હવે પત્નીના પેન્શનમાંથી પણ પુરૂષને ભરણ પોષણ મેળવવાનો હક્ક!!!

છુટા છેડાના કેસોમાં ભરણ પોષણનો ભાર ફક્ત પુરૂષ નહિં પરંતુ સ્ત્રીએ પણ ચુકવવાનો વારો આવે તેવો ઘાટ!

કોઈ પતિ – પત્ની વચ્ચેના સંબંધમાં ખટાશ આવે અને બન્ને લોકો છૂટાછેડાની અરજી મૂકે. કોર્ટ અરજીનો સ્વીકાર કરી છૂટાછેડાને મંજૂરી આપે, બંને લોકો એકબીજાથી અલગ થઈ જાય તો પણ પતિએ ધ હિન્દૂ મેરેજ એકટ ૧૯૫૫ ની જોગવાઈઓ અનુસાર પત્નીને ભરણ પોષણ ખર્ચ દર  મહિને ચૂકવવો પડે તેવી જોગવાઈઓ કરવામાં આવી છે પણ ઉત્તરપ્રદેશની ફેમિલી કોર્ટ દ્વારા અપાયેલા ચુકાદામાં નોંધવામાં આવ્યું છે કે, ફક્ત પતિ નહીં પરંતુ પત્નીએ પણ તેના પેંશનમાંથી પતિને ભરણ પોષણનો ખર્ચ આપવો પડશે.

હાલ સુધી પતિ – પત્ની ઘર કંકાસને કારણે છૂટાછેડા લઈને અથવા લીધા વિના અલગ રહે ત્યારે પતિએ પત્નીને ભરણ પોષણ ખર્ચ સ્વરૂપે નાણાંની ચુકવણી માસિક ધોરણે કરવી પડતી હતી પરંતુ યુપીની ફેમિલી કોર્ટ દ્વારા ઉત્તરપ્રદેશ ખાતે સરકારી નોકરીમાંથી નિવૃત થયેલી મહિલાને હુકમ કરતા કહ્યું છે કે, મહિલાએ તેના દર મહિનાના પેંશનમાંથી તેના પતિને માસિક ભરણ પોષણ ખર્ચ આપવો પડશે.

મામલામાં પુરુષ દ્વારા પિટિશન દાખલ કરવામાં આવી હતી જેને ધ્યાને રાખીને કોર્ટે ચુકાદો આપ્યો છે. પતિ અને પત્ની ઘણા વર્ષોથી અલગ રહે છે. પુરુષે વર્ષ ૨૦૧૩માં ધ હિન્દૂ મેરેજ એકટ, ૧૯૫૫ હેઠળ પિટિશન દાખલ કરી હતી. જેમાં ભરણ પોષણના ખર્ચની માંગણી કરવામાં આવી હતી.

ફેમિલી કોર્ટના ન્યાયમૂર્તિ દ્વારા બુધવારે હુકમ કરવામાં આવ્યો હતો. જેમાં દર મહિને પેંશન સ્વરૂપે રૂ. ૧૨ હજાર મેળવતી મહિલાને દર મહીને તેના પતિને રૂ. ૧ હજાર ભરણ પોષણ ખર્ચ સ્વરૂપે ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો છે.

ઉત્તરપ્રદેશની ફેમિલી કોર્ટનો ચુકાદો આગામી દિવસોમાં યુ ટર્ન સાબિત થઈ શકે છે. હાલ સુધી ભરણ પોષણના કિસ્સામાં મોટાભાગે પુરૂષ દ્વારા જ ભરણ પોષણ સ્વરૂપે મહિલાને રકમની ચુકવણી કરવામાં આવતી હતી. જેના પરિણામે ભરણ પોષણના કાયદાનો ગેરઉપયોગ પણ થઈ રહ્યો હતો પણ હવે આ ચુકાદાને કારણે ભરણ પોષણના કિસ્સાઓમાં ઘટાડો નોંધાય તો પણ નવાઈ નહિ. અગાઉ પોતે નોકરી કરી યોગ્ય વેતન મેળવતી મહિલાઓ પણ તેના આર્થિક ખેંચતાણ અનુભવતા પતિ પાસે ભરણ પોષણની રકમની માંગણી કરતી હતી અને પતિએ ચુકવણી પણ કરવી પડતી હતી પણ હવે બંને પાત્રોની આર્થિક સ્થિતિને ધ્યાને રાખીને નિર્ણય કરવામાં આવે તેવું પણ લાગી રહ્યું છે.