Abtak Media Google News

જનરલ બોર્ડમાં મેયરના આદેશના ઉલાળીયા બાદ સસ્પેન્ડ કરવાની ભલામણથી ફાયર માર્શલો ફફડયા: મેયર અને શહેર ભાજપ પ્રમુખે ખખડાવ્યા

મહાપાલિકામાં ગત શુક્રવારે મળેલી જનરલ બોર્ડની બેઠકમાં સભા અધ્યક્ષ તરીકે મેયર બીનાબેન આચાર્યએ અવાર-નવાર સુચના આપી હોવા છતાં મેયરના આદેશનો ઉલાળીયો કરનાર ફાયર બ્રિગેડના ૪ માર્શલોને સસ્પેન્ડ કરવા મેયરે ભલામણ કર્યા બાદ ફફડી ઉઠેલા ચીફ ફાયર ઓફિસર અને ચારેય માર્શલોએ આજે મેયરની માફી માંગી હતી. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી અને મેયર બીનાબેન આચાર્યએ તમામને એન્ટી ચેમ્બરમાં બોલાવી ખખડાવ્યા હતા અને કડક ભાષામાં એવી તાકીદ કરી હતી કે, જો ભવિષ્યમાં હવે આદેશનો ઉલાળીયો કર્યો તો ઘર ભેગા કરી દેવામાં આવશે.

ગત શુક્રવારે મળેલી જનરલ બોર્ડની બેઠકમાં પ્રેક્ષક ગેલેરીમાં બેઠેલા લોકો કોંગ્રેસના કોર્પોરેટરો સાથે કાગળીયાઓની આપ-લે કરતા હતા ત્યારે મેયર બીનાબેન આચાર્યએ ફિલ્ડ માર્શલને તાત્કાલિક પ્રેક્ષક ગેલેરી બંધ કરી પ્રેક્ષકોને બહાર કાઢવા તાકીદ કરી હતી છતાં માર્શલ તરીકે ફરજ બજાવતા ફિરોજ લુવાણી, કે.એસ.કોલી, અમિત દવે અને જી.જે.ઝાલાએ મેયરના આદેશનો ઉલાળીયો કર્યો હતો જેનાથી ગુસ્સે ભરાયેલા મેયરે તાત્કાલિક અસરથી ફાયર માર્શલ અને એ ડિવીઝન પોલીસ સ્ટાફને સસ્પેન્ડ કરવા ભલામણ કરી હતી દરમિયાન આજે ચીફ ફાયર ઓફિસર બી.જે.ઠેબા ઉપરાંત ચારેય માર્શલોને મેયર તથા શહેર ભાજપ પ્રમુખે રૂબરૂ બોલાવી કડક ઠપકો આપ્યો હતો અને જો ભવિષ્યમાં હવે કયારેય સભા અધ્યક્ષના આદેશનો ઉલાળીયો કર્યો તો ઘર ભેગા કરી દેવામાં આવશે તેવી કડક ભાષામાં તાકીદ કરી હતી.

દરમિયાન આજે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ આજે ચીફ ફાયર ઓફિસર ઉપરાંત ચારેય માર્શલને શો-કોઝ નોટીસ આપી હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ બી ડિવીઝન પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ સહિતના સ્ટાફે જનરલ બોર્ડમાં બનેલી ઘટના અંગે મેયરની મૌખિકમાં માફી માંગી લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.