ન્યુઝીલેન્ડે ટીમ કોહલીને ‘વામણી’ પુરવાર કરી

121

વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનનાં ‘અશ્વમેઘ’ને નાથતુ ન્યુઝીલેન્ડ

ટીમનાં ખેલાડીઓ અને સુકાની કોહલી વચ્ચે જોવા મળ્યો સંતુલનનો અભાવ

૨૯મી ફેબ્રુઆરીએ રમાશે બીજો ટેસ્ટ મેચ: ભારતીય ટીમે યોગ્ય સ્ટ્રેટેજી બનાવી મેદાનમાં ઉતરવું પડશે

બે ટેસ્ટ મેચ સીરીઝનો પ્રથમ મેચ વેલીંગ્ટનનાં બેસીન રીઝવ ખાતે રમાયો હતો જેમાં ન્યુઝીલેન્ડે ભારતને ૧૦ વિકેટથી હરાવી શ્રેણીમાં ૧-૦ની સરસાઈ કરી છે. હાલ વિશ્વ ટેસ્ટ ચેમ્પીયનશીપમાં ભારત પ્રથમ ક્રમ પર છે ત્યારે ભારતનાં આ વિશ્ર્વ ટેસ્ટ ચેમ્પીયનનાં અશ્વમેઘને ન્યુઝીલેન્ડે રોકયો છે અને ભારતીય ટીમને જે આત્મવિશ્ર્વાસ હતો તે આત્મવિશ્ર્વાસને પણ કિવી ટીમે વામણુ સાબિત કર્યું છે. ન્યુઝીલેન્ડે ટોસ જીતતાની સાથે જ ભારતને પ્રથમ બેટીંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું પરંતુ બેસીન રીઝવની વિકેટ જાણે ભારતીય ટીમને રાઝ આવી ન હોય તેવું લાગ્યું હતું. બેસીન રીઝવનું ગ્રાઉન્ડ વિન્ડી ગ્રાઉન્ડ તરીકે પણ ઓળખાય છે ત્યારે તે ગ્રાઉન્ડ પર જે રીતે રમવું જોઈએ તે રમત ભારતીય ટીમ રમી શકયું ન હતું. ભારત જયારે બીજી ઈનીંગમાં બેટીંગ કરવા આવ્યું ત્યારે વિકેટ અત્યંત ધીમી પડી ગઈ હતી તે સમયે ન્યુઝીલેન્ડનાં બોલરોએ ભારતીય બેટસમેનોની જે શકિત હતી તેના પર ઘા કર્યો હતો અને ટીમના ખેલાડીઓને પેવેલિયન પરત કર્યા હતા.

ભારતીય ટીમનું તમામ ક્ષેત્રમાં પ્રદર્શન અત્યંત નબળુ રહ્યું હતું. બોલીંગમાં પણ જે રીતે બોલીંગ થવી જોઈએ તે પ્રમાણે થઈ શકી ન હતી. પહેલી ઈનીંગમાં ઈશાંત શર્મા અને રવિચંદ્રન અશ્ર્વિને ૫ અને ૩ વિકેટ ઝડપી હતી. જયારે બીજી ઈનીંગમાં માત્ર ૯ રન જીત માટે જોતા ન્યુઝીલેન્ડે મેચ સરળતાથી જીતી લીધો હતો. લાંબા ગેપ બાદ અશ્ર્વિનની ટીમમાં વાપસી થતાની સાથે જ જાણે વિવાદ ઉદભવિત થયો હોય તેવું લાગ્યું હતું. મેચ પૂર્વે તેણે જણાવ્યું હતું કે, જે રીતે ખેલાડીઓને નિયત જગ્યા પર રાખવા જોઈએ તે રાખવામાં આવ્યા ન હતા જેનો અર્થ એ છે કે ટીમમાં જે સુકાની અને ખેલાડીઓ વચ્ચે સંતુલન હોવું જોઈએ તેનો પણ કયાંકને કયાંક અભાવ જોવા મળી રહ્યો છે. બીજી તરફ ભારત જયારે બીજી ઈનીંગમાં બેટીંગમાં ઉતર્યું ત્યારે વિકેટ સ્લો થઈ જતા ભારતીય બેટસમેનો તેની ક્ષમતા મુજબ બેટીંગ કરવાનું જણાયું હતું પરંતુ તેજ ક્ષમતા ઉપર ન્યુઝીલેન્ડનાં બોલરે વાર કરી ટીમ ઈન્ડિયાને બેકફુટ ઉપર ધકેલયું હતું. ક્રિકેટ તજજ્ઞો અનુસાર દરેક ખેલાડીએ અને બેટસમેનોએ તેની તાકાત ઉપરાંત બીજી પઘ્ધતિ પર ધ્યાન કેન્દ્રિત કરી રમત રમવી જોઈએ. ઉદાહરણ તરીકે ઈંગ્લેન્ડ સામેના મેચમાં સચિન તેંડુલકર કવર ડ્રાઈવ રમતા આઉટ થયો હતો. કારણકે તેંડુલકરની આવડત કવર ડ્રાઈવ હતી તે સમયે જ સચિને નકકી કર્યું કે હવે પછીના મેચમાં તે કવર ડ્રાઈવ નહીં રમે ત્યારે આંકડાકિય માહિતી મુજબ બીજી ટેસ્ટમાં સચિને જુજ વખત જ કવર ડ્રાઈવનો ઉપયોગ કર્યો હતો. આથી એ વાતની પુષ્ટિ થાય છે કે ખેલાડીઓએ માત્ર તેની ક્ષમતા ઉપર જ નહીં પરંતુ અન્ય ક્રિકેટીંગ શોર્ટસ પણ રમવા જોઈએ.

હાલ ૨૯મી ફેબ્રુઆરીનાં રોજ બીજો ટેસ્ટ મેચ ક્રાઈસ્ટ ચર્ચ ખાતે રમાશે ત્યારે ભારતીય ટીમે એક યોગ્ય સ્ટ્રેટેજી બનાવી મેદાન પર ઉતરવું પડશે. હાલ વિશ્ર્વ ટેસ્ટ ચેમ્પીયનશીપમાં પ્રથમ ક્રમ પર ભારત રહેલું છે ત્યારે જે રીતે ન્યુઝીલેન્ડ ટીમે વન-ડે અને ટેસ્ટમાં કમબેક કર્યો છે તેનાથી ભારતીય ટીમ માટેના ચઢાણ અત્યંત કપરા નિવડશે તેવું પણ માનવામાં આવે છે.

Loading...