Abtak Media Google News

નાણા પ્રધાન નિર્મલા સીતારમન અને મજદૂર સંગઠનો વચ્ચે કેન્દ્રીય બજેટને લઈ બેઠક મળી

મોદી સરકારના બજેટ જાહેર થવાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે નાણા પ્રધાન નિર્મલા સીતારમન વિવિધ સંસ્થાઓ અને સંગઠનોને મળી બજેટ અંગે તેમની સાથે ચર્ચા કરી રહ્યાં છે. તેમના વિચાર જાણી રહ્યાં છે અને તેમના સુચનો મેળવી રહ્યાં છે. આવા સંજોગોમાં તાજેતરમાં નાણામંત્રી નિર્મલા સીતારમન અને મજદૂર સંગઠનો વચ્ચે બેઠક મળી હતી. જેમાં સંગઠનોએ ઈન્કમટેકસ મર્યાદામાં છુટ આપવા, લઘુતમ વેતન તેમજ પેન્શન વધારવાનો આગ્રહ રાખ્યો હતો.

મળતી વિગતો મુજબ કર્મચારી સંગઠનોએ દેશમાં વધી રહેલી બેરોજગારી અંગે ચિંતા વ્યકત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભારતમાં અત્યારે રોજગારી સર્જન મામલે નકારાત્મક વાતાવરણ જોવા મળી રહ્યું છે. પાયાની યોજનાઓ, સામાજિક ક્ષેત્રો અને કૃષિ ક્ષેત્રોમાં મસમોટા પ્રમાણમાં રોકાણ થાય તે જરૂરી છે. કેન્દ્રીય બજેટમાં પાયાની યોજનાઓ, સામાજીક ક્ષેત્રો સહિતના મુદ્દે પ્રાથમિકતા આપવામાં આવે તે મહત્વની બાબત છે. આ યોજનાઓ અને ક્ષેત્રને પ્રાધાન્ય આપવાથી રોજગારી વધશે તેવો મત વ્યકત કરાયો હતો.

7537D2F3 16

વધુમાં જણાવાયું હતું કે, વિવિધ સરકારી વિભાગ, રેલવે તેમજ સ્વાયત સંસ્થાઓમાં ખાલી પડેલી જગ્યાઓ ઉપર નવી નિયુક્તિ કરવામાં આવે. આ ઉપરાંત રોજગારી મળે તેવા પ્રયાસો સરકાર દ્વારા થાય તેવો મત પણ આ બેઠક દરમિયાન વ્યકત કરવામાં આવ્યો હતો. નાણા પ્રધાન નિર્મલા સીતારમને મજદૂર સંગઠનોના આગેવાનો દ્વારા કરવામાં આવેલી રજૂઆતને સાંભળી હતી.

વધુમાં રજૂઆતમાં જણાવાયું હતું કે, કર્મચારી પેન્શન યોજના અંતર્ગત લઘુતમ પેન્શન ૬૦૦૦ રૂપિયા કરવામાં આવે. આ ઉપરાંત લઘુતમ વેતન મર્યાદાને વધારીને ૨૧૦૦૦ કરવામાં આવે તેવું પણ જણાવાયું હતું. રૂા.૧૦,૦૦,૦૦૦ સુધીની આવકને ઈન્કમટેકસ મુકત કરવાનો મત પણ આ બેઠક દરમિયાન રજૂ થયો હતો. બીએસએનએલ, એમટીએનએલ, આઈટીઆઈ સહિતના સાર્વજનિક ક્ષેત્રના ઉપક્રમોને અન્ય કંપનીની જેમ તક આપવામાં ન આવતા હજ્જારો કર્મચારીઓની નોકરી ઉપર સંકટના વાદળ ઘેરાયા છે. આવા સંજોગોમાં સરકારી કંપનીઓને પાયાી મજબૂત બનાવવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.