Abtak Media Google News

ઘણા સમયથી પ્રદૂષણની સમસ્યામાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે તેમાં પણ દિવાળીના તહેવારમાં ફટાકડા ફોડવાથી પ્રદુષણની સમસ્યામાં વ્યાપક વધારો થશે તેમાં કોઈ નવાઈ નથી. વધતી જતી પ્રદુષણની આ ગંભીર સમસ્યાને અટકાવવા કેન્દ્ર સરકાર સહિત દેશની તમામ રાજય સરકારો એક્શનમાં આવી છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે અતિ પ્રદુષણ ધરાવતાં વિસ્તારોમાં ફટાકડાં ફોડવા પર પ્રતિબંધ મૂકવા આદેશ જારી કર્યા છે. જે અનુસંધાને પશ્ચિમ બંગાળ, હરિયાણા, રાજસ્થાન, ઓડીશા અને દિલ્હી બાદ હવે, ઉત્તરપ્રદેશ સરકારે ફટાકડાં ફોડવા પર પ્રતિબંધ મૂક્યો છે. જે રાજયના 13 જીલ્લામાં 30 નવેમ્બર સુધી લાગુ રહેશે.

યુપીના આ તમામ જિલ્લામાં ફટાકડા વેચવા અને ફટાકડા ફોડવામાં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ ઉત્તરપ્રદેશના એવા રાજયોમાં મુકાયો છે કે જયાં પ્રદુષણનું પ્રમાણ ખૂબ વધુ છે. આ રાજ્યોમાં મુઝફુરનગર, આગ્રા, વારાણસી ,મેરઠ, હાપુડ, ગાઝિયાબાદ, કાનપુર, લખનઉ, મુરાદાબાદ,નોયડા, ગ્રેટર નોઇડા,બાગપત, બુલંદ શહેરનો સમાવેશ થાય છ.

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશ અનુસાર આ નિયમ ૧૦ નવેમ્બરથી લઇને ૩૦ નવેમ્બર સુધી લાગુ પાડવામાં આવશે. NGTના આદેશ બાદ ઉત્તર પ્રદેશ ઉપરાંત ઓડીશા,પશ્ચિમ બંગાળ,રાજસ્થાન, દિલ્લી અને કલકત્તામાં પણ હાઇકોર્ટ દ્વારા આદેશ જાહેર કરવામાં આવ્યો છે.

ઉત્તર ભારતની વાત કરીએ તો, રાજધાની દિલ્હીમાં સામાન્ય દિવસોમાં પણ પ્રદુષણનું પ્રમાણ ખૂબ વધુ જોવા મળે છે. આવી પરિસ્થિતિમાં જો ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં ન આવે તો પ્રદૂષણની સમસ્યા અત્યંત ગંભીર બની જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.