Abtak Media Google News

ડીએનએ ડેટા બેન્ક ગુનાની તપાસ, અજાણ્યા મૃતદેહોની ઓળખ સહિતની કામગીરી માટે મહત્વની બની રહેશે

ડ્રાફટને કેબીનેટમાં મંજૂરી મળ્યા બાદ પાર્લામેન્ટના ચોમાસું સત્રમાં મુકાશે

ડીએનએ ડેટા પ્રોફાઈલ બનાવવા માટે કેન્દ્ર સરકારે તખ્તો તૈયાર કર્યો છે. આજે સરકાર કેબીનેટમાં આ મામલે બીલ લઈ આવશે. જેમાં ડીએનએના ડેટા લીક કરનારને ત્રણ વર્ષ સુધીના કારાવાસની સજા થઈ શકે તેવી જોગવાઈ છે.

હાલ તો સરકાર ડીએનએ પ્રોફાઈલ, ડીએનએ સેમ્પલ અને રેકોર્ડ માત્ર વ્યક્તિની ઓળખ માટે લેવામાં આવશે તેવો દાવો કરી રહી છે. અલબત આ સુવિધા ખૂબજ મહત્વની રહેશે. ગુનાના ઉકેલ, અજાણ્યા મૃતદેહની ઓળખ તેમજ બળાત્કાર જેવા ગુનામાં તપાસ માટે આવા ડેટા ખૂબજ મહત્વના સાબીત થશે. આ ડ્રાફટને કેબીનેટમાં મંજૂરી મળ્યા બાદ પાર્લામેન્ટના ચોમાસુ સત્રમાં મુકાશે.

ચોમાસુ સત્ર તા.૧૮ જુલાઈી શરૂ થવા જઈ રહ્યું છે. કાયદા મંત્રાલયે ડીએનએ ડેટા માટેનો ડ્રાફટ તાજેતરમાં તૈયાર કર્યો હતો. જેના આધારે ડીએનએ ડેટા બેસ તૈયાર કરવામાં આવશે. પીડીતો, આરોપીઓ, ગુનેગારો, શંકાસ્પદો, ગુમસુદા લોકો અને અજાણ્યા મૃતદેહોની ઓળખ માટે, તપાસ માટે આ પ્રકારનો ડેટાબેસ ખૂબજ મહત્વનો બની રહેશે.

વ્યક્તિનો ડીએનએ ડેટા લીક કરનાર વ્યક્તિને ત્રણ વર્ષ કારાવાસની સજા તેમજ રૂ.૧ લાખના દંડની જોગવાઈ કરવામાં આવી છે. સરકાર ડીએનએ ડેટા લીક કરનાર સામે કડકમાં કડક પગલા લેવા કટીબધ્ધ છે. સરકારે તાજેતરમાં જ વડી અદાલતને ડીએનએ ડેટા બેન્ક મામલે જાણ કરી હતી.

ચીફ જસ્ટીસ દિપક મિશ્રા, જસ્ટીસ એ.એમ.ખાનવીલકર, ડી.વાય.ચંદ્રચુડની ખંડપીઠે એડીશનલ સોલીસીટર જનરલ પીન્કી આનંદની દલીલને ગ્રાહ્ય ગણી હતી. આ મામલે ડીએનએ ડેટા બેન્ક ઉભી કરવા અંગે પીઆઈએલ થઈ હતી. જેમાં હજારો અજાણ્યા મૃતદેહોની ઓળખ માટે દેશમાં ડીએનએ બેન્કની જરૂર હોવાની દલીલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.