હવે ખાવાના પણ ફાંફા: સાપ્તાહિક બજારો શરૂ કરવા મંજૂરી આપો

કોરોનાના પાપે સાત મહિનાથી સાપ્તાહિક બજારો બંધ: બજારોમાં પેટીયુ રળતા ગરીબોના ટોળા કોર્પોરેશન કચેરીએ ધસી આવ્યા: આસિસ્ટન્ટ મેનેજરને રજૂઆત, કમિશનર સાથે વાતચીત કરી બજારો ખુલી કરવાની છુટ આપવાની ખાતરી

વૈશ્ર્વિક મહામારી કોરોનાના કારણે દેશમાં અલગ અલગ ચાર તબક્કામાં બે મહિનાનું લોકડાઉન રહ્યાં બાદ ગત જૂન માસથી અનલોકની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં મોટાભાગના ધંધા-રોજગારો શરૂ થઈ ગયા છે. સોશિયલ ડિસ્ટન્સ જળવાતું ન હોવાના કારણે અનલોક-૫માં પણ મહાપાલિકા દ્વારા શહેરમાં સાપ્તાહિક બજારો શરૂ કરવાની છુટ આપવામાં આવી નથી. જેના કારણે આવી સાપ્તાહિક બજારોમાં સામાન્ય ચીજ-વસ્તુ વેંચી પેટીયુ રળતા ગરીબોની હાલત દિન-પ્રતિદિન દયનીય બની રહી છે. હવે તો ખાવાના પણ ફાંફા પડી રહ્યાં છે. સાપ્તાહિક બજાર શરૂ કરવાની મંજૂરીની માંગણી સાથે ટોળા કોર્પોરેશન કચેરીએ ધસી આવ્યા હતા.

ગત માર્ચ માસમાં ગુજરાતમાં કોરોનાનો પ્રથમ કેસ રાજકોટમાં નોંધાયા બાદ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ વારે ભરાતી સાપ્તાહિક બજારો બંધ કરી દેવામાં આવી છે. અનલોક-૫ની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોવા છતાં સાપ્તાહિક બજારો શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી નથી. દરમિયાન મંજૂરી ન હોવા છતાં અલગ અલગ વિસ્તારમાં બજારો ભરાવા લાગતા પોલીસે અને કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આજે સવારે સાપ્તાહિક બજારોના સામાન્ય વેપારીઓનું મોટુ ટોળુ કોર્પોરેશન કચેરી ખાતે ધસી આવ્યું હતું અને બજારો શરૂ કરવાની માંગ સાથે રજૂઆત કરી હતી. દરમિયાન આસીસ્ટન્ટ મેનેજરે એવી ખાતરી આપી હતી કે, સાપ્તાહિક બજારોમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાતુ ન હોવાના કારણે બજારો શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી નથી. આગામી દિવસોમાં આ અંગે મ્યુનિ.કમિશનર સાથે વાતચીત કર્યા બાદ બજારો શરૂ કરવા માટે યોગ્ય નિર્ણય લેવામાં આવશે.