Abtak Media Google News

જેન્ટલમેન ગેમની સાથોસાથ ઈકોનોમી જનરેટ કરવા માટેની રમત બની છે ક્રિકેટ 

વૈશ્ર્વિક મહામારીનાં પગલે જે લોકડાઉન નજરે પડયું હતું તેનાથી અનેકવિધ ક્ષેત્રને તેની માઠી અસરનો સામનો કરવો પડયો હતો. આ સમયગાળા દરમિયાન ક્રિકેટ રમત પણ બાકાત રહી નથી. ચાલુ વર્ષે આઈપીએલ, ટી-૨૦ વર્લ્ડકપ આ તમામ ટુર્નામેન્ટો કોરોનાનાં કારણે મુલત્વી રાખવામાં આવી છે ત્યારે આગામી ૧૮ ઓકટોબરથી ૧૫ નવેમ્બર દરમિયાન ઓસ્ટ્રેલિયા ખાતે ટી-૨૦ વિશ્ર્વકપનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે વેસ્ટઈન્ડિઝનાં પૂર્વ ફાસ્ટ બોલર માઈકલ હોલ્ડીંગે જણાવતા કહ્યું હતું કે, ઓસ્ટ્રેલિયામાં જો ટી-૨૦ વિશ્ર્વકપ મોકુફ રખાય તો ભારત ઓકટોબરથી નવેમ્બર માસ દરમિયાન આઈપીએલનું આયોજન કરી શકવા સક્ષમ છે. બીજી તરફ હાલ દરેક રમતને આર્થિક રીતે અનેકઅંશે ફટકો પડયો છે અને ઘણી ખરી રમતોની આર્થિક સ્થિતિ પણ અત્યંત કફોડી બની છે.

ક્રિકેટની જયારે વાત કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ સહિતનાં બોર્ડો આર્થિક ખેંચતાણનો સામનો કરી રહ્યા છે ત્યારે ઓસ્ટ્રેલિયા દ્વારા જે ઈન્ડિયા સામેની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૩૦૦ કરોડ રૂપિયાની ખાધ પુરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હોવાનું પણ સામે આવ્યું છે.

વિશ્ર્વની અનેકવિધ રમતોમાં ક્રિકેટ એકમાત્ર એવી રમત છે કે જે સૌથી વધુ રૂપિયા ઉસેડે છે સાથોસાથ ઈકોનોમીને જનરેટ કરવા માટે પણ આઈપીએલ પ્રચલિત બન્યું છે. ક્રિકેટ જેન્ટલમેન રમત તરીકે પ્રસ્થાપિત થઈ હતી પરંતુ આજ જેન્ટલમેન ગેમ વ્યવસાય બની ગયો છે.

લોકોને દર વર્ષે આઈપીએલ રમાવવામાં અત્યંત આનંદ આવતો હોય છે પરંતુ તેની સાથોસાથ ઈકોનોમી પણ એજ અંશે વધુ વિકસિત પણ થતી હોય છે. હાલનાં સમયમાં ભારતની જે આર્થિક પરિસ્થિતિ નબળી થઈ છે તેને મજબુત બનાવવા આઈપીએલ અત્યંત કારગત નિવડશે. બીજી તરફ ઓસ્ટ્રેલિયા સરકાર દ્વારા અન્ય મુલાકાતીઓને આ સમયગાળા દરમિયાન એટલે કે ઓકટોબરથી નવેમ્બર માસ દરમિયાન આવવા ન દેવા પણ જણાવ્યું છે જેથી પ્રશ્ર્ન એ ઉદભવિત થાય છે કે શું ઓસ્ટ્રેલિયા ખાતે યોજાનાર ટી-૨૦ રમાશે કે કેમ ? બીજી તરફ કોરોના બાદ આઈસીસી દ્વારા બોલ ઉપર થુંક ન લગાડવા જે તાકિદ કરવામાં આવી છે તેનાથી બોલરોને પણ ઘણી તકલીફ પડશે. કારણકે જે બોલર બોલને ચમકાવવા માંગતો હોય તો થુંકનો ઉપયોગ કરવો અનિવાર્ય છે પરંતુ આ પરિસ્થિતિમાંથી પણ બોલરો થોડા સમયમાં બહાર આવી જશે.

બીજી તરફ પ્રશ્ર્ન એ પણ ઉદભવિત થયો છે કે, શું આઈસીસી ૫૦ ઓવરની રમત ઉપર પ્રતિબંધ મુકશે કે કેમ ? તેના પ્રતિઉતરમાં વેસ્ટ ઇન્ડિઝનાં ભૂતપૂર્વ ફાસ્ટ બોલર માઈકલ હોલ્ડીંગે જણાવ્યું હતું કે, આઈસીસી માટે ૫૦ ઓવરની રમત આવક વધારવા માટે અત્યંત કારગત નિવડતી હોય છે જેમાં સૌથી વધુ ટીવીને મળતા રાઈટસ ઉપરથી આવક પણ થતી હોય છે જો આઈસીસી ૨૦ ઓવરની ટુર્નામેન્ટ ઉપર વધુ પ્રાધાન્ય આપશે તો આવકમાં પણ તેજ પ્રકારનો ઘટાડો જોવા મળશે જેથી એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે, અન્ય રમતોની સરખામણીમાં ક્રિકેટ એકમાત્ર એવી રમત છે કે જેમાં નાણા સૌથી વધુ પ્રમાણમાં કમાવી શકાય છે અને અર્થવ્યવસ્થાને પણ મજબુત કરી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.