ભ્રષ્ટાચાર કેસમાં નવાઝ શરીફ અને પુત્રી મરિયમને રાવલપીંડી જેલમાં ધકેલાયા

149

૨૫ જુલાઈએ પાકિસ્તાનમાં ચૂંટણી અગાઉ શરીફની ધરપકડથી ઈમરાનની પાર્ટીને સીધો ફાયદો

ભ્રષ્ટાચારના કેસમાં દોષી પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફ અને તેની દિકરી મરીયમની લાહોરના અલ્લામાં ઈકબાલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે.

નવાઝ શરીફ અને તેની દિકરી મરીયમને રાવલપિંડીની સેન્ટ્રલ જેલ ભેગા કરી દેવામાં આવ્યા છે. પૂર્વ પ્રધાનમંત્રી અને તેમની દિકરીને પોલીસ દ્વારા કડક સુરક્ષા બંદોબસ્ત હેઠળ જેલના નિયમો મુજબ હોસ્પિટલમાં મેડિકલ પરીક્ષણ થશે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે મરિયમને સિયાલા રેસ્ટ હાઉસમાં ખસેડવામાં આવશે. જેનો પહેલેથી જ સબ જેલ તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. જોકે અગાઉ એવી પણ ખબર હતી કે બંનેને હેલીકોપ્ટર દ્વારા લાવવામાં આવશે. જોકે અંધારુ હોવાને કારણે આ યોજનાને બદલવી પડી.

જે વિમાનમાં પાક મુસ્લિમ લીગ સુપ્રીમો નવાઝ શરીફ અને મરિયમ લાહોર એરપોર્ટ પર પહોંચ્યા તે વિમાન પોતાના નિર્ધારિત સમયથી ૩ કલાક મોડુ પહોંચ્યું. ભારતીય સમય મુજબ શરીફનું વિમાન રાત્રે લગભગ ૯:૧૫ વાગ્યે લાહોરના અલ્લામાં ઈકબાલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થયું. લાહોર એરપોર્ટના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે એન.એ.બી. (નેશનલ અકાઉટેબિલીટી બ્યુરો)ની ટીમ પિતા-પુત્રીની ધરપકડ કરવા પહોંચી તો બંનેએ કોઈ પણ વિરોધ વગર ધરપકડ વહોરી લીધી. બંનેની ધરપકડ કર્યા બાદ એક વિશેષ વિમાનમાં ઈસ્લામાબાદ લાવવામાં આવ્યા.

મની લોન્ડ્રીંગ કેસમાં શરીફને ૧૦ વર્ષ અને તેની દિકરી મરિયમને ૭ વર્ષની સજા થઈ છે. પાક.ના સુત્રોના જણાવ્યા પ્રમાણે સમગ્ર મામલાને ધ્યાનમાં રાખતા પંજાબના કેટલાક વિસ્તારોમાં ઈન્ટરનેટ સર્વિસ બંધ કરી દેવામાં આવી છે તો બીજી તરફ નવાઝ શરીફની માતા બેગમ શમીમ અખ્તર અને તેમના દિકરા શટુબાર્ગ શરીફ અને સલમાનને લાહોર એરપોર્ટ પર નવાઝ શરીફને મળવાની પરવાનગી આપી હતી.

ઉલ્લેખનીય છે કે પાક.માં નવાઝ શરીફની ધરપકડ બાદ તંગદિલી ઉભી ન થાય તે માટે શરીફની પાર્ટી પાક. મુસ્લિમ લીગ નવાઝના ૩૦૦થી પણ વધારે કાર્યકર્તાઓને પકડી લેવામાં આવ્યા છે. લાહોર જતા પહેલા શરીફે તેના સમર્થકોને કહ્યું, ‘જે મારા હાથમાં હતું તે મેં કર્યું મને ખબર છે કે લાહોર પહોંચતા જ મને જેલ ભેગો કરી દેવામાં આવશે પરંતુ પાકના લોકોને હું જણાવવા માંગુ છું કે આ બધુ હું તમારા માટે કરી રહ્યો છે. આ કુર્બાની હું તમારી ભાવી પેઢી માટે આપી રહ્યો છું માટે મને સાથ સહકાર આપજો.

૨૦૧૬માં પનામા પેપર કેસમાં નામ આવ્યા બાદ નવાઝ શરીફને જુલાઈ ૨૦૧૭માં પ્રધાનમંત્રી પદ પરથી ભ્રષ્ટ કરવામાં આવ્યા હતા. તપાસને અંતે શરીફ અને તેમની પુત્રી પર મની લોન્ડ્રીંગનો કેસ ચલાવવામાં આવ્યો.

પાક ટ્રિબ્યુનલ કોર્ટે ગત શુક્રવારે શરીફ અને તેની પુત્રી મરિયમને દોષી જાહેર કરી કેદની સજા ફટકારી બંનેને તેમની ગેરહાજરીમાં સજા થઈ બંને તે સમયે લંડનમાં હતા શરીફની પત્ની ગંભીર રીતે બિમાર હતા મહત્વનું છે કે પાક.માં ૨૫ જુલાઈથી ચુંટણી છે. આ સમગ્ર ઘટનાની અસર પાક. ચુંટણી પર થશે. તહરીક-એ-ઈસાફના પ્રમુખ ઈમરાન ખાનને શરીફ-પુત્રીની ધરપકડનો સીધો ફાયદો થશે. શરીફની સામે કેસ ફાઈલ કરવામાં ઈમરાન ખાન પણ સામેલ છે.

Loading...