Abtak Media Google News

અત્યાર સુધી પાકિસ્તાન સામે કોઈપણ જાતના રોકાણ ઉપર પ્રતિબંધ હતો કોરોના બાદની સ્થીતિના કારણે વિશ્ર્વને ચીનનો આભળછેટ લાગ્યો છે ત્યારે ચીન સહિતના દેશોના રોકાણકારો ભારતની કંપનીઓ હસ્તગત કરવા ડાયરેકટ-ઈનડાયરેકટ પ્રત્યતનો કરે છે. જેથી ભારતે પાકિસ્તાનની જેમ ચીનને પણ એફડીઆઈમાં નિયંત્રીત રાખયું છે.

તુમ લાખ છુપાઓ જુઠ મગર દુનિયા કો પતા ચલ જાયેગા! કોવિડ-૧૯ રોગચાળાના મામલે વૈશ્વિક મંચ ઉપર હવે ચીનના માથે  માછલા ધોવાવાનું શરૂ થઇ ગયું છે. કારણ કે ૧૭ મી એપ્રિલે ચીને પોતાના મરણાંકમાં અચાનક ૧૨૯૦ જણાનો વધારો દર્શાવીને કુલ મરણાંક ૩૩૪૨ વાળો વધારીને અચાનક ૪૬૩૨ કરી નાખ્યો છે. જ્યારે ચીનમાં સરેરાશ દૈનિક નવા કેસ ૧૦૦ પણ નથી. આ સા્થે ચીને ખુલાસો પણ કર્યો છે કે વુહાનના કુલ મરણાંકમાં આ આંકડો ઉમેરવાનો બાકી રહી ગયો હતો! હવે આવા નિવેદનને વિશ્વની મહાસત્તાઓ સફેદ જૂઠ જ માને ને..! વુહાનનો કોવિડ-૧૯ મરણાંક ખોટો દેખાડીને ચીને વિશ્વને ગેરમાર્ગે દોર્યુ હોવાનો આક્ષેપ ડોનાલ્ડ ટ્રમ્પ જાહેરમાં કરી ચુક્યા છે. ત્યારે વૈશ્વિક દબાણને વશ થઇને ચીને આ સુધારેલા આંકડા જાહેર કર્યા હોય એવું ફલિત થઇ રહ્યું છે. આમેય તે હાલમાં અમેરિકા સહિતના અમુક દેશો ચીને જ આ રોગચાળો ફેલાવ્યો અને સૌને અંધારામાં રાખ્યા હોવાની ચીન વિરોધી લાગણીઓ તૈયાર કરી રહ્યા છે.

બીજીતરફ ચીનમાં સસ્તી મજૂરીની લાલચમાં પ્રોડક્શન શરૂ કરનારી વિશ્વભરની મોટી કંપનીઓએ  હવે ચીનમાં રહેવું કે નહી તેની ચર્ચા શરૂ કરી છે. જાપાનની સરકારે સત્તાવાર જાહેરાત કરીને ૨૪૩.૫ અબજ યેનનું (૨.૨ અબજ ડોલર)  ઇકોનોમિક સપોર્ટ ફંડ બનાવ્યું છે. જે જાપાનીઝ કંપની પોતાના ચીન સ્થિત પ્રોડક્શન પ્લાન્ટ ચીનમાંથી જાપાનમાં કે અન્ય દેશમાં ખસેડવા માગતી હોય તેને આ ફંડ મારફતે સહાય કરવામાં આવશૈ. ખાસ કરીને જે જાપાનમાં પરત ફરવા માગતી હોય અને સ્થાનિક સ્તરે પ્રોડક્શન શરૂ કરવા માગતી હોય તેવી કંપનીઓ માટે ૨૨૦ અબજ યેન જ્યારે જે જાપાનીઝ કંપની જાપાનમાં નહીં પણ ચીન છોડીને વિશ્વમાં અન્ય સ્થળે જવા માગતી હોય તેના માટે ૨૩.૫ અબજ યેનનું ફંડ ફાળવાયું છે. ફેબ્રુઆરી-૨૦માં થયેલા કારોબારનો સર્વે કર્યા બાદ ટોકિયો સોકો રિસર્ચ લિમીટેડે જણાવ્યું છે કે ૨૬૦૦ જેટલી જાપાનીઝ કંપનીઓ માંથી ૩૭ ટકા જેટલી કંપનીઓએ સંકેત આપ્યા હતા કે તેઓ હવે રો મટિરીયલની ખરીદી ચીનના બદલે અન્ય દેશમાં કરવાને પ્રથમ પ્રાધાન્ય આપે છે.

આવી જ રીતે સાઉથ કોરિયાની ઘણી કંપનીઓ ચીનમાંથી પલાયન કરવાની વેતરણમાં છે. POSCO અને હુંડાઇ સ્ટીલ આંધ્રપ્રદેશમાં આવી રહી હોવાના અહેવાલ છે. જો હાલમાં ચીનમાં પ્રોડક્શન ધરાવતી વિદેશી કંપનીઓમાંથી ૨૫ ટકા જેટલી પણ ચીનમાંથી રવાના થાય તો ચીનની કરોડરજ્જુ ભાંગી જાય તેમ છે.

થોડા સમય પહેલા અહેવાલો આવ્યા હતા કે કોવિડ-૧૯ ની મહામારીથી પરેશાન અમેરિકન તથા યુરોપિયન કંપનીઓમાં ચીનની કંપનીઓ રોકાણ કરી રહી છે. ભલે આ અહેવાલોને હજુ આંકડાકીય સમર્થન મળ્યું ન હોય પણ ભારત સરકારે પાણી પહેલા પાળ બાંધીને બે દિવસ પહેલા જ નોટિફિકેશન બહાર પાડ્યું છે કે જે દેશની સરહદ ભારતને અડતી હોય તે દેશની કંપનીને FDI રૂટથી મુડી રોકાણ કરવા માટે પહેલા ભારત સરકારની મંજૂરી લેવી પડશે. અત્રે ખાસ યાદ રાખવું જરૂરી છે કે આ નવા જાહેરનામા પહેલા પણ જો બાંગ્લાદેશ કે પાકિસ્તાનની કોઇ કંપનીને FDI મારફતે ભારતમાં રોકાણ કરવું હોય તો સરકારી પરવાનગી ની જરૂર હતી જ. તો હવે આ નવા જાહેરનામાથી કોને ટાર્ગેટ કરાય છે તે સમજી શકાય છે.

પિપલ્સ બેંક ઓફ ચાઇનાઐ ભારતની HDFC માં હિસ્સો એક ટકા જેટલો વધારી દીધો તે અહેવાલોને હજુ માંડ એકાદ અઠવાડિયું થયું છે. એ વખતે પણ સ્વદેશી જાગરણ મંચે તેનો જોરદાર વિરોધ કર્યો હતો. અને આ સ્વદેશી જાગરણ મંચ RSS ની જ શાખા છૈ તેથી સરકાર અગમચેતીના પગલાં લે તે પણ સ્વાભાવિક છે.

જગતભરમાં અથાગ પ્રયત્નો છતાં કોવિડ-૧૯ ના કેસ હજુ પણ વધી રહ્યા છે. મોતના આંકડા પણ વધી રહ્યા છૈ,  વૈશ્વિક મહાસત્તાઓ હવે માનવને તો બચાવી શકતી નથી ત્યારે ચીનને ટાર્ગેટ કરવાની રણનીતિ શું સંકેત આપે છૈ? કોવિડ-૧૯ જ્યારે જાય ત્યારે પણ પહેલા ચીનને કાઢો..!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.