Abtak Media Google News

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન: નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા તમામ શાળાઓને ૧૨ લાખના પુસ્તકોની ભેટ

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ગઈકાલે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે સમિતિની તમામ શાળાઓનાં ૧૯૧ પ્રતિભાશાળી બાળકોને સન્માનીત કરવાનો તેમજ શાળા કક્ષાએ જ્ઞાન સાથે ગમ્મત મળી રહે તેવા પુસ્તકો વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ તકે ખૂબજ મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા હતા અને પોતાના બાળકોના ઉજજવળ ભવિષ્ય માટે શિક્ષણ સમિતિ સાથે એક સૂર મિલાવીને પોતાની કટીબધ્ધતા દર્શાવી હતી.

કાર્યક્રમમાં ઉદઘાટક તરીકે મેયર બિનાબેન આચાર્ય શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા ડે. મેયર અશ્વિનભાઈ મોલીયા, નેતા શાસક પક્ષ દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, શહેર ભાજપ મહામંત્રી અને શિક્ષણ સમિતિ સદસ્ય કિશોરભાઈ રાઠોડ તેમજ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર રહ્યા હતા. કાર્યક્રમનું સ્વાગત પ્રવચન શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર દ્વારા કરવામાં આવ્યું હતુ તેમજ શાસનાધિકારી એસ.બી. ડોડીયા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. આ તકે શિક્ષણ સમિતિ સદસ્ય મુકેશભાઈ મહેતા, અલ્કાબેન કામદાર, કિરણબેન માંકડીયા, જગદીશભાઈ ભોજાણી, ધિરજભાઈ મુંગરા, ભાવેશભાઈ દેથરીયા, ડો. રાજેન્દ્ર ત્રિવેદી અને કાર્યક્રમના મુખ્ય વકતા શૈલેષભાઈ સગપરીયા, તેમજ કટાર લેખક જવલંતભાઈ છાયા સહિતનામહાનુભાવો હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સમગ્ર સંચાલન શિક્ષીકા બહેન પૂર્વીબેન ઠાકરએ કર્યું હતુ.

પ્રસ્તુત કાર્યક્રમ અંતર્ગત સમિતિની શાળાઓનાં ૧૯૧ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને તેની શૈક્ષણીક સિધ્ધિ બદલ બેઝ તેમજ પ્રમાણપત્ર આપી મહેમાનોના હસ્તે સન્માનીત કરાયા હતા જેથી વિદ્યાર્થીઓનાં ઉત્સાહમાં વધારો જોવા મળ્યો હતો. મેયર બીનાબેન આચાર્ય દ્વારા બાળકોને અભ્યાસમાં રૂચી જળવાઈ રહે તે અંગે માર્ગદર્શન પાઠવેલ.

નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ શાળાઓને ૧૨ લાખના પુસ્તકોની ભેટ આપવામાં આવી જે થકી વિદ્યાર્થીઓની શૈક્ષણીક સિધ્ધિનીક સાથોસાથ જ્ઞાનરૂપી ગમ્મત પણ મળી રહે તેવો આશાવાદ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકૂરે વ્યકત કર્યો હતો.

આ તકે સમગ્ર શિક્ષા અભિયાનના પ્રકલ્પ દ્વારા જયારે ધો.૧ થી ૧૨ નું શૈક્ષણીક માળખુ એક તાંતણે બંધાવા જઈ રહ્યું છે.ત્યારે શહેરના ત્રણેય ઝોનના યુ.આર.સી. તેમજ સી.આર.સી. કો.ઓર્ડિનેટર્સ તેમજ સમગ્ર એસ.એસ.એ. ટીમને પોતાની ઉત્કૃષ્ટ કામગીરી બદલ શિલ્ડ અર્પણ કરીને બહુમાન કરવામાં આવ્યું હતુ.

આ અંતર્ગત કાર્યક્રમના મુખ્ય વકતા અને જાણીતા લેખક શૈલેષભાઈ સગપરીયાએ જણાવ્યું હતુ કે, વાલીઓએ બાળકોને વધુને વધુ સમય આપવો સારા સંસ્કારોનું સિંચન કરવું દરેક બાળક ખાસ છે બાળકને કયારેય સામાન્ય ન સમજવું જીવંત દ્રષ્ટાંતો અને ટુંકી વાર્તાઓ દ્વારા વાલીઓ અને બાળકોમાં શિક્ષણનું મહત્વ અને જીવનમાં ઉચ્ચ લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા માટે પ્રેરણા આપી હતી તેમજ માતા પિતાની બાળકો પરત્વેની ભૂમિકા શું હોઈ શકે તે વિશે માર્ગદર્શન આપ્યું હતુ.

આ કાર્યક્રમની સમગ્ર વ્યવસ્થા વિવિધ કમીટી દ્વારા સુપેરે પાર પાડવામાં આવી હતી સમગ્ર ઓફીસ સ્ટાફ, આચાર્ય તેમજશાળા શિક્ષકગણ આ કાર્યક્રને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.