Abtak Media Google News

મોરબી પાલિકા દ્વારા ઠેર – ઠેર જાહેર સૂચના માટેના બોર્ડ લગાવાયા

મારુ મોરબી સ્વચ્છ મોરબી સૂત્ર સાર્થક કરવા તરફ મોરબી પાલિકાએ કદમ ઉઠાવ્યું છે, પાલિકા દ્વારા લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવે તે માટે સ્વૈછીક અપીલની સાથે સાથે હવે સીસીટીવી કેમેરાથી ગંદકી કરનારા પર નજર રાખવા રણનીતિ ઘડી કાઢી અમલ કરવા શહેરભરમાં જાહેર જગ્યાઓ પર ચેતવણી દર્શાવતા બોર્ડ મુકવામાં આવ્યા છે.

મોરબી પાલિકાએ શહેરમાં પ્લાસ્ટિકના ઝભલા, પ્લાસ્ટિકના કપ, અને પ્લાસ્ટિકના પાણીના પાઉચ બંધ કરાવી કડક ચેકીંગ ઝુંબેશ હાથ ધરી છે જેમાં એક કદમ આગળ ઉઠાવી પાલિકા તંત્ર દ્વારા લોકોને સ્વૈચ્છીક રીતે સ્વચ્છતા જાળવવા સમજ આપવાની સાથે હવે શહેરભરમાં ગંદકી ફેલાવતા લોકોને કાબુમાં લેવા સીસીટીવીનો સહારો લીધો છે.

જે અન્વયે મોરબી પાલિકાના ચીફ ઓફિસર દ્વારા નવતર પ્રયોગ હાથ ધરી શહેરમાં જાહેર સ્થળો અને ખાસ કરીને જ્યાં લોકો વધુ પ્રમાણમાં કચરાનો નિકાલ કરતા હોય તેવા સ્થળો ઉપર જાહેર સૂચના દર્શાવતા બોર્ડ લગાવી કચરો નહિ નાખવા તાકીદ કરવામાં આવી છે, આમ છતાં જો કોઈ નાગરિક કચરો નાખશે તો સીસી ટીવી ફુટેજના આધારે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.

આ સંજોગોમાં લોકો પાસેથી સ્વચ્છતાનો આગ્રહ રાખતી પાલિકાએ પોતાના ઘરઆંગણેથી શરૂઆત કરી શહેરમાં કાયમી સફાઈ થાય અને ઉભરાતી ગટરોનો પ્રશ્ન ઉકેલાય તે પણ જોવું પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.