સોનું, ચાંદી, રૂપિયા નહીં પરંતુ હવે ‘રોકડીયું’ બની જશે ‘પ્રોપર્ટી કાર્ડ’ !!!

સમગ્ર ભારત વર્ષમાં ‘ન ભુતો ન ભવિષ્ય’, મિલકત અંગેની આકારણી અને વ્યક્તિગત માલિકીનું સમગ્ર રેકોર્ડ ઉભુ કરવાની કવાયત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મિલકત ધારકોને પ્રોપર્ટીકાર્ડ આપવાની યોજનાનું ‘લોન્ચીંગ’

‘જર, જમીન અને જોરૂ, ત્રણેય કજીયાના છોરૂ’ સામાજીક વિવાદોમાં સૌથી વધુ મિલકત સંબંધી વિવાદોના ઉકેલનો પ્રશ્ન હંમેશા દરેક યુગમાં રાજ માટે કાયમી અનિવાર્ય સમસ્યા બનતી રહે છે. વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતમાં વહીવટી ક્ષેત્રે આમુલ પરિવર્તન માટે અનેકવિધ ઘોડે સવાર થઈને એનડીએ સરકારના અશ્વમેઘ યજ્ઞ જેવા વહીવટી સુધારણા ક્ષેત્રે સીમાચિન્હરૂપ ગણી શકાય તેવી એક કાર્યવાહીના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રવિવારે સ્વામીત્વ યોજનાનું લોન્ચીંગ કરીને દેશની તમામ મિલકત ધારકોને પોતાને નામે રહેલી મિલકતોની સંપૂર્ણ વિગતો સાથે પ્રોપર્ટી કાર્ડ આપવાની યોજનાનો પ્રારંભ કરી મહેસુલી ક્ષેત્રે એક નવી વિકાસ ક્રાંતિને લીલી ઝંડી આપી છે. દેશભરના મહેસુલી સર્વેક્ષણ અને નવી માપણી ટેકનોલોજીના આધારે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં માપણી સુધારણા યોજના સ્વામીત્વ યોજના અંતર્ગત ભારતના પરિવર્તન માટે મહત્વના પગલારૂપ આ યોજના અંતર્ગત દરેક મિલકત ધારકોને આધારકાર્ડ સંકલીત યુનિક આઈડી નંબર આધારીત મિલકતના સંપૂર્ણ વિવરણ સાથેનો પ્રત્યેક મિલકત ધારકને પ્રોપટીકાર્ડ આપવાની યોજનાનો સરકારે પાયલોટ પ્રોજેકટ અંતર્ગત ૬ રાજ્યોના ૭૬૩ ગામડાઓના લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

પાયલોટ પ્રોજેકટમાં ઉત્તરપ્રદેશમાં ૩૪૬, હરિયાણાના ૨૨૧, મહારાષ્ટ્રના ૧૦૦, ઉત્તરાખંડના ૫૦, મધ્યપ્રદેશના ૪૪, કર્ણાટકના ૨ ગામડાઓને આ પ્રોજેકટમાં સામેલ કરવામાં આવ્યા હતા. સ્વામીત્વ યોજનાના લોન્ચીંગ વખતે વડાપ્રધાને જણાવ્યું હતું કે, પ્રોપર્ટી કાર્ડ વિકાસના નવા અધ્યાયનું નિમીત બનશે. આ યોજનાનો મુખ્ય હેતુ જમીનનો ડ્રોન દ્વારા સર્વે અને લેન્ડ રેકોર્ડને સુદ્રઢ બનાવી ગ્રામ્ય વિસ્તાર અને સમગ્ર ભારતના ફાજલ વેસ્ટ વિસ્તારને સુરક્ષીત કરવાનો છે. દેશની ૬૦ ટકા વસ્તી ગામડામાં વસે છે. તેમની પાસે પોતાના ઘરના માલીકીના દસ્તાવેજો નથી. અને ખેતીની જમીનના વપરાશની નોંધ નથી. આ લેન્ડ રેકોર્ડ ગ્રામ પંચાયત માટે મહત્વની બની રહેશે. વર્તમાન સમયમાં પ્રોપર્ટી ટેકસ મહેસુલી આવકની સાથે સાથે જે લોકો રીયલ એસ્ટેટ ક્ષેત્રે રોકાણ કરવા માંગે છે તેમને ટાઈટલ ક્લીયર જમીનો મળશે. ૨૦૧૮ના આર્થિક સર્વેમાં જાણવા મળ્યું છે કે, અત્યાર સુધી માત્ર ગામડામાં ૧૯ ટકા જેટલી મિલકતો જ વેરો ભરે છે. એક વખત મિલકતની માલીકીની નોંધ નિશ્ચિત બની જતા મિલકતની કિંમતો નક્કી કરતા પ્રોપર્ટી કાર્ડનો ઉપયોગ લોન લેવા માટે કરી શકાશે અને વધુમાં વધુ રોકાણ કરી શકાશે. આ ઉપરાંત ટાઈટલ ક્લીયર લેન્ડ રેકોર્ડના કારણે માલીકીના હક્કના કાયદાકીય વિવાદના ઉકેલનો પ્રશ્ન પણ પ્રોપર્ટી કાર્ડથી ઉકેલાઈ જશે. ઈતિહાસમાં સૌપ્રથમવાર વિશાળ ફલક પર ટેકનોલોજીનો ઉપયોગ કરીને લાખો ગ્રામ્ય મિલકત ધારકોને લાભ આપનારા પ્રોપર્ટી કાર્ડથી લગભગ દેશના તમામ ગામડાઓને લઈ સમગ્ર દેશમાં લેન્ડ રેકોર્ડ એક જ બટન દબાવ્યે સ્ક્રીન પર આવી જશે.

સમગ્ર દેશના ૬,૨૦,૦૦૦ ગામોમાં આગામી ચાર વર્ષમાં ડ્રોનથી સર્વેક્ષણ કરાવી ઘરભેણીના વિવાદો સહિતની મિલકત સંબંધી માલીકીના વિવાદોની સમસ્યાનો ઉકેલ અને બેંકમાંથી લોન લેતી વખતે પડતી મુશ્કેલી આસાન બનશે. પ્રોપર્ટી કાર્ડથી લોકોની માલીકી સ્પષ્ટ થઈ જતાં બેંકની લોન લેવામાં સરળતા રહેશે. પ્રાયોગીક ધોરણે ૬ રાજ્યના ૭૫૦ ગામોને પ્રોપર્ટી કાર્ડ એનાયત કરવામાં આવ્યા છે. યુનિક આઈડી નંબર, આધારકાર્ડ સંલગ્ન વિશ્વના સૌથી મોટા બાયોમેટ્રીક ઓળખ અંતર્ગત ભારતના લાખો લોકોને પ્રોપર્ટી કાર્ડ પ્રાપ્ત થશે. સરકારની આ મહત્વકાંક્ષી યોજનાથી અત્યાર સુધી લેન્ડ રેકોર્ડના ગોબરા અને લોચાળીયા વહીવટનો અંત આવશે અને ટેકસ વિભાગ તપાસનીશ એજન્સીઓની સાથે સાથે મિલકત વિવાદના ઉકેલ સાથે સંકળાયેલી સંસ્થાનોને પ્રોપર્ટી કાર્ડના માધ્યમથી એક જ બટન દબાવવાથી તમામ વિગતો હાથ આવી જશે. ગ્રામ્ય યુવાનોને પ્રોપર્ટી કાર્ડના આધારે લોન મળી શકશે. પ્રોપર્ટી કાર્ડ સોના ચાંદીના જેમ રોકડીયો વહેવાર બની જશે. પ્રોપર્ટી કાર્ડના આવીસ્કારથી મિલકત સંબંધી રોકાણ કરનારાઓમાં વર્તમાન સમય વ્યાપી રહેલા માલીકી હક્કના ગોટાળાઓનો ભય દૂર થશે અને રીયલ એસ્ટેટમાં રોકાણ વધશે. પ્રોપર્ટી કાર્ડ ખરા અર્થમાં દેશના અર્થતંત્રને નવો વેગ આપશે. સરકારની ટેકસની આવક વધશે અને વહીવટ સુધરી જશે. પ્રોપર્ટી કાર્ડ મહેસુલી વિભાગ માટે અને નાગરિક સામાજીક જીવન અને બેન્કીંગ ક્ષેત્ર માટે ક્રાંતિકારી બની રહેશે.

પ્રોપર્ટી કાર્ડથી લોન સરળ બનશે

અત્યાર સુધી ગ્રામીણ અને કેટલીક વ્યક્તિગત મિલકતો પર લોન લેવામાં ભારે મુશ્કેલી પડતી, હવે પ્રોપર્ટી કાર્ડમાં મિલકતની કિંમત નિશ્ર્ચિત બનતા ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોના યુવાનો માટે મિલકત રોકડીયો વ્યવહાર કરવાનું આસાન માધ્યમ બનશે. યુવાનોને નવા ધંધા-રોજગાર અને પગભર થવા માટે પ્રોપર્ટી કાર્ડ ઉપર સરળતાથી લોન ઉપલબ્ધ થશે.

પ્રોપર્ટી કાર્ડ માત્ર કાગળીયો જ નહીં ‘શ્ર્વેતપત્ર’ બની જશે

પ્રોપર્ટી કાર્ડના આવિષ્કારથી મિલકત અંગેની તમામ વિગતો હાથવગી બની જશે અને તેના આધારે લોન સહાય, મિલકતની આકારણી સરળ બની જતાં પ્રોપર્ટી કાર્ડ ખરા અર્થમાં નાગરિકો અને દેશ માટે શ્ર્વેતપત્ર બની જશે.

મિલકતોની નોંધના રાષ્ટ્રીયકરણથી એક જ બટન  દબાવવાથી વ્યક્તિગત મિલકતોની વિગતઆવી જશે ઓનસ્ક્રીન

‘જર, જમીન અને જોરૂ’ની ઉક્તિ મુજબ મોટાભાગના વિવાદોના મુળ જમીનના માલીકીપણામાં રહેલા હોય છે ત્યારે પ્રોપર્ટી કાર્ડ તમામ મિલકત અને મિલકતધારકોનો ડિજીટલ ડેટા એક જ બટન દબાવવાથી મિલકતોની વિગતો મળી જશે જેનાથી એન્ફોર્સમેન્ટ ડિરેકટર, આયકર વિભાગ અને મહેસુલી વિભાગને તપાસમાં ભારે સરળતા રહેશે.

સરકાર માટે પ્રોપર્ટી કાર્ડ બની જશે કમાઉ દિકરો

પ્રોપર્ટી કાર્ડનો આવિષ્કાર નાગરિકો માટે તો લાભનો લાડવો બની જ રહેવાનો છે. સરકાર માટે પણ કમાઉ દીકરો બની જશે. તમામ મિલકતોની નોંધ તેની સાચી આકારણી અને વ્યક્તિગત કર ભરપાઈની જાહેરાતમાં રાખવામાં આવતી વિસંગતતા સામે આવી જશે અને સરકારની મહેસુલી આવક વધશે.

બેનામી મિલકતોનો એક જ ઝાટકે આવશે ઉકેલ

સરકાર દ્વારા કાળા નાણાના ઉપદ્રવને નાથવાની સાથે સાથે બેનામી મિલકતો સામે શરૂ થનારી ઝુંબેશમાં પ્રોપર્ટી કાર્ડ અસરકારક શસ્ત્ર તરીકે ઉપયોગમાં આવશે. દેશ આખામાં કઈ વ્યક્તિના નામે કઈ મિલકત કેટલા રૂપિયાના મુલ્યની છે તેની વિગતો પ્રોપર્ટી કાર્ડના ડેટામાં સમાવેશ થવાથી બેનામી મિલકતોનો ઉકેલ એક ઝાટકે આવી જશે.

પ્રોપર્ટી કાર્ડ મિલકતની માલિકીના વિવાદના ઉકેલ માટે બની જશે અમોધ શસ્ત્ર

‘જર, જમીન અને જોરૂ’ની ઉક્તિમાં મિલકતોની માલીકીના ગુંચવાળા અને સાચી હકીકત છુપાવી ખોટી રીતે કરવામાં આવતા વહીવટનો યુગ હવે આથમી જશે. પ્રોપર્ટી કાર્ડમાં મિલકતોની આકારણી પરિસ્થિતિ અને માલીકી સંબંધીત તમામ વિગતો હોવાથી મિલકતોનો વિવાદમાં પ્રોપર્ટી કાર્ડ અમોધ શસ્ત્ર બની જશે.

મિલકતોમાં રોકાણ માટેના ભય સ્થાનો દૂર થતાં રીયલ એસ્ટેટમાં વધશે રોકાણ

મિલકતોના રોકાણમાં મોટાપાયે પ્રમોલગેશન એન્ટ્રી રહી જતી ક્ષતિઓની સમસ્યાથી મિલકત ખરીદીમાં સાવચેતી રાખવામાં આવે છે અને કેટલાક ભય સ્થાનોના કારણે રોકાણકારો ફૂંકી-ફૂંકીને છાસ પીતા હોવાથી વહીવટી તરલતામાં તેની અસર થાય છે. હવે પ્રોપર્ટી કાર્ડમાં સ્થિતિ સ્પષ્ટ થઈ જતાં રોકાણકારો માટે જમીન ખરીદી વેંચાણમાં સરળતા રહેશે.

સરકારની મિલકત સંબંધી મથામણનો આવશે કાયમી અંત

મહેસુલી ક્ષેત્રે મિલકતોની આકારણી, માલીકીની વિગતો, કરની ઉઘરાણી, બોજના મુદ્દે સરકારને હંમેશા મથામણ રહે છે. હવે પ્રોપર્ટી કાર્ડમાં સમગ્ર દેશનો લેન્ડ રેકોર્ડ સુદ્રઢ બની જશે ત્યારે સરકારને મિલકત સંબંધી મથામણનો અંત આવી જશે.

પ્રોપર્ટી કાર્ડ રીયલ એસ્ટેટ માટે બની જશે ‘ટ્રમ્પ કાર્ડ’

પ્રોપર્ટી કાર્ડ રીયલ એસ્ટેટના ધંધા માટે ટ્રમ્પ કાર્ડ બની જશે. વહીવટી ગતિશીલતા, તરલતા અને રેકોર્ડનું સ્પષ્ટ ચિત્રના કારણે પ્રોપર્ટી કાર્ડ રીયલ એસ્ટેટ માટે ટ્રમ્પ કાર્ડ બની જશે.

Loading...