ચાર મહાનગરોમાં રાત્રી ક્ફર્યુ યથાવત: મુખ્યમંત્રીની જાહેરાત

ફેબ્રુઆરીથી રાત્રી ક્ફર્યુમાં મસમોટી રાહત મળે તેવી પ્રબળ સંભાવના

અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત એમ રાજ્યનાં ૪ મુખ્ય શહેરમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જામનગરમાં કાર્યક્રમ દરમિયાન ૩૦-૩૧મી જાન્યુઆરી સુધી રાત્રિ કર્ફ્યૂ યથાવત્ રાખવામાં આવ્યો હોવાની જાહેરાત કરી છે. આ અગાઉ પોલીસવડા આશિષ ભાટિયાએ ચાર શહેર એવા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવવાની જાહેરાત કરી હતી.

ગુજરાતનાં ચાર મહાનગર- અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રિ કર્ફ્યૂ રાતના ૧૦ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે. કોરોના સંક્રમણમાં ઘટાડો થતાં રાજ્ય સરકારે રાત્રિ કર્ફ્યૂનો સમય અગાઉ નવ કલાકને બદલે આઠ કલાકનો કર્યો હતો. ૧૫ દિવસ અગાઉ રાજ્યની કોર ગ્રુપની બેઠક મળ્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેની જાહેરાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે  અગાઉ દિવાળી પછી કોરોનાના કેસમાં તીવ્ર ઉછાળો આવતાં  ચાર શહેરમાં રાત્રે ૯થી સવારે ૬ વાગ્યા સુધી કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. હોટલ અને રેસ્ટોરાં સહિતના કેટલાક ઉદ્યોગો કર્ફ્યૂના સમયમાં છૂટછાટ આપવાની માગણી કરી રહ્યા હતા. રાજ્ય સરકારે પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી રાત્રિ કર્ફ્યૂનો સમય રાત્રે ૧૦થી સવારે ૬ વાગ્યા સુધીનો કરાયો હતો.

કર્ફ્યૂને કારણે મનોરંજન, હોટલ અને કેટલાક વ્યાપારોને ખૂબ મોટું નુકસાન સહન કરવું પડી રહ્યું હતું. અગાઉ આ સ્થળોને છુટ્ટી આપવામાં આવી હતી, પરંતુ ફરી બંધ થતાં તેમને ખોટ જઇ રહી હતી. નવા વર્ષની ઉજવણી દરમિયાન આ તમામ વ્યવસાયો માટે પીક સીઝન રહેતી, પરંતુ એ બંધ રહ્યા હતા. હવે તેમને નુક્સાન વધુ સહન ન કરવું પડે એ માટે કર્ફ્યૂનો સમય ૯ને બદલે ૧૦ વાગ્યાથી શરૂ કરવામાં આવ્યો હતો.

Loading...