ઝલકવા લાગ્યો. કુટુંબના લોકો તેમનો સ્વભાવ જાણતા હતા. આથી તેઓ મારા બચાવ માટે મારી નજીક આવ્યા, પણ પિતાજીએ એ બધાને દૂર હટી જવાનો હાથથી ઇશારો કર્યો અને મને ફરી પૂછયું: ‘તો પાટાલૂન શી રીતે ફાટયું?

“સ્કૂલમાં ફાટી ગયું… ખીલમાં ભરાઇ ગયું હતું…

“ફરી..ફરછ બોલ તો, શી રીતે ફાટયુ.

“ખીલામાં ભરાઇને.

“કયા?

“સ્કૂલમાં.

” કયારે?

“આજે.

પિતાજીનો તમાચો મારા ગાલ પર જોરથી પડ્યો.

“હવે કહે, પાટલૂન શી રીતે ફાટયું?

હું ચુપ રહ્યો. પિતાજીએ બીજા ગાલ પર બીજો તમાચો માર્યો.

” હવે કહે.

હું રડી પડ્યો.

” રડવાનું બંધ કર. પિતાજીએ જોરથી હુકમ કર્યો અને ચાબુક લીધી. મેં રડવાનું બંધ કર્યું કે પિતાજીએ કોરડો વીંઝયો: “હજીય સાચેસાચું નહી કહે તો ચાબુકની મારીશ.

મેં રડતાં હિબકતાં આખા દિવસની મારી બધી વાત તેમને કહી દીધી.

મુકદ્દમાની કારવાઇ ખતમ થઇ ગઇ.

હું ત્રણ દિવસ સુધી ખુબ મૂઝવાયો રહ્યો. ઘર અને શાળાનું જીવન તો રોજની જેમ ચાલતું રહ્યું, પણ મારા મનને ચેન નહોંતુ. હું જાણતો હતો કે હજુ એક વાર પિતાજીનો ભેટો થવાનો છે. એટલું જ નહી, હવે એ માટે હું પોતે ઉત્સુક હતો. તેમને મળવાની રાહ જોતો હતો. આ ત્રણ દિવસ દરમ્યાન પિતાજી મારી સાથે બોલ્યા નહી. મારા માટે આ બહુ આકરી વાત હતી.

ત્રીજે દિવસે મને કહેવામાં આવ્યું કે પિતાજી મને બોલાવે છે. હું ગયો. તેમણે મને પાસે બેસાડયો, મારા માથા પર હાથ ફેરવ્યો અને પછી શાળના અભ્યાસ વિશે પૂછયું. તે પછી અચાનક જ તેમણે પૂછયું: “જાણે છે, તે દિવસે મેં તને શા માટે માર્યો હતો?

“જી જાણું છું.

“જરા મને કહે તો ખરો, શું જાણે છે?

” એટલા માટે કે હું જુગાર રમ્યો હતો.

“ના, એટલા માટે નહી. બાળપણમાં જુગાર કોણ નથી રમતું? હું પણ રમ્યો હતો. અને તારા મોટા ભાઇઓ પણ રમ્યા હતા.

” તો એટલા માટે કે મેં પાટલૂન ફાડયું હતું.

“ના, એ માટે પણ નહી. બાળપણમાં આપણામાંથી કોેણે પાટલૂન કે ખમીસ નથી ફાડયાં? તું કંઇ છોકરી નથી કે નાકની દાંડીએ સીધો આવે જાય.

” તો એટલા માટે કે હું સ્કૂલમાં નહોતો ગયો.

” હા, આ તારી બહુ મોટી ભૂલ હતી, અને એનાથી જ દિવસે બધી મુસીબતો શરૂ થઇ. આ માટે અને આવી રીતે પાટલૂન ફાટવા માટે તથા જુગાર રકવા માટે તને મારવો જોઇતો હતો. પણ આ બધા માટે તો હું તારો કાન આમળત, કંઇ આટલું મારત નહી. મારા દીકરા, મેં તને તું જૂઠું બોલ્યો માટે માર્યો હતો. જૂઠું એ કંઇ ભૂલ કે સંજોગવશાત્ બનતી વાત નથી. એ તો આપણા ચારિત્ર્યનું એક લક્ષણ છે., જે પોતાનાં મૂળ ઊંડાં ઉતારી શકે છે. જૂઠાણું તો તારા આત્માના ખેતરમાં ભયંકર જંગલી થોર છે, તેને વેળાસર ખેંચી કાઢીને ફેફી ન દઇએ તો તે આખા ખેતરમાં ફેલાઇ જાય, અને પછી સારાં બીને ઊગવા માટે કોઇ જગ્યા જ ન મળે. જૂઠથી વધુ ખતરનાક કોઇ બીજી ચીજ આ દુનિયામાં નથી. એનાથી બચવું બહુ મુશ્કેલ છે. તું જો હવે ફરીથી જૂઠું બોલીશ તો હું તને જાનથી મારી નાખીશ.

હવેથી તું માત્ર સાચું જ બોલીશ, સમજ્યો?

“જી

” તો જા.

હું ત્યાંથી તો જતો રહ્યો પણ મનોમન મેં કદી જૂઠું ન બોલવાનો સોગંદ લીધા. વળી હું એ પણ જાણતો હતો કે હું જો ફરી જૂઠું બોલીશ, તો પિતાજી તેમનું બોલ્યું કરી દેખાડશે. ભલેને તે મને ખૂબ ચાહતા હોય, તો પણ તે મને મારી નાખશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.