Abtak Media Google News

ભારતીય જનતા પાર્ટીની સરકાર પ્રમાણિક્તાથી ચાલી રહી છે, ગેરરીતિમાં જો ભારતીય જનતા પક્ષનો કાર્યકર પણ સંકળાયેલો હશે તો તેની સામે પણ સખત કાર્યવાહી કરવાનો કૃષિમંત્રી આર.સી.ફળદુનો નિર્દેશ

રાજ્ય સરકારે નાફેડને તમામ તબક્કે મદદ કરી છે અને કરવા માટે તૈયાર છે, તેના વડાનું નિવેદન દુર્ભાગ્યપૂર્ણ અને કેન્દ્ર સરકારનું એ બાબતે ધ્યાન દોર્યું છેલતેમ જણાવ્યુ છે કે  રાજ્યના કૃષિ મંત્રીઆર. સી. ફળદુએ આજે સાફ સાફ શબ્દોમાં કહ્યું છે કે, રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતને ધ્યાને રાખી શુદ્ધ હેતુથી ટેકાના ભાવે ખરીદવામાં આવેલી મગફળીમાં કોઇ પણ પ્રકારની ગેરરીતિ ચલાવી લેવામાં નહીં આવે અને પેઢલાના જયઇન્ટરનેશનલના ગોદામમાંથી રહેલા મગફળીના જથ્થામાં ગેરરીતિ મામલે પોલીસ તપાસ કરવામાં આવી રહી છે.

તેમાં કોઇ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. ભારતીય જનતા પાર્ટીની સરકાર પ્રમાણિક્તાથી ચાલી રહી છે. મગફળીની ખરીદીની ગેરરીતિમાં જો ભારતીય જનતા પક્ષનો કાર્યકર પણ સંકળાયેલો હશે તો તેની સામે પણ સખત કાર્યવાહી કરતા ભાજપની સરકાર અચકાશે નહીં.

રાજકોટ ખાતે પત્રકારો સાથે વાતચીતમાં કૃષિમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ખેડૂતો પ્રત્યેની ઉદ્દાત ભાવના હોવાના કારણે ગુજરાતમાં ટેકાના ભાવથી મગફળી ઉપરાંત તૂવેર, ચણા, રાયડા જેવી જણસીની જંગી પ્રમાણમાં ખરીદી કરવામાં આવી છે.

આ ખરીદી માટે નાફેડને નોડેલ એજન્સી નિયુક્ત કરવામાં આવી હતી. જ્યારે, નિયમોનુસાર રાજ્ય સરકારની એજન્સી ગુજકોટે પણ તેમના હિસ્સામાં આવતી મગફળીની ખરીદી કરી હતી. રાજ્યમાંથી કૂલ ૧૦ લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવામાં આવી છે. આ પૈકી સાડા ચાર લાખ ટન મગફળીનું વેપારીઓને વેચાણ થઇ ગયું છે. જેમાં કોઇ પણ પ્રકારની ફરિયાદ આવી નથી.

પેઢલા ખાતે સંગ્રહિત મગફળીના જથ્થામાં માટી અને પથ્થરો હોવાની ફરિયાદ મળતાની સાથે જ રાજ્ય સરકાર દ્વારા તપાસના આદેશ આપી દેવામાં આવ્યા હતા અને પોલીસ ફરિયાદ નોંધવવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં ૩ વ્યક્તિની ધરપકડ થઇ ગઇ છે.

જ્યારે, રેન્જ આઇજી અને રાજકોટ જિલ્લા પોલીસ વડાના નિરીક્ષણ હેઠળ આ બાબતની તપાસ ચાલું છે. આ ગેરરીતિ મામલે કોઇ પણને છોડવામાં નહીં આવે અને તે ભાજપનો કાર્યકર પણ હોય તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની આગેવાની હેઠળની ભાજપની સરકાર ભ્રષ્ટાચાર સામે સખત કાર્યવાહી કરી રહી છે.

આ મામલે જ્યારે તપાસ ચાલી રહી છે, ત્યારે મગરના આંસુ સારતા કોંગ્રેસના નેતાઓને સળસણતો સવાલ કરતા મંત્રી ફળદુએ કહ્યું કે, કાેંગ્રેસના શાસનમાં ક્યાંરેય ખેડૂતોના હિતોને પ્રાધાન્ય આપવામાં આવ્યું નથી. પશુઓના ઘાસને પણ કોંગ્રેસના શાસનમાં છોડવામાં આવ્યું નથી.

તેમણે એમ પણ કહ્યું કે, નાફેડ જેવી જવાબદાર સંસ્થાના વડાના નિવેદનો દુર્ભાગ્યપૂર્ણ છે. તેમના માધ્યમથી મગફળીની ખરીદી કરવામાં આવી છે. ત્યારે, તેમની આવી નીતિ-રીતિ અંગે કેન્દ્ર સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું છે. નાફેડ પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં. રાજ્ય સરકારે નાફેડને તમામ તબક્કે મદદ કરી છે અને કરવા માટે તૈયાર છે.

આ પત્રકાર પરિષદમાં પ્રદેશ ભાજપ પ્રવક્તા રાજુભાઇ ધ્રુવ, ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી તથા અગ્રણી નીતિન ભારદ્વાજ અને ચેતનભાઇ રામાણી ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.