નિર્મલાજીનું બજેટ : માગ્યું તુ માળવા અને બેસાડી દિધા દળવા.. !

127

બજેટ ૨૦૨૦-૨૧ ની જોગવાઇઓ કરતાં સમયે કેન્દ્રિય નાણા પ્રધાન નિર્મલાજી થોડા અસ્વસ્થ થયા હતા. પરંતુ બજેટની જોગવાઇઓ આવ્યા બાદ હવે ઉદ્યોગપતિઓ થી માંડીને , વેપારી, નોકરીયાતો અને મહિલાઓ સહિતનાં સૌ આખું વર્ષ અસ્વસ્થ રહેશે. ..! દેશની ઇકોનોમીને પ્રવાહી બનાવવા માટે, નાણા ફરતાં કરવા માટે અને ખરિદશક્તિ તથા GDP વધારવા માટે છુટછાટની લાંબી યાદી સાથે સૌ કાંઇક મળવાની આશાએ બેઠા હતા. પણ બજેટ જોઇને એવું કહી શકાય કે  માગ્યું તુ માળવા પણ બેસાડી દિધા દળવા ..! આ બજેટમાં એક જ વાતનો સંતોષ માનવાનો રહ્યો કે બહુ મોટી છુટછાટો જાહેર કરીને દેશને દેવાળિયો કરવાને બદલે આડકતરી રીતે જમીની હકિકતને કબુલી લેવામાં આવી છે. આમેય તે ફેબ્રુઆરીમાં દિલ્હી અને મે મહિનામાં પોંડીચેરીને બાદ કરતા અન્ય એકેય રાજ્યમાં આ વર્ષે ક્યાં વિધાનસભાની ચૂંટણીઓ આવવાની છે..?

સરકાર સૌથી વધારે ઉદાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે રહી છે, હંમેશાની બિનકોંગ્રેસી સરકારોની જેમ જ. આ વખતે પણ આગામી પાંચ વર્ષમાં ૧૦૦ લાખ કરોડની ફાળવણી કરવાની વાત તેનો પુરાવો છે. રેલ્વે સ્ટેશનોને સોલર એનર્જીથી સજજ કરવાની વાત લાબા ગાળે સારી કહી શકાય પણ શુ ૧૦૦ નવા એરપોર્ટની દેશ ને જરૂર છૈ?  ખાસ કરીને ત્યારે જ્યારે દેશની ઍરલાઇન્સ કંપનીઓ નુકસાનીમાં છે અને રન-વે પર કઇ કંપનીના વિમાનો કેટલો સમય ચાલશૈ તે નક્કી નથી ત્યારે.

આવકવેરાનાં માળખામાં સરકારે ડિવીડન્ડ ટેક્ષમાં કંપનીઓને ફાયદો કરાવ્યો, બાકી આંકડાની માયાજાળ છે. સરકાર કદાચ કરદાતાઓને વન નેશન વન ટેક્ષ ના યુગ તરફ લઇ જવા માગે છે. સરળ કરમાળખાની હિમાયત કરનારા વર્ગને આ એક વિકલ્પ આપવામાં આવ્યો છે. જે બીજી રાહતો જતી કરીને સીધો આવક વેરો ભરી શકે છે. કહેવાય છે કે ૧૫૦૦૦૦ રૂપિયાના રોકાણનો જે સ્લેબ છે તેમાં કરદાતાઓ ખોટા બિલ તથા ઉપજાવેલી ભાડાની રસીદો આપવા સાચા-ખોટાં કરતા હોય છે. આવા લોકોને સીધી કપાત આપીને છુટકારો આપવાની ઓફર આપવામાં આવી છે. આમ તો ઓસ્ટ્રેલિયામાં પણ કર માળખાનાં બે ટેબલ છે પણ થોડા અલગ રીતે રજૂ થાય છે. સરકાર કદાચ આ નવો અખતરો કરીને લોકોની માનસિકતા પારખવા માગે છે. આગળ જતાં જે માળખું વધારે લોકપ્રિય થશે તેને ચાલુ રાખવામાં આવે એવું બની શકે. જો કે ઉંચી આવકવાળાને વધારે ટેક્ષ ભરવાનું કહેવાયું છે. હવે તેમના નેશનલ પેન્શન પ્લાન અને  પ્રોવિડન્ડ ફંડ પણ સરકારની નજરે ચડ્યા છે.

સરકારે ચાર મહિનાથી વધારે સમય ભારતમાં રહેનારા NRI ને ટેક્ષનાં દાયરામાં નાખી દેવાની ચાલ દેશની તિજોરી ભરવાની તરકીબ માની શકાય. સરકારી સુત્રોએ આપેલી વિગત પ્રમાણે જે લોકો એકેય દેશમાં કાયમી વસવાટ કરતા નહોય, અને મૂળ ભારતીય હોય તેમને ભારતીય ગણીને વિશ્વભરમાં તેમની થનારી આવકને આવક વેરા પાત્ર ગણીને વેરો વસુલવામાં આવશે. આવા નાગરિકોને હવે ૧૮૨ દિવસનાં બદલે ૨૪૦ દિવસ ભારત બહાર રહેવું પડશે.

ખાસ કરીને રોકાણકારોને નિર્મલાજી રાજી રાખી શક્યા નથી. રેલ્વેના ડિસઇન્વેસ્ટમેન્ટ બાદ ઍર ઇન્ડિયા અને હવે LIC વેચીને નાણા રોકડાં કરવા સરકાર તૈયાર થઇ છે.  જ્યારે નાણાપ્રધાને આ વાત કરી ત્યાર પહેલા BSE સેન્સેક્સ માત્ર ૮૦ પોઇન્ટ નીચે હતો. પરંતુ આગામી વર્ષમાં ડિસઇન્વેસ્ટમેન્ટથી બે લાખ કરોડ રૂપિયા ઉભા કરવાની વાત આવી અને તેનું નૈતૄત્વ LIC એ લીધું ત્યારથી બજારમાં ૧૦૦૦ પોઇન્ડનું ગાબડું દેખાયું. કારણકે હવે સરકારે પણ કહી દીધું કે નાણા નથી. ત્યારબાદ કર માળખાની જાહેરાત અને આવકવેરાની ૭૦ જેટલી છુટછાટ દૂર કરવાની જોગવાઇએ બજારની માનસિકતા બગાડી નાખી હતી.  સપ્ટેમ્બર-૧૯ નું દોઢ લાખ કરોડનું પેકેજ ભુલાઇ ગયું છે. ઇજઊ સુચકાંક બજેટના દિવસે ૨.૪૩ % ના ઘટાડા સાથે ૪૦,૦૦૦ થી નીચે બંધ રહ્યો છે. છેલ્લા ૧૦ વર્ષમાં બજેટના દિવસે જોવા મળેલો આ સૌથી મોટો ઘટાડો છે. શું આ નિરાશામાંથી બહાર આવવામાં રોકાણકારોને સમય લાગશે.?

Loading...