ઓડ-ઈવનનો બખેડો : એકડા બે દિવસ ખુલ્લા, બગડાને અન્યાય

સરકાર દ્વારા જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી રાજકોટમાં ઓડ ઈવનની અમલવારી ચાલુ જ રહેશે: મેયર બીનાબેન આચાર્ય અને મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલની જાહેરાત

કોરોના વાયરસને વકરતો અટકાવવા માટે ગત ૨૫મી માર્ચથી દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. ગત ૧૯મી મેથી અમલમાં આવેલા ચોથા તબકકાનાં લોકડાઉનમાં રાજય સરકાર દ્વારા ભારે છુટછાટ આપવામાં આવી રહી છે. હાલ રાજયભરમાં મુખ્ય બજારોમાં દુકાનો ખુલ્લી રાખવા માટે ઓડ ઈવનનાં નિયમની અમલવારી ચાલી રહી છે જેમાં બખેડો સર્જાયો હોય તેવું લાગી રહ્યું છે. આવતીકાલે ૩૧મી તારીખ એટલે ઓડ અને ત્યારબાદ સોમવાર ૧લી તારીખ એટલે પણ ઓડ આવે છે જે દુકાન પર એક નંબરનાં સ્ટીકર લાગ્યા બાદ તે ઉપરાઉપર બે દિવસ દુકાન ખુલ્લી રાખી શકશે.

જયારે બગડાવાળા સ્ટીકરવાળી દુકાનો હવે સીધી મંગળવારે જ ખુલશે. આજે બપોરે મેયર બીનાબેન આચાર્ય અને મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા સંયુકતપણે એવી જાહેરાત કરવામાં આવી છે કે, રાજય સરકાર દ્વારા જયાં સુધી અન્ય સુચના આપવામાં ન આવે ત્યાં સુધી રાજકોટમાં ઓડ ઈવનની અમલવારી મુજબ જ દુકાનો ખુલશે.

રાજયમાં ગત ૧૯મી મેથી ચોથા તબકકાનું લોકડાઉન અમલમાં આવ્યું છે જેમાં સરકાર દ્વારા સવારે ૮ થી બપોરનાં ૪ વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાની છુટછાટ આપવામાં આવી છે. મુખ્ય બજારોમાં ઓડ ઈવન સિસ્ટમ મુજબ એક દિવસ દુકાન ખુલ્લી અને બીજા દિવસે દુકાન બંધ રહે છે. આવતીકાલે રવિવારે ૩૧મી તારીખ છે જે ઓડ નંબર આવે છે. જયારે સોમવારે ૧લી તારીખ હોય જે પણ ઓડ નંબર છે.

આવામાં જે દુકાન પર એકડો લાગેલો હશે તે દુકાન બે દિવસ ખુલ્લી રાખી શકાશે કે કેમ ? અને બગડાનાં સ્ટીકરવાળી દુકાન સોમવારે ખુલશે કે મંગળવારે જ ખોલવાની રહેશે તેવી અસમંજસ વેપારીઓમાં ચાલી રહી છે જે સંદર્ભે આજે બપોરે મેયર બીનાબેન આચાર્ય અને મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલે એવી જાહેરાત કરી છે કે, રાજય સરકાર દ્વારા અન્ય કોઈ જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી રાજકોટમાં ઓડ ઈવન સિસ્ટમની અમલવારી ચાલુ રહેશે જે દુકાન પર ૧ નંબરનું સ્ટીકર છે તે દુકાન રવિવારે અને સોમવારે ખુલ્લી રહેશે.

જયારે ૨ નંબરનાં સ્ટીકરવાળી દુકાન હવે મંગળવારે ખોલવાની રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આવતીકાલે ચોથા તબકકાનાં લોકડાઉનનો અંતિમ દિવસ છે. કેન્દ્ર સરકાર દ્વારા આવતીકાલ સાંજ સુધીમાં પાંચમાં તબકકાનાં લોકડાઉન માટે કોઈ જાહેરાત કરવામાં આવશે તો તે મુજબ અમલવારી કરાશે.

Loading...