Abtak Media Google News

“એક પણ લેખીત નિયમ છે કે બીજાની શાંતી અને સુખ ચેન માટે કાર્યદક્ષ અધિકારી કર્મચારીએ પોતાના ભોગે પણ યુદ્ધના મોરચા ઉપર સતત રહેવું જ પડે છે”

અલવિદા તળાજા

આખરે કુદરતે તળાજા ફોજદાર જયદેવની કાર્યનિષ્ઠાનો સાદ સાંભળ્યો હોય તેમ તેની બદલીનો તળાજાથી રાજકોટ ગ્રામ્ય જિલ્લાનો હુકમ સરકારમાંથી થયો.

થોડા દિવસો પહેલા રાત્રીના જયદેવના નિવાસસ્થાને જે ટેલીફોન ડોકટર આર્યએ ઉપાડેલો અને વિરનગરના અરજણભાઈ રામાણીએ જયદેવની બદલી જસદણ પોલીસ સ્ટેશનમાં કરાવવા સહમતી મેળવેલી તે રાજકીય ગતિવિધી કામ કરી ગયેલી. બદલી હુકમ ભાવનગર પોલીસવડા પાસે આવી ગયો પણ તેમની ઈચ્છા તો જયદેવને ભાવનગર જ રાખવાની હતી.

જયદેવે વિચાર્યુ કે ત્યાં રાજકોટ એક વખત પહોંચી જવાય તો પછી ત્યાં કોઈ ઓફીસમાં બ્રાંચમાં નિમણુંક માટે કાર્યવાહી થઈ શકશે, આથી તેણે પોલીસવડાને વિનંતી કરી કે હવે તેને રાજકોટ માટે જલ્દી છુટો કરવામાં આવે. પોલીસવડા સહમત તો થયા પણ કહ્યુ કે હજુ થોડા દિવસો રોકાઈ જાવ હું તળાજા પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઈન્સ્પેકશન લઈ લઉ એટલે પછી તમે છુટા. પોલીસ ખાતામાં ખાસ ઈન્સ્પેકશન પહેલા આઠ દસ દિવસની પેન્ડીંગ કામોના નિકાલની ઝુંબેશ કરવી પડતી હોય છે. જેથી ઈન્સ્પેકશન આપનાર અને લેનાર બંને ને સળતા રહે. જયદેવ પાસે તો ખાસ પેન્ડીંગ હતુ નહિ પણ બીટ જમાદારો ઓપી જમાદાર પાસે જે કાંઈ નિકાલ ઉપર બાકી હોય તેનો ઝડપથી નિકાલ શરૂ થયો કેમ કે જયદેવને હવે જલ્દી તળાજાથી છુટા થઈ રાજકોટ જવાની તાલાવેલી હતી.

આ ઝુંબેશ ચાલુ હતી દરમ્યાન જયદેવને યાદ આવ્યુ કે તળાજા તાલુકાના ગામડાઓમાં તેના ગામ વરતેજ ના સગા સંબંધી પુષ્કળ હતા પરંતુ ખાસ તો કામરોળ અને સાંગાણા ગામે તો ઘરદીઠ કહી શકાય તેમ હતુ. જયદેવને તેના ફરજ કાળ દરમ્યાન આ વિસ્તારના કેટલાયે આગેવાનો જમવા માટે વારંવાર આગ્રહ કરતા તે સમયે જયદેવ કહેતો એક વખત વરેતજ થી જ સમગ્ર યુવાન ડાયરાને બોલાવી તમારા સામુુહિક મહેમાન થવુ છે હવે તળાજા થી છુટા થવાનો સમય આવ્યો હોઈ આ લોકોની ઈચ્છા પુરી કરવાનું તેણે નકકી કર્યુ. આથી સાંગાણાના ભરતસિંહ સરવૈયા જે વરતેજના જ મોસાળીયા પક્ષના હતા તેમના ફાર્મહાઉસમાં રાત્રીના સમયનો કાર્યક્રમ નકકી થયો. વરતેજના યુવાન ડાયરાના નેતાઓને જયદેવ તથા ભરતસિંહે ટેલીફોન કરી આમંત્રણ આપ્યુ કે લકઝરી બસ ભરીને તમામ આવો તો ખુબ મજા પડશે. તળાજા તાલુકાના પણ જે આગેવાનો હતા તેમને પણ આમંત્રણ આપી સાંગાણાના ફાર્મ હાઉસમાં દુધપાક પુરીના ખાસ કાર્યક્રમમાં આમંત્ર્યા.

નકકી કરેલ દિવસે સાંજ થી જ સાંગાણાના ફાર્મ હાઉસ ઉપર તળાજા તાલુકાના આગેવાનો આવવા લાગ્યા. વરતેજથી પણ એક લકઝરી બસ અને બીજા અન્ય વાહનોનો કાફલો આવી પહોંચ્યો. ફાર્મ હાઉસમાં આનંદ મોજ અને ઉલ્લાસ થી તમામ મળ્યા અને કરેલ બેઠક વ્યવસ્થાએ આનંદ મસ્તી મજાકનો મેળાવડો ચાલુ થયો. વરતેજ થી ડાયરા સાથે પેલા કોમેડી પાત્રો મોરલી અને હરીયો પણ આવેલા હતા. તમામ મીલન, મુલાકાત, આનંદ પ્રમોદની વાતો સાથે બચપણના સ્કુલો હાઈસ્કુલ અને કોલેજ કાળના દિવસોની મજાક મશ્કરીની વાતો, રાજકારણ, પ્રવાસ, ધર્મની વાતો કરતા કરતા કોમેડી પણ કરતા હતા. તળાજાના આગેવાનોને આ અદ્ભુત કટાક્ષમય કોમેડી અને નિર્દોષ આનંદની વાતો સાથે આ રીતે ગામના સંગઠનથી પણ ખુબ આશ્ર્ચર્ય થયુ. આમ દુધપાક પુરીનો કાર્યક્રમ પુરો કર્યા પછી પણ મોડી રાત સુધી આ જલ્સો ચાલ્યો પણ તે દરમ્યાન જયદેવે જાહેર જ ન કર્યુ કે હવે ફરીથી આવી રીતે પાર્ટી થવા નથી પોતે હવે આ તાલુકનો મહેમાન છે.

પોલીસવડાએ તળાજા પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઈન્સ્પેશન લીધુ તથા જયદેવ અને તેના જવાનોએ વર્ષ દરમ્યાન કરેલ પ્રશંસનિય અને ઉત્કૃષ્ટ કામગીરી સબબ કુલ ચૌદ ઈનામો રોકડ રકમ તથા પ્રશંસા પત્ર સાથે મંજુર કર્યા પોલીસવડાએ પોલીસ સ્ટેશનની ઉદાહરણીય કામગીરીના ખુબ વખાણ કર્યા અને ભાવનગર જઈ જયદેવની બદલીનો રાજકોટ ગ્રામ્ય જિલ્લાનો હુકમ મોકલી આપ્પો.

બદલી હુકમ આવતા જયદેવ તો ખુશ થઈ ગયો પરંતુ તળાજા થાણાના જવાનો નારાજ થઈ ગયા કે હવે પોલીસનો આવો દબદબો આવો માભો રહેશે કે કેમ ? તેની તેમને ચિંતા હતી. બીજી તરફ ગુનેગારો અને ધંધાદારી રાજકારણીઓ ખુશી થઈ ઉઠે તે સહજ વાત હતી. અન્ય કોઈ ખાતાના અમલદારની બદલીના સમાચાર સામાન્ય રીતે જનતામાં જે ઝડપે ફેલાય તેના કરતા પોલીસ અધિકારી અને તેમાં પણ આવા અધિકારીની બદલીના સમાચાર વાયુ વેગે ફેલાઈ જતા હોય છે. તેનાં બે કારણો ખુશી અને નારાજગીના જ હોય છે. નારાજ થનારાઓમાં આવા નિષ્ઠાવાન કર્મચારીઓ, આમ જનતા જેમને સલામતીની પરોજણ અને ચિંતા હોય તે તથા અંગત મિત્રો અને કેટલાક પોલીસ ચાહકો અને પ્રશંસકો હોય છે.

તળાજા શહેરમાં જયદેવની બદલીની વાત ફેલાતા મિત્રો અને આગેવાનો તુરત જ પોલીસ સ્ટેશન તરફ વળ્યા. સૌ પ્રથમ રાષ્ટ્રવાદી પાર્ટી સાથે જોડાયેલા આગેવાનો ભેગા થઈને જયદેવને મળ્યા અને અભિનંદન પાઠવ્યા સો કહ્યું કે તાલુકાએ એક કડક અને નિષ્ઠાવાન અધિકારી ગુમાવ્યાનો અફસોસ હોવાનું જણાવ્યું છે. જયદેેવે આભાર માનીને કહ્યુ કે શાસ્ત્રો અને ધર્મ મુજબ આ નોકરી અને જીંદગી એક મુસાફરી  જ છે, સાધુ ચલતા ભલા માફક આ જીંદગી અને નોકરીના પણ ચાલતા ચાલતા આનંદ મોજ માણી શકાય તેટલા માણી લેવાય ! આથી એક આગેવાને કહ્યુ કે એક ફિલ્મના ગીતની કડી છે ને કે આદમી મુસાફરી હૈ આતા હૈ જાતા હૈ, આતે જાતે યાદે છોડ જાતા હૈ ! તે મુજબ દરેક અધિકારી પોત પોતાની છાપ-યાદો છોડી જતા હોય છે. પરંતુ તળાજા તાલુકો તમારા સંસ્મરણોને હંમેશા પ્રેમથી યાદ રાખશે. જયદેવે  ફરીથી તેમનો આભાર માન્યો. આ આગેવાનો એ કહ્યું કે તમારા જવાનો તો તમારી વિદાય પાર્ટી કરતા જ હોય છે પણ અમારે તમને ખાસ શુભેચ્છા પાર્ટી આપવી છે આથી જયદેવે કહ્યું આ જે બપોરે જ કાર્યક્રમ રાખી દયો. આમ તુરત હાઈવે ઉપરની એક હોટલ ઉપર રાષ્ટ્રવાદી પાર્ટીના આગેવાનો અને મિત્રોએ ભોજન સમારંભ સાથે શુભેચ્છા વિદાય પાર્ટી આપી, તમામ હોંશપુર્વક હળી મળીને જુદા પડયા.

રાષ્ટ્રીય પાર્ટીના આગેવાનો તો જયદેવના અંગત મિત્ર હતા તેમણે જયદેવને કહ્યુ અમો વિરોધ પક્ષે છીએ જો અમે શુભેચ્છા પાર્ટીનું  આયોજન કરીએ તો તમે પધારશો ? આથી જયદેવે કહ્યુ લોકશાહીમાં સરકારી અધિકારી માટે સતાધારી પક્ષ અને વિરોધ પક્ષ એક જ વ્યકિતની બે આંખ સમાન હોય છે અને હોવા જોઈએ. જયદેવે હા કહેતા તે દિવસે સાંજે જ પાર્ટીનું આયોજન રાષ્ટ્રીય પક્ષના આગેવાનો દ્વારા તે જ હાઈવે ઉપરની હોટલ ખાતે થયુ રાષ્ટ્રીય પાર્ટીના આગેવાનો દ્વારા જયદેવના ફરજ કાળ દરમ્યાન જાહેર જનતાની સુખાકારી માટે પક્ષાપક્ષી વગર થયેલ કાર્યવાહીની પ્રશંસા અને સરાહના થઈ અને જણાવ્યુ કે લોકશાહીમાં સરકારી તંત્રએ કઈ રીતે કામ કરવુ અને રાજકારણીઓ સતાધારી અને વિરોધપક્ષોને ન્યાય અને જનહિતમાં સરકારી તંત્ર ખાસ તો પોલીસ સાથે કામ કઈ રીતે કરવું તેનો પણ બોધ પાઠ શિખવાડયો છે તેમ ઉદાહરણો આપીને જણાવ્યુ. તમે તળાજા તાલુકામાં એક સારી આદર્શરૂપ છાપ મુકીને ઈચ્છીત જગ્યાએ જાઓ છો પરંતુ અમારે મોટી ખોટ પડવાની છે. ખાસ તો ગાયત્રી મેડીકલ હોલની બેઠકવાળા મિત્રોએ અફસોસ સાથે જયદેવને શુભેચ્છા પાઠવી વિદાયમાન આપ્યુ.

બીજે દિવસે તળાજા પોલીસ સ્ટેશનના જવાનો દ્વારા જયદેવનો વિદાય નો તથા નવા આવેલ ફોજદારના આવકાર સન્માન સાથે નો સમારંભ ગોઠવ્યો. પોલીસ ખાતામાં સામાન્ય રીતે જનાર અધિકારી નારાજ અને આવનાર ખુશ હોય છે. પરંતુ અહિ તો જનાર અને આવનાર બંને ફોજદારો ખુશ હતા. જયદેવે તેને હ્રદયની લાગણીથી પોતાના જવાનો નો વિકટ અને કપરા સંજોગોમાં દિવસ રાત સતત દોડાદોડી કરી સાથ સહકાર આપવા બદલ આભાર માન્યો અને જણાવ્યુ કે જે સફળતા મળી તે તાબાના જવાનોની નિષ્ઠા હિંમત કાર્યદક્ષતા અને મહેનતને હિસાબે જ મળી છે. નવા ફોજદારને આવકારી આવા કાર્યદક્ષ જવાનો ચાર્જમાં આપતો હોઈ અભીનંદન આપ્યા અને જયદેવે તળાજાથી વિદાય લીધી.

જયદેવને એક બાજુ લાંબા સમયે રાજકોટ કુંટુબ સાથે રહેવા મળવાનો ઉમંગ હતો તો બીજી તરફ પોતાની જન્મભુમી ભાવનગર જિલ્લો છોડવાનું દિલમાં દુ:ખ પણ હતુ તેના ચહેશ ઉપર હાસ્ય અને ઉમંગ હતો પરંતુ તેનું હ્રદય અંદરથી દુ:ખી હતુ. જયદેવે આવિ મનોસ્થિતીમાં શેત્રુંજીનો કાંઠો છોડયો, તળાજીયો ડુંગર તેના ઉપરની સદીઓ જુની બૌધ્ધ ગુફાઓ ને યાદ કરી, દરીયા કાંઠે ગોપનાથનું મંદિર અને રમણીય ઝાંઝમેરના દરીયા કાંઠાને યાદ કર્યો સાથે સાથે ઉંચા કોટડાના ચામુંડા માતાજીના મંદિરને યાદ કર્યા, તળાજા શેત્રુજીને કાંઠે આવેલા સંન્યાસ આશ્રમને યાદ કર્યો અને આભાર વશ સાથે લાગણી વશ પણ થયો રાજકોટ જતા રસ્તામાં પાલીતાણાથી પસાર થતા શેત્રુંજય પર્વતને પણ અલવિદા કહી અને ફરી એજ સોનગઢ ઢસા, ચાવંડ, બાબરા, આટકોટ ભાદર નદી પસાર થતા અગાઉ આ જ વિસ્તારોમાં ફરજ બજાવેલી તેના વિવિધ ખાટા-મીઠા બનાવોને યાદ કરતો કરતો રાજકોટ આવ્યો.

રાજકોટ આવીને જયદેવે જોયુ કે આ ગ્રામ્ય જિલ્લામાં હાલમાં માત્ર જસદણ પોલીસ સ્ટેશન એક જ પ્રશ્ર્નો અને મુશ્કેલીઓ વાળુ સળગતુ થાણુ છે. ત્યાં અનેક પ્રશ્ર્નો તો છે જ પણ વધુમાં ખાસ જંગવડ અને કાનપર ઈશ્ર્વરીયા ગામોમાં જ્ઞાતિ આધારીત વૈમનસ્યના બનાવો અવિરત પણે ચાલુ છે અને પોલીસ ઉપર માછલા ધોવાઈને આક્ષેપો પણ ચાલુ જ છે જયદેવે વિચાર્યુ કે પ્રશ્ર્નો અને સંઘર્ષ તો પોલીસનો ખોરાક કહેવાય પણ આ પ્રમોશનના કાંઠે આવી બબાલો સારી નહિ આમ વિચારી હવે જસદણનું પોસ્ટીંગ ઠેકાડી ઓફીસમાં કોઈ ખુણાની શાખામાં નિમણુંક લઈ લેવી હિતાવહ છે. રાજકોટ ગ્રામ્યના હાલના પોલીસવડા જયદેવની કાર્યદક્ષતા અને કાર્યશૈલીથી સુપેરે માહિતગાર હતા અને ખુશ પણ હતા. પોલીસ ખાતનો એક વણ લેખીત નિયમ છે કે બીજાની શાંતિ અને સુખ ચેન માટે કાર્યદક્ષ અધિકારી કર્મચારીએ પોતાના ભોગે પણ યુધ્ધના મોરચા ઉપર સતત રહેવુ જ પડે છે.

જયદેવે પોલીસવડાને પોતાના તમામ સંજોગો વર્ણવીને વિનંતી કરી કે પોતે ઘણા વર્ષેા એકઝીકયુટીવ વિભાગ વર્ણવીને વિનંતી કરી કે પોતે ઘણા વર્ષેા એકઝીકયુટીવ વિભાગ થાણાઓમાં નોકરી કરી હવે પ્રમોશન નજીક હોય બ્રાંચમાં રાખો તો સારૂ અને પેલી વિદેશમાં લશ્કરને અમુક સમય મોરચા ઉપરથી લઈ બેરેકમાં રાખી શારીરિક અને માનસીક, શાંતિ અને શકિત સંચય માટે મુકવાની પ્રથાની યાદ દેવરાવી તે પ્રમાણે વ્યવસ્થા કરવા વિનંતી કરી. પરંતુ પોલીસવડાએ તો પેલા વણલેખીત નિયમ મુજબ જ કહ્યુ તમારી જેવા અધિકારી આવુ વિચારે તો ખાતાનું કામ જ કેમ ચાલે ? તેમ કહી જયદેવની માંગણી ઉપર ઠંડુ પાણી રેડી દીધુ. આથી જયદેવે જોઈનીંગ રજા મંજુર કરાવી અને રજા ઉપર છુટો થયો. ન્યાય માંગવો પડે છે આપોઆપ મળી જતો નથી.

રાજકોટ ગ્રામ્ય જિલ્લાની શાખાઓ એમ.ઓ.બી. એલ.આઈ.બી રીડર વિગેરેના અધિકારીઓ પોલીસ સ્ટેશનમાં નિમણુંક માટે ઉત્સુક હતા જ પરંતુ પોલીસ વડાને તેમની વાત ગળે ઉતરતી ન હતી. જયદેવે નકકી કર્યુ કે આ શાખાઓમાં પણ ઈમરજન્સીમાં ખાખી વાઘા પહેરીને મેદાનમાં ઉતરવુ જ પડે તેથી જિલ્લા પંચાયતના સમાજ કલ્યાણ વિભાગ તળે સામાજીક ન્યાય વિભાગમાં એક ફોજદારની જગ્યા ખાલી હતી. તે જગ્યા ખાલી તો ઘણા લાંબા સમયથી હતી પણ તે જગ્યા એ જવા કોઈ તૈયાર ન હતુ, આથી જો આ જગ્યાએ નિમણુંક મળી જાય તો સાાવ શાંતી. આથી આ જગ્યાએ નિમણુંક માટે રાજકોટ રેન્જના આઈ.જી.પી. મારફ્ત કાર્યવાહી કરવાનું નકકી કર્યુ.

જયદેવ જયારે ભાવનગર જિલ્લાના સ્પેશ્યલ ઓપરેશન ગુ્રપમાં હતો ત્યારે એક કોન્સ્ટેબલ કે જેના માસા આઈ.જી.પી. હતા પણ ભાવનગર પોલીસવડા તો કોઈની ભલામણ કે વગ બાબતે સાંભળીને ન સાંભળ્યુ કરતા તેવા કડક સ્વભાવના હતા. આથી આ કોન્સ્ટેબલે જયદેવના મિત્ર દ્વારા સ્કોડમાં લેવા વિનંતી કરતા જયદેવે આ કોન્સ્ટેબલ વોરાને પોતાના સ્કોડમાં લીધેલો. આજ કોન્સ્ટેબલના માસા રાજકોટ રેન્જના આઈ.જી.પી. હતા તેથી જયદેવે તેને કહ્યુ હવે તારો વારો છે. વળી મારી આ નિમણુંક વાળી જગ્યા ખાલી તો ઠીક પણ ત્યાં જવા પણ કોઈ ખુશી નથી તેવી છે તો હવે તું તારી વગનો ઉપયોગ કરી લે.

વોરાએ રાજકોટ આવી તેના માસાને તમામ વાત કરી આથી રેન્જ આઈ.જી.પી.એ રાજકોટ ગ્રામ્યના પોલીસવડાને જયદેવ ને સમાજ કલ્યાણ ખાતામાં મુકવા જણાવ્યુ.

પોલીસવડાએ જયદેવને કહ્યુ તમારી જેવા લાયક અને સક્ષમ અધિકારીને હું બીજા ડિપાર્ટમેન્ટમાં તો નહિ જ જયાં દઉ એમ કરો તમે મારી જ કચેરીમાં એમ.ઓ.બી. માં રહો તે પણ શાખા જ છે ને ? જયદેવને થયુ કે શાખા તો ખરી પણ આ શાખાનો ઉપયોગ પણ ઈમરજન્સીના સમયે ફાયર બ્રિગેડ તરીકે સહેલાઈ થી થઈ શકે છતા જયદેવે કહ્યુ “ભલે એમ.ઓ.બી. માં મુકો આ રીતે જયદેવની નિમણુંક જસદણ પોલીસ સ્ટેશનને બદલે રાજકોટ ખાતેની પોલીસવડાની કચેરીમાં જ એમ.ઓ.બી. માં થઈ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.