Abtak Media Google News

૩૦ મે સુધીમાં ખોદાણવાળા કામોમાં પાઈપલાઈન પાથરવાનું કામ તેમજ વોટર વર્કસનાં અન્ય કામો સેઈફ સ્ટેજે લઇ જવા એજન્સીઓને સૂચના: રૈયા સ્માર્ટ સિટી એરીયાના ત્રણ તળાવ ઉંડા ઉતારી ૧૦૦૦ મિલિયન લીટર જળસંગ્રહ ક્ષમતા વધાશે: બંછાનિધિ પાની

ગુજરાત રાજ્યના માન મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં સુજલામ સુફલામ જળ અભિયાન ને પુન: વેગવંતુ બનાવી મિશન મોડ માં જળ સંચય કામો હાથ ધરવા ઉચ્ચ સ્તરીય બેઠક માં માર્ગ દર્શન આપ્યું છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ રૈયા સ્માર્ટ સિટી એરીયામાં આવેલા ત્રણ તળાવો ઉંડા ઉતારી તેની જળસંગ્રહ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવાનું જબરદસ્ત આયોજન કરાયું છે તેમ મ્યુનિ. કમિશ્નર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સરકાર “અમૃત”યોજના હેઠળ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વોટર વર્કસના જે કોઈ પ્રોજેક્ટ હાથ પર લેવાયેલા છે તેની કાર્ય પ્રગતિની આજે સમીક્ષા કરવામાં આવી હતી.

મ્યુનિ. કમિશનરએ વિશેષમાં કહ્યું હતું કે, રૈયા સ્માર્ટ સિટી વિસ્તારમાં આવેલા ત્રણ તળાવો આ વર્ષે ઉંડા ઉતારવાનું જે આયોજન કરાયેલીં છે તેનાથી ભવિષ્યમાં આ ત્રણેય તળાવોની કુલ જળસંગ્રહ ક્ષમતામાં નોંધપાત્રવધારો થશે. જેમાં લેઈક નં.૧ માં ૪૩૩ મિલિયન લીટર, લેઈક નં.૨ માં ૨૮૦ મિલિયન લીટર અને લેઈક નં.૩ માં ૨૫૦ મિલિયન લીટર પાણીનો વધુ સંગ્રહ થઇ શકશે.

દરમ્યાન મુખ્યમંત્રીએ રાજ્યમાં લોક સભા ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ આ અભિયાનને વેગ આપવા તેમણે તંત્ર વાહકોને દિશા નિર્દેશ આપ્યા છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા પણ તળાવો ઉંડા ઉતારવાના આયોજનને આખરી ઓપ આપી રહી છે. ગત સાલ રાજકોટ મહાનગરપાલિકાએ રૈયા સ્માર્ટ સિટી એરિયાનું એક તળાવ અને રાંદરડા તળાવ ઉંડા ઉતારવાનું કાર્ય કર્યું હતું.

વિશેષમાં આજે મ્યુનિ. કમિશનર  બંછાનિધિ પાનીના અધ્યક્ષ સ્થાને સંબંધિત તમામ સિટી એન્જીનીયરો અને કોન્ટ્રાક્ટ ધરાવતી એજન્સીઓની એક મહત્વની બેઠક મળી હતી. જેમાં શહેરમાં વિવિધ વોર્ડના જુદા જુદા વિસ્તારોમાં હાલમાં ચાલી રહેલા વોટર વર્કસનાં કામોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં કોઠારિયા અને વાવડી, ચંદ્રેશનગર, જિલ્લા ગાર્ડન, તિરૂપતીનગર, સ્વાતી પાર્ક, નારાયણનગર, જેટકો સર્કલ, રૈયાધાર, નવલનગર, મવડી વગેરેનાં કામો જેવા કે, હેડવર્કસ, ઈ.એસ.આર. તથા જી.એસ.આર., પાણીની પાઈપલાઈનનું નેટવર્ક વગેરેની સમીક્ષાનો સમાવેશ થાય છે.

મ્યુનિ. કમિશનરએ આ બેઠકમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે, કાર્ય કરતી તમામ એજન્સીઓએ ૩૦-મે સુધીમાં તેમના તમામ કામો સેઈફ તબક્કે પહોંચાડી દેવાના રહેશે. ચોમાસા પૂર્વે એટલે કે, ૩૦-મે સુધીમાં રોડ પર પાઈપલાઈન બિછાવવા માટે જે કોઈ રોડનું ખોદાણ કરાયું છે તે પૂર્ણ કરી લેવાનું રહેશે. ૩૦-મે બાદ રોડ ખોદવાની અનુમતિ આપવામાં આવશે નહી. કમિશનર બંછાનિધિ પાનીએ મિટિંગમાં ઉપસ્થિત એજન્સીઓના જે કોઈ પ્રશ્નો હતાં તેનું નિરાકરણ લાવવા માટે પણ સિટી એન્જીનીયરોને સૂચના આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.