Abtak Media Google News

લગ્ન બાદ વિદેશમાં જ સ્થાયી થવાના બિનનિવાસી ભારતીયોના પત્નિ પરના દબાણને નાથવા મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની કવાયત

તમામ નોન રેસીડેન્સી ઈન્ડિયન-એનઆરઆઈએ હવે, ફરજીયાતપણે લગ્નોની નોંધણી ૭ દિવસમાં કરાવવી જ પડશે, નહિતર તેઓના વીઝા અને પાસપોર્ટ જારી કરવામાં આવશે નહીં. તેમ મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે જણાવ્યું છે. ગઈકાલે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના મંત્રી મેનકા ગાંધી, ગૃહમંત્રી રાજનાથસિંહ, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને કાયદામંત્રી રવિશંકર પ્રસાદ વચ્ચે એક મહત્વની બેઠક મળી હતી. જેમાં એનઆરઆઈ સાથે લગ્ન કરતી મહિલાઓના પ્રશ્ર્નો હલ કરવા ઉપર ખાસ ચર્ચા થઈ હતી અને નકકી કરાયું હતું કે, સાત દિવસમાં બિનનિવાસી ભારતીયોએ લગ્નોની નોંધણી કરાવવી પડશે.

જણાવી દઈએ કે, આ અગાઉ મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના મંત્રી મેનકા ગાંધીએ નિર્ણય કર્યો હતો કે ૪૮ કલાકમાં એનઆરઈ લોકો લગ્નની નોંધણી કરાવે પરંતુ ત્યારબાદ ગઈકાલની બેઠકમાં મંત્રીઓની ચર્ચા બાદ ફરી આ નિર્ણય લેવાયો છે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર એનઆરઆઈ સાથેના લગ્ન બાદ મહિલાઓ પર કરાતા અત્યાચારને રોકવા આ નિર્ણય લેવાયો છે. કોડ ઓફ ક્રિમીનલ પ્રોસીઝર, મેરેજ એકટ અને પાસપોર્ટ એકટમાં ફેરફારની જરૂર છે તેમ અધિકારીઓએ જણાવ્યું હતું. હાલમાં ભારતમાં લગ્નોની નોંધણી માટે કોઈ સમય મર્યાદા નકકી નથી પરંતુ હવે સાત દિવસમાં નોંધણી કરાવવી પડશે અને જો આ નિયમનું ઉલ્લંઘન કરાશે તો જયાં સુધી નોંધણી નહીં કરાય ત્યાં સુધી દર દિવસે રૂ.૫નો દંડ ભોગવવો પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.