ગુજરાતમાં બેરોજગારી નહીં પણ સક્ષમ રોજગારીનો પ્રશ્ર્ન ઉકેલ માંગે છે,  કામની ખોટ નથી પરંતુ ગમતું મેળવવામાં પડતી મુશ્કેલીને બેરોજગારીમાં ખપાવવી અયોગ્ય

હર હાથને… યોગ્ય કામ આપવાની કુદરતની વ્યવસ્થા ક્યારેય બેકારીનો પ્રશ્ર્ન સર્જાવા દેતી નથી, હા એ વાત અલગ છે કે ગમતું કામ ન મળે તો વૈકલ્પિક રોજગારીથી કામ ચલાવવું પડે પરંતુ વૈકલ્પિક રોજગારીની આ મજબૂરીને બેકારીનું નામ ન અપાય

દેશભરમાં શિક્ષીત બેરોજગારીની સંખ્યામાં ઉત્તરોતર વધારો થતો હોવાના વારંવાર અહેવાલો પ્રગટ થયા કરે છે અને રોજગારીનું ચિત્ર બિહામણું હોય તેવો સીનારીયો રચવામાં આવે છે. તાજેતરમાં જ રાષ્ટ્રીય રોજગાર સર્વેક્ષણ નામના એક અહેવાલમાં બેકારીનો દર ૧૧ ગણો વધી ચૂક્યો છે. આ આંકડાઓ અને વાસ્તવિક સ્થિતિ વચ્ચે જમીન આસમાનનો તફાવત હોય તેવું લાગ્યા વગર રહેતું નથી. બેકારી અને બેરોજગારીની વ્યાખ્યામાં માત્રને માત્ર સરકારી નોકરીઓ અને શિક્ષીત ભણેલ-ગણેલને ગમતું કામ મળી જાય તેના પર આ આંકડા બહાર પાડવામાં આવે છે. દરેક શિક્ષીત યુવાનને તેની લાયકાત મુજબ કામ મળી જાય તો જ તેને રોજગારી મળી એવું લેખાવાય છે. ખરેખર બીએસસી, બીએડ થયેલા યુવાનને વિજ્ઞાનના શિક્ષક તરીકે નોકરી મળે તો જ તે રોજગાર પ્રાપ્ત શિક્ષીત યુવાન ગણાય છે. આ જ બીએસસી, બીએડ યુવાન સરકારી કે સંસ્થાકીય ધોરણે શિક્ષક ન બને અને ઘરનો કોઈ વ્યવસાય કરે તેમાં સધ્ધર પગભર અને આવક રળતા થાય તો તે રોજગાર પ્રાપ્ય ન ગણાય ? શિક્ષીત યુવાન ઘરની ખેતી કે પૈતુક વ્યવસાયમાં કામ મેળવી લે તો પણ તેની રોજગારીની વ્યાખ્યા ખરા અર્થમાં પૂરી થાય છે.

ગુજરાતની જ વાત કરીએ તો ગામ હોય કે શહેર, ખેતી હોય કે ઉદ્યોગ, નાના મોટા તમામ પ્રકારના સ્વાશ્રય ધંધા રોજગારમાં કાયમી ધોરણે કાબેલ કામદારો, કારીગરો અને મેનફોર્સની અછત જ રહે છે. ગુજરાતમાં દરેક હાથને કામ નથી મળતું બેરોજગારીના સાત પ્રકાર અસ્તિત્વમાં છે જેમાં પ્રછન્ન, પ્રભાવિ, શિક્ષીત-દિક્ષીત સહિતના સાત પ્રકારોમાં દરેકને કામ મળી જાય પણ ગમતું કામ ન મળે તો તેને બેરોજગારીમાં ખપાવવામાં આવે છે.  ખરેખર દરેક હાથને કામ પૂરું પાડવાની કુદરતની વ્યવસ્થા છે જ પરંતુ એ વાત અલગ છે કે, દરેક કામને યોગ્ય હાથ નથી મળતા. દરેક ક્ષેત્રમાં સ્કિલ્ડ કામદારોની અછત છે પરંતુ કામ કરવાવાળાની અછત નથી. ગુજરાતમાં બેરોજગારી નહીં પરંતુ સક્ષમ બેરોજગારીનો પ્રશ્ર્ન છે. આ માટે સાધનીક વ્યવસ્થાની સાથે સાથે સામાજિક દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે.

Loading...