Abtak Media Google News

આપણા દેશમાં સમયાંતરે ધાર્મિક પર્વો ઉજવવાની પરંપરા છે. એ જૂગજૂની છે. એની સાથે આપણી સંસ્કૃતિ અને સભ્યતા સંકળાયેલા છે. આપણા દેવદેવીઓનું સતીત્વ, તપ, આદ્યશકિત અને આરાધના-તત્વ સત્વ એની સાથે સંલગ્ન છે.જયારે જયારે ધર્મની ગ્લાની અને અધર્મની માત્રા વધે છે. જયારે જયારે દેવોને દૈત્યો પીડાકારક બને છે. ત્યારે આદ્યશકિત અને જગદંબા-ભગવતી-દુર્ગા-ઉમા પાર્વતી, મહાકાલિકા આશાપૂરા, બહુચર, ખોડિયાર, વગેરે દૈવી શકિતઓએ ધર્મની રક્ષા કરી છે. એમ દેવી ભાગવત અને પૌરાણિક ગ્રંથોમાં કહેવાયું છે.

આને લગતી પુરાણકથા દર્શાવે છે કે હિન્દુ હૃદયમાં મા દુર્ગાની મૂર્તિ આશા, શકિત અને વિશ્ર્વાસનો સંચાર કરે છે, નવરાત્રીમાં આપણે માત્ર આજ દેવીની આરાધના કરીએ છીએ. કેમકે બધા દેવીદેવીઓની શકિતનો સમન્વય આ એક જ દેવીમાં થયો છે. કદાચ એમ પણ હોય કે આ દેવીનું એક પણ મંદિર આપણે ત્યાં ન હોવાથી આ નવ દિવસોમાં એની મૂર્તિની પ્રતિષ્ઠા કરી સામૂહિક્રીતે ધામધૂમથી પૂજા કરવાનો રિવાજ પ્રચલીત થયો હોય. ભકિતભાવપૂર્વક તેની અર્ચના, આરાધના થાય છે. દૂર્ગાપૂજાનાં પ્રારંભ વિષે અનેકવિધ મત હોવા છતાં એટલું તો ચોકકસ છે કે પંદરમાં સૈકા પહેલા પણ ભારતમાં એનીપૂજા ધામધૂમથી કરવામાં આવતી હતી દિવસો જતા એ વ્યંકિતગત પૂજાએ સામહિક અને સાર્વજનીક પૂજાનું રૂપ ધારણ કર્યું.

મહાલય યાને કે શ્રાધ્ધના અંતિમ દિન પછી આસો માસના નવા ચંદ્રનો ઉદય થતા અને પિતૃપક્ષની સમાપ્તિથતા પવિત્ર ઘટ કળશ સ્થપાય છે. પિતૃપક્ષના દિવસો શુધ્ધિના માનવામાં આવે છે. આ શૂધ્ધિ વિના, મનશુધ્ધિ, ચિત્તશુધ્ધિ ને શરીર શુધ્ધિનો અભાવ રહે છે. અને શુધ્ધિ વિના કોઈપણ પૂજા કરી શકાય નહિ આમ શ્રદ્ધા પાછી જ નવરાત્રીનો ઉત્સવ આવે છે. એ આપણા ધાર્મિક ઉત્સવો પાછળ રહેલી આપણા ઋષિમૂનિઓની સુઝ બતાવે છે. શંખધ્વનિ અને ચંડીપાઠ કરતા કરતા ઘટની સ્થાપના થાય છે. ઘટ સ્થાપન થયા પછી ગોર ઘટની પાસે જવ વાવે છે. અને જવને ૧૦ દિવસ વધવા દે છે. એ દિવસોમાં ભકતલોકો આખો દિવસ ઉપવાસ કરે છે ને ચંડી સપ્તશનીનો પાઠ કરે છે.

જયો જયો મા જગદંબેમાં અંબાજી માતાને આખા જગતની માતા ગણાવીને એમનો જયજયકાર કરવામાં આવ્યો છે. (જયો એટલે જય હો) આ વિશ્ર્વવિખ્યાત આરતીમાં મા જગદંબા (ઉમા-પાર્વતી)એ કયા કયા સ્વરૂપમાં કયા કયા દૈત્યોને સંહાર્યા એનું વર્ણન છે.

સંહારક શકિતનો મહિમા એમાં દર્શાવાયો છે.

છેલ્લી પંકિતમાં શિવાનંદ સ્વામીએ ૧૬૫૭ (સંવત)માં આ કવિતા-આરતી લખી હોવાનું દર્શાવ્યું છે અને તેમાં ‘શિવશકિત’નો મહિમા દર્શાવાયો છે. શિવશકિત એટલે કલ્યાણકારી શકિત કે સર્જન શકિત…

શાંતિના સમયે જ માનવજાત માટે સુખ સંપત્તિ અને કૈલાસ અર્થાંત મૂકિત કે મોક્ષ મેળવી આપે એવી શકિતને શિવશકિત તરીકે ઓળખાવાઈ છે. અને તે સંહાર શકિતની જરૂરત છતાં શિવશકિતની અનિવાર્યતા દર્શાવે છે.

નિદોર્ષ મનોરંજનની સાથે શકિતપૂજાનો મહિમા ગાવાનું પર્વ ને નવરાત્રિનું પર્વ છે, જે સૌથી મોટુ નવ દિવસનું છે.

આપણા સમાજમાં અસુરો-દૈત્યોનો નાશ થતાં એની ખુશાલી મનાવવાનો, એટલે કે દેવદેવીઓનાં વિજયની ખુશાલીનો તહેવાર તે વિજયાદશમી દશેરા છે.

આવા મોંઘરા તહેવાર (નવરાત્રિ-નોરતા)નું બેફામ વ્યાપારીકરણ અને રાજકીયકરણ કરવામાં આવ્યું છે. એ આપણી હિન્દુ સંસ્કૃતિનું ગળું ટૂંપવા બરાબર છે.

કોઈ માતાજીના પૂનિત પર્વ પર માલિકી હકક જેવો કબ્જો લે પોતાનો પ્રચાર કરવામાં,નાણા ઉઘરાવવામાં, પાસ વેચીને કે વહેચીને ઈચ્છિત લાભ મેળવવામાં ઉપયોગ કરે તે તો જગદંબા સાથે, ગરબાની પૂણ્યતા અને પવિત્રતા સાથે છેતરપીંડી જ કહેવાય અમે માઈ ભકતો કહી શકે…

આપણા દેશમાં કોઈ પણ ચીજમાં ભેળસેળને ગુનો ગણીને દંડ વસુલવામાં આવે છે. પણ મોટા માથાઓ ધાર્મિકતામાં અધાર્મિકતાની ભેળસેળ કરે, અને છૂપી લૂંટ ચલાવે એને કોઈ સજા નહિ, એવો ઘાટ ઘડાય છે.

માં જગદંબાના સાચા ભકતોએ અને ભારતીય સંસ્કૃતિના રખેવાળોએ આવા નિર્લજજ લૂંટારાઓ તેમજ તેમની અધાર્મિક ગતિવિધિઓનો સામનો કરવો જ પડશે. કારણ કે, સંસ્કૃતિ અને ધર્મ સંપ્રદાયની પવિત્રતા સાથે ચેડા થાય અને તહેવારો પર્વોનું ગંદુ ગોબરૂ પ્રાઈવેટાઈઝેશન ખાનગીકરણ વ્યાપારીકરણ માઝા મૂકે તો રાષ્ટ્રીય અને સામાજીક અધ:પતન સંભવે જ એમ કહ્યા વિના છૂટકો નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.