‘નોટા’ની નાકાબંધીએ ભાજપને ‘વૈંતણી’ પાર કરતા રોક્યો

NOTA
NOTA

૧૬ બેઠકો એવી છે જયાં ભાજપને ટૂંકી સરસાઈથી પરાજય મળ્યો પરંતુ નોટામાં પડેલા મતનું પ્રમાણ ઘણુ બધુ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર માત્ર દેશ નહીં પરંતુ દુનિયાની નજર હતી. ભાજપ ૧૨૦ બેઠકો આરામથી જીતી જશે તેવા વર્તારા હતા. જો કે, પરિણામો કંઈક અલગ જ આવ્યા છે. ભાજપને ૯૯ બેઠકો મળી છે. ગત વિધાનસભા ચૂંટણીમાં ૧૧૫ બેઠકો ભાજપને મળી હતી. આ વખતે ૧૬ ઘટી છે. ૧૬ બેઠકો પર પરાજય પાછળ કોંગ્રેસ નહીં પરંતુ ‘નોટા’નો વિકલ્પ માનવામાં આવે છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૫ લાખ લોકોએ ભાજપ કે કોંગ્રેસ અથવા અન્યને નહીં પરંતુ નોટાનો વિકલ્પ પસંદ કર્યો હોવાનું સામે આવ્યું છે. આ પાંચ લાખ મતદારો ભાજપની ૧૬ બેઠકો ગુમાવવા પાછળ જવાબદાર છે. ભાજપ કેટલીક બેઠકો પર ટૂંકી સરસાઈથી હારી ગયો છે. જયાં નોટાને લોકોએ વધુ પસંદ કર્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે, છોટા ઉદયપુર મત વિસ્તારમાં ૫૮૭૦ મત નોટામાં પડયા છે. જયાં ભાજપને માત્ર ૧ હજાર મતથી હાર મળી છે. જો નોટામાં મત નાખનાર ૨૦ ટકા લોકો ભાજપને મત આપવાનું વિચારી લે તો છોટા ઉદેપુર ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાનો સરળતાથી વિજય નિશ્ર્ચિત બન્યો હોત.

બીજી તરફ ડાંગમાં નોટાને ૨૧૮૪ વોટ મળ્યા છે અને ભાજપનો માત્ર ૮૦૦ વોટથી પરાજય થયો છે. આ બેઠક પર પણ ભાજપને વિજય મળી જાત. દાસડામાં ભાજપને ૪૦૦૦ વોટથી પરાજય મળ્યો છે. બીજી તરફ નોટામાં ૪૭૯૭ મત પડયા છે. આ બેઠક પર પણ જો લોકોએ નોટાની જગ્યાએ ભાજપનો વિકલ્પ પસંદ કર્યો હોત તો ભાજપની વિજય નિશ્ર્ચિત હતી.

દિયોદરમાં ભાજપની હાર ૧૦૦૦થી ઓછા વોટથી થઈ છે અને નોટામાં ૨૯૮૮ મત પડયા છે. દિયોદર બેઠક પર પણ મતદારોનો રૂખ થોડોક ભાજપ તરફ જોવા મળ્યો હોત તો ભાજપની જીત નિશ્ર્ચિત બની થઈ હોત. ધાનેરા બેઠક પર પણ ભાજપને માત્ર ૨૦૦૦ વોટથી પરાજય મળ્યો છે. જયારે નોટામાં ૨૩૪૧ મત પડયા છે. જામજોધપુરમાં પણ ૩૦૦૦ વોટથી ભાજપને પરાજય મળ્યો છે. બીજી તરફ નોટામાં ૩૨૧૪ વોટ પડયા છે. આ તમામ આંકડા સાબીત કરે છે કે, જો લોકો નોટાને આપેલા મતની જગ્યાએ ભાજપને મત આપત તો ભાજપ ૧૬ બેઠકો પર વિજય બની જાત.

કપરાડામાં ભાજપના ઉમેદવારની માત્ર ૧૭૦ મતથી જ હાર થઈ હતી. જયારે નોટામાં ૩૮૬૮ મત પડયા હતા. આ બેઠક પર ભાજપને ખરેખર જીતવાની સંપૂર્ણ શકયતા બની હતી. માણસા બેઠક પર પણ આવી જ હાલત જોવા મળી હતી. માણસા બેઠકમાં ભાજપનો ૬૦૦ વોટથી પરાજય થયો હતો. જયારે નોટાને ૩૦૦૦ મત મળ્યા હતા. મોડાસા બેઠક પર પણ ભાજપને નોટાની નાકાબંધી નડી ગઈ હતી. મોડાસા બેઠક પર ભાજપના ઉમેદવારની માત્ર ૨૦૦ મતથી જ હાર થઈ હતી. જયારે નોટામાં ૩૫૧૫ મત પડયા હતા.

મોરબી વિધાનસભા બેઠક ઉપર પણ ભાજપને મળેલી હાર માટે જવાબદાર મતની સંખ્યા અને નોટામાં પડેલા મતની સંખ્યા લગભગ એક સરખી જ રહી હતી. મોરવા હદફ મત વિસ્તારમાં ભાજપના મતદારનો ૪૦૦૦ મતથી પરાજય થયો હતો.

બીજી તરફ નોટામાં ૫૦૦૦ મત પડયા હતા. સોજીત્રા વિધાનસભા મત વિસ્તારમાં ભાજપના ઉમેદવારની ૨૦૦૦ મતથી હાર થઈ હતી અને નોટામાં ૩૧૧૨ મત પડયા હતા. આ બેઠક પર પણ ભાજપ નોટામાં પડેલા મતના કારણે હારી ગયો હતો. વાંકાનેરમાં પણ ભાજપને નોટાની નાકાબંધી નડી ગઈ હતી. વાંકાનેરમાં ભાજપના ઉમેદવારનો માત્ર ૧૦૦૦ વોટથી પરાજય થયો છે. જયારે નોટામાં ૩૦૦૦ મત પડયા છે. નોટામાં પડેલા ૩૫ ટકા મત ભાજપને વાંકાનેર બેઠક પર જીત અપાવી શકયા હોત.

બીજી તરફ લુણાવાડાની મતની પેટર્ન જોઈએ તો લુણાવાડામાં ભાજપનો ૪૦૦૦ મતથી પરાજય થયો હતો. જયારે નોટામાં ૩૪૧૯ મત પડયા હતા. આવી કુલ ૧૬ બેઠકો છે જયાં ભાજપને માત્ર ટૂંકી સરસાઈથી પરાજય મળ્યો છે. જેની સામે નોટામાં વધુ મત પડયા છે. આ મત એવા છે જેઓ ભાજપ અને કોંગ્રેસ કે અન્ય કોઈને ચૂંટવા માંગતા નથી. ૫.૫૨ લાખ નોટામાં મત પડયા છે જે દર્શાવે છે કે, થોડીક મહેનત અને લોકોનો વિશ્ર્વાસ ભાજપને અગાઉ વિધાનસભા ચૂંટણીની જેમ જ ફરીથી ૧૧૫ બેઠક આપી શકી હોત.

ભાજપે ગુજરાતમાં સત્તાના સૂત્રો જાળવી રાખ્યા છે. પરંતુ નોટાની નાકાબંધીથી બેઠકોનું પ્રમાણ ઘટયું છે. જો કે, વોટ શેર વધ્યો છે. ૨૦૧૨ની સરખામણીએ ભાજપનો વોટ શેર ૧.૨૫ ટકા વધ્યો છે. જો કે, બેઠકો ૧૬ ઘટી ગઈ છે. જયારે કોંગ્રેસને મળેલા મતદાનના હિસ્સામાં પાછલી ચૂંટરી કરતા ૨.૪૭ ટકા વોટ શેરનો વધારો થયો છે. ગત ચૂંટણીમાં કોંગ્રેસને ૬૧ બેઠકો મળી હતી. જે આંકડો હવે વધીને ૪૭ બેઠકોનો થઈ ગયો છે. આમ બન્ને પક્ષે વોટ શેરમાં વધારો થવા છતાં ભાજપની બેઠક્માં વધારો થયો નથી. જેની પાછળ નોટામાં પડેલા વધુ મત જવાબદાર હોવાનું નિષ્ણાંતોનું માનવું છે.

Loading...