Abtak Media Google News

રાજનીતિ પણ રૂપલલનાની માફક અનેકપો ધારણ કરે છે

“રાજ્યમાં એટલા બધા મંત્રીઓ હતા કે ઉદ્ઘાટન કરવાનું કાંઈ બાકી નહીં રહેતા હવે

દુકાનો અને શોપિંગ સેન્ટરોના પણ ઉદ્ઘાટનો મંત્રીજી કરવા લાગ્યા હતા

સત્તા પરિવર્તન-ચૂંટણી

તે સમયના રાજકીય માહોલ અને રાજય સરકાર અને બે મુખ્ય રાજકીય પક્ષો અંગે આ અગાઉના પ્રકરણો નં.૮૮ પોરબંદર અને નં. ૯૫ સ્ફોટક એક્ષ્પ્લોજીવમા જણાવ્યા પ્રમાણે તે વખતે ગઈ છેલ્લી ચૂંટણીમાં રાજયની જનતાએ પ્રજાપક્ષ અને રાષ્ટ્રવાદી પાર્ટીના સંયુકત જોડાણને ચૂંટીને બહુમતી આપી હતી પરંતુ અમુક વ્યકિત લક્ષી અને ખોખલી બીન સાંપ્રદાયીકતાના મહોરા વાળા રાજકારણીના હિસાબે આ રાજકીય શંભુ મેળો લાંબો ચાલ્યો નહિ અને ગુજરાતનાં મુખ્યમંત્રી કે જેઓ પ્રજાપક્ષના હતા.

તેમણે જ રાષ્ટ્રવાદી પાર્ટીથી છૂટાછેડા લઈને બીજી રાષ્ટ્રીય પાર્ટી સાથે ઘરઘરણુ કે નાત‚ કર્યું હતુ. અને થોડા સમય પછી આ પ્રજા પક્ષ જ રાષ્ટ્રીય પાર્ટીમાં સમુળગો ભળી ગયો હતો અને મુળ પ્રજા પક્ષના જે મુખ્યમંત્રી હતા તેમનું આકસ્મીક અવસાન થતા રાષ્ટ્રીય પાર્ટીના સૌથી વયોવૃધ્ધ વિધાયકને મુખ્યમંત્રી બનાવેલા. પરંતુ આ થુંકના થીંગડા જેવા જોડાણ અને મન મેળ વગરનાં કજોડાની જેમ સરકારની ગાડી રગસ ગાડાની માફક ચાલ્યે જતી હતી આ રગસ ગાડુ ચલાવવા માટે ગુજરાત રાજયના ઈતિહાસમાં સૌથી મોટુ જંબો પ્રધાન મંડળરચાયું જેમાં સત્તાધારી પાર્ટીનો દર ત્રીજા વિધાયક મીનીસ્ટર હતા.

રાજયની જનતા આ રાજકીય ભવાઈ કે મદારી વેડાથી કંટાળી ગઈ હતી એટલા બધા પ્રધાનોહતા કે હવે ઉદઘાટન કરવાનું કાંઈ બાકી નહતુ કોઈ દુકાન કે શોપીંગ સેન્ટરના ઉદઘાટનો પણ મંત્રીજીકરવા લાગ્યા હતા કાંઈક તો કામ બતાવવું ને? લોકોમાં પ્રસિધ્ધી માટે અને પોતાનો ઈગો સંતોષવા આ પ્રધાનોમાં વિવિધ માનસિકતા વાળી ખોપડીઓ પણ હતી કે જેના વર્તન વાણીથી જનતાને હંસવુ તો આવતું હતુ પણ કેટલીક વખત શરમ પણ અનુભવતા હતા. રાજકારણીઓના આવા આછકલાઈ ભર્યા વર્તનની તો પત્રકારો ખાસ નોંધ લેતા જ હોય છે.એક વખત તે સમયે છાપામાં સમાચારો પ્રસિધ્ધ થયેલા કે ગોધરા બાજુ એક સરકીટ હાઉસના રૂમમાંથી એક મહિલા નીકળીને દોડતી નાસેલી તો તે ‚મમાંથી રાષ્ટ્રીય પાર્ટીના એક વયોવૃધ્ધ નિરીક્ષક પણ દોડતા નીકળેલા પરંતુ દિગંબર અવસ્થામાં પેલી સ્ત્રીને પકડવા દોડતા આ સમાચારે તો રાજયમાં તે સમયે ખુબજ ચકચાર મચાવેલી અને જનતાએઆવા રાજકારણ ઉપર ફીટકાર વરદસાવેલો આમ તે સમયે ‘અંધેરી નગરી અને ગંડુ રાજા’ની સરકાર જેવો જ માહોલ હતો.

તે સમયે અમરેલી જિલ્લાના એક મીનીસ્ટરને તો એવી આદત હતી કે તેમની મોટરકારનું પાયલોટીંગ કરતી પોલીસની કારે તો જયારથી પાયલોટીંગ સંભાળે ત્યારે તેમના તાલુકાની હદ શરૂ થાય અને જે પણ ગામડાઓ બજારો રસ્તામાં આવે ત્યાં વચ્ચે કોઈ અડચણ કે અવરોધ નહોય ટ્રાફીક જામ ન હોય રોડ ખાલી પડયા હોયતોપણ પોલીસે સતત સાયરન વગાડયે જ રાખવાની કેમકે તેથી જનતાને ખબર પડેકે ફલાણા ફલાણા મહાનુભાવ મહારાજાની સવારી પધારી રહી છે ! અમુક લોકો તો મશ્કરીમાં કહેતા કે જાતી જીંદગીએ ફૂલેકા ફેરવે છે.

તે સમયે ચલાળા પોલીસ સ્ટેશનમાં એક ફોજદાર ઝાલા હતા તેઓ સિંહ જેવી પર્સનાલીટી સ્પષ્ટ વકતા અને ‘શોલે’ પીકચરના પોલીસ અધિકારી એકટર સંજીવકુમાર જેવો જ દેકાવ ધરાવતા અધિકારી હતા. તેઓ બદલીથી ડરતા ન હતા. અને ખાતાના નિયમો વિ‚ધ્ધ કોઈ કાર્યવાહી કરતા નહિ જેથી તેઓ આ મીનીસ્ટરના કહેવા છતા બીન જ‚રી રીતે ગામડે ગામડે સાયરનો વગાડતા નહિ આથી મંત્રી ખૂબ ગુસ્સે થતા પણ સિંહને કોણ તેની ખામી કહેવા જાય? ઝાલાને એકાદ વખત કહેલું તો ઝાલાએ કહેલુ કે નિયમ મુજબ થાય આથી મીનીસ્ટરે પોલીસ વડાને જ કહી દીધેલું કે આ ફોજદારને તેના પાયલોટીંગમાં મોકલવો નહિ પરંતુ એક વખત બંદોબસ્ત અને શનિ રવિમાં તો ગામડે ગામડે મીનીસ્ટરો નીકળી પડતા તેથી દરેકને પાયલોટીંગના કારણસર ફોજદારની કમીને કારણે પરાણે આ મીનીસ્ટરનું પાયલોટીંગ ફોજદાર ઝાલાને જ સોંપાયું  તે દિવસે વરસાદ પડેલો તેથી રસ્તામાં આવતા કોઝવે પુલ ઉપર નદીના પૂરના પાણી ચડી ગયા હતા. આથી ઝાલાએ તેની પાયલોટીંગ જીપ્સી નદીને કાંઠે જ ઉભી રાખી દીધી મીનીસ્ટરે કમાન્ડો મારફતે ફોજદાર ને કહેવરાવ્યું કે જલ્દી છે. કોન્વોય પાણીમાં નાખીને તાત્કાલીક નદી પાર કરો. આથી ઝાલાએ રૂબરૂ જઈ ને મગફરીથી મીનીસ્ટરને ના કહી કે આ અતિ જોખમી બાબત છે. આવા પૂરના પાણીમાં કાર નાકી કિંમતી જીવન જોખમમાં ન નખાય કલાકેકમાં પાણી ઉતરી જાય પછી આગળ વધીશું.

પરંતુ તુંડ મીજાજી મંત્રીજીએ તેની કારના ડ્રાઈવરને હુકમ કર્યો કે ફોજદાર તો આમેય દોઢો છે. કહ્યા પ્રમાણે સાયરન પણ વગાડતો નથી તું આપણી કારને પાણીમાં થઈ ને જવાદે આ ડીવી કારનો ડ્રાઈવર નો પણ આત્મવિશ્વાસ વધારે હતો કે કાર નીકળી જશે પરંતુ ગીરના જંગલમાંથી તાજી તાજી નીકળેલી શેત્રુંજી નદીનાં પૂર તાકાતમાં હતા અને વધારે હતા ડ્રાઈવરે કાર જવા દીધી અને કોઝવે પૂલ માં લગભગ અડધે પહોચવામાં હતા અને ડીવી કાર બંધ પડી શેત્રુંજીના પાણીતો જોરમાં જ હતા. ખેંચાણ પણ ઘણુ હતુ કાર એક બાજુ ખેંચાવા લાગી અને તેના ડ્રાઈવરે હાથ ઉંચા કરી દીધા આથી પ્રધાનજી સહિત તમામને સામે જ મોત દેખાવા લાગ્યું અને રાડો પાડવા લાગ્યા ‘પોલીસ… પોલીસ’

આથી જ જયારે માણસ બીમાર હોય ત્યારે તેને ડોકટર ઈશ્વર જેવા લાગે છે અને ગમે તેવી સમર્થ વ્યકિત પણ જયારે ભયમાં હોય ત્યારે પોલીસને જ યાદ કરે છે. આથી જ ધર્મશાસ્ત્રોમાં ‘જીવન અભયદાન’ને શ્રેષ્ઠદાનમાં સ્થાન આપેલ છે. આથી જ પોલીસની ફરજ પણ જો જનતાને અભય દાન રક્ષણ આપે તો તે ધર્મનું કાર્ય જ કરી રહેલો છે. તેને પછી માળા લઈ જપ કરવાની જરૂરત નથી. આમ એક રીતે જેમ ઈશ્વર પછી ડોકટરનું સ્થાન છે. તેમ પોલીસ પણ સમાજના રક્ષણનું કાર્ય કરે તો શાસ્ત્રો મુજબ તેનું સ્થાન પણ ઈશ્વર પછીનું ગણાય.

આ મંત્રીજીનો પોકાર પોલીસ પોલીસ રે… કનૈયા રાખી લેહુ લાજ, માફ કાંઠે ઉભેલ પાયલોટીંગના ફોજદાર ઝાલાએ સાંભળ્યો પરંતુ આ ઓચિંતી આવી પડેલી મુશ્કેલીમાં ડીઝાસ્ટરના સાધનો સાથે તો નજ હોય પરંતુ ઝાલાએ બુધ્ધી વાપરી ને જીપમાં કેદીને બાંધવાની રસ્સી પડી હતી જો કે હતી.

ટુંકી પરંતુ કાંઠેથી બીજા માણસોની થોડા અંતર સુધી માનવ સાંકળ બનાવી થોડે દૂરથી મીનીસ્ટરને દોરડુ પહોચાડયું અને દોડુ પકડીને લંગડાતા લંગડાતા મંત્રીજી કાંઠે આવ્યા પરંતુ ઝાલા તરફના પૂર્વગ્રહને કારણે વરાળો નાખવા માંડી કે દોરડું કેમ નાખ્યું હાથ કેમ પકડયો નહિ? જોકે આના પણ બે ત્રણ કારણો હતા પરંતુ ઝાલાએ તે સમયે જે સંજોગો હતા તે પ્રમાણે કાર્યવાહી કરી અને પાછળથી લોકોને જે તેમના વ્યંગના કારણો હતા તે જણાવી દીધા પરંતુ મીનીસ્ટરે જીલ્લા પોલીસ વડા સમક્ષ ઝાલા વરૂધ્ધ ખુબ આકરી રજૂઆત કરી આથી હુકમ થયો કે ફોજદારઝાલાને આ મીનીસ્ટરનાં પાયલોટીંગમાં કોઈ પણ સંજોગોમાં મોકલવા નહિ! પરંતુ ઝાલાએ બુધ્ધિ અને યુકિતપૂર્વક જાન બચાવ્યો તેની તો કોઈ વાત જ કરી નહિ પછી આભાર માનવા નો તો સવાલ જ કયાં રહ્યો ?

તે અગાઉ એક વખત આજ મીનીસ્ટરજી બાબરાના કરીયાણા ગામે કોઈ સરકારી કાર્યક્રમમાં પધારેલા ફોજદાર જયદેવ તે સમયે બાબરા થાણાનો ફોજદાર હતો. કરીયાણા ગામે જાહેર કાર્યક્રમ પૂરો કરીનેમંત્રીજી તેમના બહેન ને ઘેર મળવા ગયા આમ તો કાંઈક કૌટુંબીક વાંધો તકરાર પતાવવા ગયેલા તેમના બહેનનું ઘર એક મોટા ડેલા વાળુ હતુ. ઘર બહાર કોન્વોય ઉભી રહી, મંત્રીજીએ તેમના હથીયારી અંગરક્ષકને તેની કારમાં જ બેસવાનું કહી પોતે એકલા એકલા જ ડેલામાં જતા જયદેવને સૌરાષ્ટ્રની રાજકીય તાસીરનો અનુભવ હતો કે આવી નાની મુલાકાતમાં પણ મીનીસ્ટરના ખુન થઈ ગયેલા તેથી તેમની સલામતી માટે તેમની સાથે સાથે ડેલામાં જતા જ મીનીસ્ટરે જયદેવને કહ્યું તમે ડેલા બહાર રહો આ મારો ખાનગી કાર્યક્રમ મીટીંગ છે. આથી જયદેવે ડેલાની બહાર જ રહ્યો અને ડેલો અંદરથી બંધ થયો.

થોડો સમય ડેલામા તમામે મળીને કાંઈક ચર્ચા કરી હશે. પરંતુ પછી ચર્ચા ઉગ્ર બનતી જણાઈ કેમકે ડેલામાંથી એવો અવાજ આવતો હતો. ગામડામાં તો મીનીસ્ટર હોય તો પણ બનેવી માટે તો તે સાળો તે સાળો જ ગણાય તે ન્યાયે આમન્યા ભંગ થયો અને બોલાચાલી એ મારામારીનું રૂપ ધારણ કર્યું ગામડીયા બનેવીએ સાળા મીનીસ્ટરને ખેંચી લીધા અને ડેલા બહાર ઉભેલા જયદેવેએ મીનીસ્ટરનો અવાજ સાંભળ્યો ‘પોલીસ પોલીસ બચાવો બચાવો ફરીથી રે કનૈયા રખી લેહું લાજ જેવો ઘાટ થયો ! જયદેવ મુંઝાયો કેમકે ડેલો અંદરથી બંધ હતો અને તેની દીવાલો ખૂબજ ઉંચી હતી તો હવે અંદર કેમ જવું?

સૌરાષ્ટ્રમાંઅગાઉ બનેલા બનાવો અને પોલીસ ખાતાના શિરસ્તા મુજબ જો આવો અને આવી રીતે બનાવ બને તો તપાસ તોથાય પણ તપાસ પંચ પણ નિમાય અને જે તે વખતે તો તંત્ર ફોજદાર ને એટલે કે પોલીસને જ જવાબદાર ગણી એક વખત તો ફોજદાર ને ફરજ મોકૂફ કરી દે પછી તપાસ અને તપાસ પંચ જે અહેવાલ આપે તે !

આ ડેલામાં દેકારા પડકારા અને પોલીસ બચાવો બચાવો નો દેકારો સાંભળી મીનીસ્ટરનો ગાંધીનગરથી આવેલો અંગરક્ષક જે કારમાં જ બેસાડી રાખ્યો હતો. તે દોડીને ડેલા પાસે આવી ગયો જયદેવે ડેલો ખખડાવી ખોલવા અવાજ કર્યો જેથી ડેલાની ગળક બારી (જેમાંથી એક જ વ્યકિત આવી કે જઈ શકે) અંદરથી ખૂલી આથી જયદેવ અને કમાન્ડોએ અંદર પ્રવેશા કર્યો પરંતુ ત્યાં તો મામલો થાળે પડી ગયો. માનનીય મીનીસ્ટરના માથાના વાળ વિખરાઈ ગયા હતા અને એક બાજુનો ગાલ પણ લાલચોળ થઈ ગયો હતો અને તેમની બોલતી બંધ થઈ ગઈ હતી. પોલીસને આવેલી જોઈને મીનીસ્ટર તાત્કાલીક ઉભા થયા અને કાંઈ જ બોલ્યા ચાલ્યા વગર તેમની કાર તરફ ચાલતી પકડી અને પછી કાફલો પણ રવાના થયો કોઈ ફરિયાદ નહિ કોઈ વાત ચીત પણ નહિ.

તે સમયે લાઠીના વિધાયક રાષ્ટ્રીય પાર્ટીના હતા. તેમણે પોતાના અંગત મદદનીશ તરીકે એક અર્ધ સરકારી નીગમના કર્મચારીની નિમણુંક કરાવેલી હતી જેઓ પણ લાઠી તાલુકાના જ વતની હતા. પરંતુતે વખતે ચર્ચા તો થતી હતી કે આ અંગત મદદનીશે સ્વરક્ષણ માટે ખાનગી રીવોલ્વર રાખવા લાયસન્સ માટે અરજી કરેલી પરંતુ વિધાયકે જીલ્લા કલેકટરને જ આવું લાયસન્સ તેમના અંગત મદદનીશ ને નહિ આપવા કહી દીધેલું આ વાત ગાજતે વાજતે આ અંગત મદદનીશ ને ખબર પડી આમેય બીજા અગાઉના વાંધા વચકા તો હશે જ પરંતુ આ હથીયાર લાયસન્સ ભલામણ મુદે બહુ મોટો વિવાદ થયો અને અંગત મદદનીશે પોતે જ પદ ત્યાગી દીધું અને અનેક અંટમ્ પંટમ્ ચર્ચા ઓ છાપામાં છપાઈ રાષ્ટ્રવાદી પાર્ટીને તો આવું જોઈતુ જ હતુ આથી આ લાઠી તાલુકાના વતની એવા આ કર્મચારીને રાષ્ટ્રવાદી પાર્ટીએ લલચામણી દરખાસ્ત મૂકી કે તમે નોકરીમાંથી રાજીનામું આપોતો આવતી વિધાનસભાની ચૂંટણીમાં લાઠીની રાષ્ટ્રવાદી પાર્ટીની ટીકીટ તમને આપી આ અર્ધ સરકારી કર્મચારીએ ઓફર મુજબ જ નોકરીમાંથી રાજીનામું આપી રાષ્ટ્રવાદી પાર્ટીમાં જોડાયા !

પણ આધુનિક ખર્ચાળ રાજકારણમાં એક માજી કર્મચારીનું ગજુ કેટલું ? થોડા મહિનાઓમાંજ દોડાદોડી અને ખર્ચાઓથી તેઓ પરેશાન થઈ ગયા અને બુટમાંથી ચપલ પહેરવા ઉપર આવી ગયા આમ સીધા અને સાદા સફેદ કપડા તો પહેરતા જ હતા હવે ચપ્પલથી સંપૂર્ણ સાદગીનું પ્રદર્શન થવા લાગ્યું હવે અમદાવાદ જવા માટે ખાનગી ટ્રાવેલની બસમાં જવા માટે પણ જમાદારનો ઉપયોગ કરવા લાગ્યા!

આખરે રાજય વિધાનસભાની ચૂંટણીઓ ની જાહેરાત થઈ અને લાઠી વિધાનસભા મત વિભાગ માટે રાષ્ટ્રવાદી પાર્ટીએ પોતાના પક્ષના ઉમેદવાર તરીકે આ પૂર્વ કર્મચારીની જ પસંદગીની જાહેરાત કરી દીધી. આમ એક સીધા સાદા લાગતા કર્મચારી ઈન્સાનને જાણે કરોડો રૂપીયાની લોટરી લાગી ગઈ !

જયદેવ પણ આ સીધા સાદા અને મધ્યમ વર્ગનાં આમ કર્મચારી પૈકીનાં ની ઉમેદવાર તરીકે પસંદગી થતા રાજી થયો. પરંતુ જયદેવને ખબર ન હતી કે આ જ વ્યકિતને ચૂંટણીમાં વિજય મળ્યા પછી રાજકીય શિંગડા અને પુછડા ઉગવાના હતા અને રાજકીય પ્રકારની તમામ મમતો અને રાગદ્વેષ તેમના ઉપર સવાર થવાના હતા જેમાં રાજકીય વંશવાદ અને ધૃતરાષ્ટ્ર પધ્ધતિનો આંધળો પુત્ર પ્રેમ પણ થવાનો હતો!

જયદેવે પોતાના અનુભવ ઉપરથી જીંદગીનો એક સનાતન સત્યનો નિયમ જુદો તારવ્યો હતો કે ‘પરિવર્તન એ કુદરતનો અવિચળ નિયમ છે કાં તો પૂરૂષાર્થ કરી પ્રગતી કરો નહિ તો નિષ્ક્રિય અને એશ આરામ અને નીચ કર્મો કરીને પતન સ્વીકારો’ તે નિયમ મુજબ ગુજરાતના રાજકારણમાં રાષ્ટ્રીય પાર્ટીના આવા એશો આરામના બખેડા, પક્ષ પલ્ટા અને અન્ય નાટકો નો જનતાએ વિધાનસભાની ચૂંટણીમાં જવાબ આપી દીધો. રાષ્ટ્રીય પાર્ટીના સુપડા સાફ થઈ ગયા. આ પરિવર્તનમાં લાઠીના આ ભૂતપૂર્વ કર્મચારી પણ ધારાસભ્ય તરીકે ચૂંટણી જીતી ગયા. રાષ્ટ્રવાદીપાર્ટીની સરકાર રચાઈ જયદેવ પણ મનમાં થોડો ખુશ થયો કે હવે કાર્યદક્ષતાની કદર થશે અને આખરે ભલુ તો રાષ્ટ્ર અને જનતાનું જ થવાનું છે ને ? અમરેલીના વિધાયક રાજયના કેબીનેટ મંત્રી થયા અને રાજયનાં મુખ્યમંત્રી એ સૌ પ્રથમ પ્રવાસ અમરેલીનો કરીને અમરેલીને રાજકીય મહત્વ આપ્યું.

પરંતુ જયદેવને કયાં ખબર હતી કે આજ ઉચ્ચ આદર્શો અને સિધ્ધાંતો ઉપર ચાલનાર રાષ્ટ્રવાદી પાર્ટીના ધારાસભ્યો પણ ધૃતરાષ્ટ્રની માફક મામકાવાદ અને કૌરવોની માફક ‘દુષ્કૃતામ’ થવાના છે ભર્તૃહરીએ તેમના પ્રખ્યાત ‘નિતીશતક’માં જણાવેલું જ છે કે ‘વારાંગનેવ નૃપનિતી: અનેક રૂપા ’ (રાજનિતી પણ વેશ્યાની માફક અનેક રૂપો ધારણ કરે છે) બીજે તો જે હોય તે પણ અમરેલી જિલ્લામાં તો આમ થવાનુંજ હતુ તે નકકી હતુ !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.