Abtak Media Google News

કોરોના મહામારીના કારણે લોકો વધુને વધુ વ્યવહારો ડિજિટલ કરવા લાગ્યા છે. વર્ક ફ્રોમ હોમનું ચલણ પણ વધ્યું છે. સુરક્ષા પણ ડિજિટલ થવા લાગી છે ત્યારે માઈક્રોસોફ્ટ દ્વારા ફેમિલી સેફ્ટી એપ્લિકેશન ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

આ એપ્લિકેશન, એન્ડ્રોઇડ અને આઈઓએસ બંને પ્લેટફોર્મ માટે ઉપલબ્ધ છે. ફેમિલી સેફ્ટી એપ્લિકેશનની મદદથી, વપરાશકર્તાઓ કુટુંબનો સ્ક્રીન ટાઇમ મેનેજ કરી શકશે. ખાસ વાત એ છે કે તે પરિવારની ડિજિટલ સલામતીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી આ એપ્લિકેશનમાં યુઝર્સને કેટલાક ફિલ્ટર્સ પણ મળશે. જો તમે ઇચ્છો તો તમે કોઈ સાઇટને બંધ કરી શકો છો. બાળકોની ડિજિટલ એક્ટિવિટીને નિયંત્રિત કરવા આ એપ મહત્વનો ભાગ ભજવશે.

માતાપિતા માત્ર બાળકો માટે સ્ક્રીન ટાઇમ મેનેજ નહીં કરી શકે, પણ બાળકો સ્ક્રીન પર શું જોઇ રહ્યા છે તે પણ જોઈ શકે છે. આટલું જ નહીં, તમારી એપ્લિકેશન પ્રમાણે સ્ક્રીન સમય મર્યાદા પણ વધારી શકાય છે. તેમાં 15 મિનિટ, 1 કલાક, 2 કલાક અને 3 કલાકનો સમય સેટ થઈ શકે છે. તેમાં એક જીપીએસ લોકેશન ટ્રેકર છે જેની મદદથી તમે પરિવારને પણ ટ્રેક કરી શકો છો. કંપનીનું કહેવું છે કે આ એપ ડેટા મેનેજ કરવાની સુવિધા પણ પૂરી પાડે છે. માઈક્રોસોફ્ટ વેબસાઇટ પરની માહિતી અનુસાર, ફેમિલી સેફ્ટી એપ્લિકેશન વપરાશકર્તાઓની ડિજિટલ આદતો સુધારવામાં મદદ કરી શકે છે. તેમાં કન્ટેન્ટ ફિલ્ટર્સનો વિકલ્પ પણ છે. આનો ઉપયોગ કરીને તમે બાળકો માટે કેટલીક સાઇટ્સને ફિલ્ટર કરી શકો છો.

આ એપમાં અપાયેલી અન્ય સુવિધાઓની વાત કરીએ તો યુઝર્સને લોકેશન શેરિંગ, પેરેંટલ કંટ્રોલ અને ફોન મોનિટરિંગની સુવિધા મળશે. કંપનીએ જાહેરાત પણ કરી છે કે ટૂંક સમયમાં ફેમિલી સેફ્ટી એપ્લિકેશનમાં ઘણી નવી સુવિધાઓ ઉમેરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.