Abtak Media Google News

બંધારણમાં નાગરીકોને વિરોધ કરવાનો હકક છે પણ આ વિરોધ અન્ય લોકોના અધિકારનું હનન કરે તે અયોગ્ય: સુપ્રીમ

અંગ્રેજ શાસનમાં થતા હતી તેવી કરતૂતો અત્યારે ન કરવાની પ્રદર્શનકારીઓને ટકોર: શાહિન બાગ મુદ્દે સુપ્રીમનો ચુકાદો

નાગરીક સંશોધન કાનુનના વિરોધમાં દિલ્હીના શાહિન બાગમાં થયેલા પ્રદર્શનનો લઇ સુપ્રીમ કોર્ટ મોટો ફેંસલો સંભળાવ્યો છે. સુપ્રીમે સુનાવણી દરમિયાન જણાવ્યું છે કે, કોઇપણ વ્યકિત કે સમુહ જાહેર જગ્યા પર અનિશ્ર્ચિતકાળ સુધી ધરણાં કરી શકે નહિ વિરોધ પ્રદર્શન દ્વારા સાર્વજનીક સ્થળોને બંધ કરી દેવાએ યોગ્ય નથી. ભારતીય સંવિધાન નાગરીકોને વિરોધ કરવાનો અધિકાર જરુર આપે છે છે પણ બીજાનો હકક છીનવાનો અધિકાર કોઇને આપતું નથી. સુપ્રીમે ટકોર કરતાં કહ્યું કે, અંગ્રેજ શાસનમાં થતી હતી તેવી કરતૂતો અત્યારે કરવી શરમજનક છે.

વિરોધની હોડમાં સાર્વજનીક રસ્તાઓ પર કબ્જો જમાવી અનિશ્ર્ચિતકાળ સુધી બેસી રહેવું અયોગ્ય છે. આમ કરવાથી અનય નાગરીકોનો આવવા-જવાનો રસ્તો બંધ થઇ જાય છે જે તેમના અધિકારનું હનન છે. તેમ કોર્ટે પોતાના આદેશમાં જણાવતાં કહ્યું હતું કે, અધિકારીઓએ આવા પ્રદર્શનકારીઓને સ્થળ પરથી હટાવવા જોઇએ આ માટે કોર્ટના ફેસલાની રાહ ન જોવી જોઇએ.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે નાગરીક સંશોધન કાનુન બીલ પસાર કરતાં દિલ્હીના શાહીન બાગથી લઇ દેશનાં વિભિન્ન ક્ષેત્રો પર વિરોધ વંટોળ ફેલાઇ ગયો હતો. લોકો ઠેર ઠેર રોડ, રસ્તા પર ઉતરી ગયા હતા અને ચકકાજામ કરી ઉગ્ર વિરોધ દાખવ્યો હતો. તેમાંનો એક દિલ્હીનો શાહિન બાગ વિસ્તાર છે જયાં ગત ડિસેમ્બર થી માર્ચ મહિના દરમિયાન ૧૦૦ થી વધુ દિવસ સુધી લોકોએ રસ્તા પર ઉતરી ધરણા કર્યા હતા. જેના કારણે લાંબા સમય સુધી રસ્તો બંધ રહ્યો હતો. જો કે, કોરોના વાયરસના કારણે દિલ્હીમાં ૧૪૪ની કલમ લાગુ હોવાના કારણે પોલીસ કર્મચારીઓએ પ્રદર્શનકારી ઓને ત્યાંથી હટાવ્યા હતા. આ માટે કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જેના અનુસંધાને આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

સુપ્રીમે સુનાવણી દરમિયાન એમ પણ જણાવ્યું છે કે, બંધારણે નાગરીકોને વિરોધ કરવાનો અધિકાર આપેલો છે પણ આ વિરોધ અન્ય લોકોને કનડગત કરે તેમ ન હોવો જોઇએ. વિરોધ કરવો જ છે તો કોઇ નિશ્ર્ચિત ક્ષેત્ર પર જ કરો સમગ્ર રોડ-રસ્તાને બંધ કરી અન્ય લોકોના અવર-જવરના અધિકારને ખલેલ ન પહોચાડી, કોઇ વ્યકિતના આવાગમનના અધિકારને અનિશ્ર્ચિતકાળ સુધી પ્રતિબંધિત કરી શકાય નહિ. સાર્વજ બેઠકો પર પણ રોક લગાવી શકાય નહિ પરંતુ તેને નિશ્ર્ચિત ક્ષેત્ર સુધી સિમિત રાખી વિશેષ નોંધાવવો જોઇએ જેથી અન્ય નાગરીકોના અધિકારોનું હનન ન થાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.