Abtak Media Google News

કોરોનાના વધતા જતા કેસને લીધે કલેકટર રેમ્યા મોહન આકરા પાણીએ: કફર્યુ દરમિયાન તમામ પ્રાંત અને મામલતદારોને પોતાના વિસ્તારમાં પોલીસ સહિતના વિવિધ વિભાગોને સાથે રાખીને સઘન પેટ્રોલિંગ કરવાની સૂચના

કોરોનાના વધતા જતા કેસોને લીધે જિલ્લા કલેકટર રેમ્યા મોહને તમામ પ્રાંત અને મામલતદારોને પેટ્રોલીંગ કરવાના આદેશ આપ્યા છે. જેથી હવે રાત્રે ૧૦થી સવારે ૫ સુધી કરફ્યુ દરમિયાન કામ વગર લપાતા છુપાતા બહાર નિકળનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવનાર છે.

જિલ્લામાં દિન પ્રતિદિન કોરોનાના કેસો વધી રહ્યા છે. ત્યારે આ કેસોનો વધારાનો જે દર છે તેને ઘટાડવા માટે જિલ્લા કલેકટર તંત્ર છેલ્લા ઘણા સમયથી કમર કસી રહ્યું છે. જે સંદર્ભે જિલ્લા કલેકટર રેમ્યા મોહને આજે તમામ પ્રાંત અધિકારીઓ અને મામલતદારોને પેટ્રોલીંગના કડક આદેશ કર્યા છે. જિલ્લા કલેકટરની સૂચના મુજબ હવે પ્રાંત અધિકારીઓ અને મામલતદારો પોતાના વિસ્તારમાં પોલીસ વિભાગ તેમજ અન્ય સરકારી વિભાગોને સાથે રાખીને સઘન પેટ્રોલીંગ કરશે.

કરફ્યુ દરમિયાન કામ વગર બહાર નીકળતા લોકોને આ ટિમ દ્વારા પકડી પાડવામાં આવશે અને નિયમ મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ઘણા લોકો હજુ પણ મહામારીની ગંભીરતાને ધ્યાને ન લેતા હોય અને કરફ્યુના સમયગાળામાં પણ બહાર લટાર મારતા હોય આવા લોકો સામે તંત્ર આકરી કાર્યવાહીના મૂડમાં છે.  જિલ્લા કલેકટરના પેટ્રોલીંગના આદેશથી હવે રાત્રે ૧૦થી સવારે ૫ વાગ્યા દરમિયાન બહાર નીકળનારાઓની ખેર નહિ રહે. આવા લોકોને રેવન્યુ અને પોલીસ તંત્ર બન્ને મળીને પકડી પાડશે અને તેઓની સામે કડક કાર્યવાહી હાથ ધરશે.

તંત્ર એલર્ટ મોડ ઉપર : કોરોનાની સ્થિતિને પહોંચી વળવા ૩૩ ખાનગી તબીબોની હંગામી ભરતી

હાલ જિલ્લામાં કોરોનાના કેસોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. જેને ધ્યાને લઈને જિલ્લા કલેકટરના આદેશ અનુસાર જિલ્લામાં ૩૩ ખાનગી તબીબોની હંગામી ધોરણે ભરતી કરવામાં આવશે. આ તબીબોને ટ્રેનિંગ આપ્યા બાદ ફિલ્ડમાં ઉતારવામાં આવનાર છે. આ તબીબોને હાલ પ્રાથમિક તબક્કે ધન્વંતરિ રથની કામગીરી સોંપવા તેમજ તાલુકા મથકો ઉપરની જવાબદારી સોંપવાની વિચારણા ચાલી રહી હોવાનું જિલ્લા કલેકટર દ્વારા જણાવાયું છે.

વધુ ૪ ખાનગી હોસ્પિટલોને કોવિડ-૧૯માં સમાવાશે

જિલ્લામાં કોરનાના દર્દીઓની વધતી જતી સંખ્યા સામે તંત્ર તમામ રીતે સજ્જ થઈ રહ્યું છે. હાલ જિલ્લા મથકે સિનર્જી, ક્રાઇસ્ટ અને પરમ એમ ત્રણ ખાનગી હોસ્પિટલ  કોવિડ-૧૯ હોસ્પિટલ તરીકે કાર્યરત છે. હાલ કલેકટર તંત્ર દ્વારા તમામ મોટી ખાનગી હોસ્પિટલો સાથે આ મામલે વાતચીત ચાલી રહી છે. જેમાં ચાર હોસ્પિટલ કોવિડ-૧૯માં સમાવવાની પ્રક્રિયા અંતિમ ચરણમાં હોય ટૂંક સમયમાં જ જિલ્લા મથકે ખાનગી કોવિડ-૧૯ હોસ્પિટલની સંખ્યા ૭ થઈ જવાની છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.