Abtak Media Google News

આંખના ૨૪૧ દર્દીઓનું વિનામૂલ્યે ચેકઅપ કરાયું: ૩૨ દાતાઓએ બ્લડ ડોનેશન કર્યર્યું

માનવ સેવા સમિતિ નિર્મિત એલ.પી.બદીયાણી હોસ્પિટલ, ડો.હંસાબેન રામજી ભાયાણી હોસ્પિટલ દ્વારકા તથા શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટ આયોજીત અને દાતા સ્વ.હંસાબેન રામજી ભાયાણી તથા ભાયાણી પરીવાર ઈંગ્લેન્ડના આર્થિક સહયોગથી (હસ્તે: મનહરભાઈ ભાયાણી અને પ્રફુલભાઈ નથવાણી ઈંગ્લેન્ડ) અને એલ.પી.બદીયાણી જનરલ હોસ્પિટલ જામખંભાળીયાના ડોકટર અને તેની ટીમ દ્વારા વિનામૂલ્યે નેત્રયજ્ઞ, દંતયજ્ઞ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં મહાનુભાવો ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવેલ. જેમાં શ્રી દ્વારકાદાસભાઈ (મોટાભાઈ) રાયચુરા-પ્રમુખ બારાડી લોહાણા મહાજન, મનસુખભાઈ બારાઈ (પ્રમુખ ઓખા લોહાણા મહાજન, પરેશભાઈ ઝાખરીયા (ઉપપ્રમુખ દ્વારકા નગરપાલિકા), ધીરેનભાઈ બદીયાણી (પ્રમુખ માનવ સેવા સમિતિ ખંભાળીયા) વગેરે મહાનુભાવો હાજર રહ્યા હતા. આંખના કેમ્પમાં કુલ ૨૪૧ દર્દીઓનું વિનામૂલ્યે ચેકઅપ કરવામાં આવ્યું હતું તથા જરૂરીયાત મુજબ દવા, ટીપા અને મલમ આપવામાં આવ્યા હતા.

તેમજ કુલ ૨૫ દર્દીઓના વિનામૂલ્યે કોલ્ડફેકો મશીન દ્વારા ફોરડેબલ નેત્રમણી સાથેના ઓપરેશન એલ.પી.બદીયાણી જનરલ હોસ્પિટલ જામખંભાળીયા ખાતે કરવામાં આવ્યા હતા. ઓપરેશન બાદ વિનામૂલ્યે દવા, ટીપા, મલમ અને ચશ્મા પણ આપવામાં આવ્યા હતા.

દ્વારકાથી જામખંભાળીયા આવવા-જવા માટે વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા તથા રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. દાંતના કેમ્પમાં કુલ ૧૦૨ દર્દીઓનું વિનામૂલ્યે ચેકઅપ કરવામાં આવ્યું હતું તથા જરૂરીયાત મુજબ વિનામૂલ્યે દવા, મલમ, માઉથવોશ, ટૂથબ્રશ, ટુથપેસ્ટ અને માઉથ જેલ આપવામાં આવ્યા હતા.

તેમજ કુલ ૩૩ દદીઓને વિનામૂલ્યે સારવાર એલ.પી.બદીયાણી જનરલ હોસ્પિટલ જામખંભાળીયા ખાતે આપવામાં આવી હતી. જેમાં સિંગલ સીટીંગ મુળિયાની સારવાર, દાંતના મેટલના કવર, બત્રીસી, દાંતમાં સિમેન્ટ ભરવાની સારવાર અને દાંતની સાફ સફાઈ કરવામાં આવી હતી.

બ્લડ ડોનેશન કેમ્પમાં કુલ ૩૨ દાતાઓએ બ્લડ ડોનેશન કર્યું હતું અને દાતાશ્રી પરીવાર દ્વારા બધા જ બ્લડ ડોનેશન દાતાઓને સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી. આ કેમ્પમાં દાતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. તેમજ આ કેમ્પને સફળ બનાવવા ઈશ્વરભાઈ ઝાખરીયા, હિરેનભાઈ ઝાખરીયા, અશ્ર્વિનભાઈ ગોકાણી, મિલનભાઈ ભોગાઈતા વગેરે કાર્યકરોએ જહેમત ઉઠાવેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.